Thursday, December 31, 2015

સામતપરા ગામે બોર વીણતી મહિલાને, બાબરાવીડીમાં બાળકને સિંહે ફાડી ખાધા

  • DivyaBhaskar News Network
  • Dec 27, 2015, 05:11 AM IST
જૂનાગઢજિલ્લામાં આજે વનરાજોએ બે સ્થળે માનવી પર જીવલેણ હુમલા કર્યા હતા. જેમાં એક મહિલા અને એક બાળકનાં મોત નિપજ્યાં છે. ભેંસાણનાં સામતપરા ગામે બોર વીણતી મહિલા અને બાબરા વીડીમાં કુદરતી હાજતે બેઠેલો બાળક સિંહના હુમલાનો ભોગ બન્યા હતા.

ભેંસાણનાં સામતપરા ગામની કોળી ખેત મજૂર હંસાબેન જેરામભાઇ ધામેચા (ઉ.42) આજે ઘરકામ પતાવી સવારે 9 વાગ્યાનાં અરસામાં ગામની અન્ય 7 મહિલાઓ સાથે ચણી બોર વિણવા ગામની સીમમાં ગઇ હતી. તેઓ બામણગઢનાં દરબારની જમીન અને સરકડિયા હનુમાન જવાનાં રસ્તાનાં બોર્ડ પાસે હતા ત્યારે એકાએક સિંહણ તેમની સામે ધસી આવી હતી. જેને જોઇ હંસાબેન હતપ્રભ થઇ ગયા હતા. મહિલાઓ જોકે, બધી ટોળે વળી ગઇ હતી. પરંતુ સિંહણે ટોળા પર હુમલો કરી દીધો હતો. જેમાં હંસાબેન તેની ઝપટમાં આવી ગયા હતા. સિંહણે જોરદાર પંજો મારતાં તેઓ જમીન પર પડી ગયા હતા. આથી સિંહણ તેને મોઢેથી પકડી ઢસડીને બાજુનાં ખેતર તરફ લઇ ગઇ હતી. જ્યાં તેમને ફાડી ખાધા હતા. દરમ્યાન મહિલાઓએ દેકારો કરતાં આસપાસની વાડીઓમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરી સિંહણને ભગાડી દીધી હતી. દરમ્યાન હંસાબેને ઘટનાસ્થળેજ દમ તોડી દીધો હતો. તેમનાં મૃતદેહને પીએમ માટે ભેંસાણનાં સરકારી દવાખાને ખસેડાયો હતો. જ્યારે બીજો બનાવ ગિરનાં જંગલની ધારે આવેલી માળિયા હાટીના પાસેની બાબરા વીડીમાં બન્યો હતો. જ્યાં વનવિભાગે ઘાસ કાપવાની મજૂરી કામ માટે દાહોદ જીલ્લાનાં ગાંગરડા ગામનાં 80 થી 90 આદિવાસી મજૂરો આવ્યા છે. મજૂરો 3 થી 4 માસ માટે આવતા હોય છે અને તેઓ બાબરા વીડી પાસેજ દંગામાં રહે છે. હાલ છેલ્લા બે માસથી આદિવાસીઓ અહીં વસવાટ કરે છે. જેમાં રૂમાલભાઇ કેશવભાઇ ડામોરનો 7 વર્ષનો પુત્ર રોહિત આજે સવારે 6:30 વાગ્યે કુદરતી હાજતે ખુલ્લામાં બેઠો હતો. વખતે સિંહે આવીને તેના પર હુમલો કર્યો હતો. રોહિતે બચાવોની બુમો પાડતાં આરએફઓ પરમાર, રાઉન્ડ ફોરેસ્ટર જાડેજા, એચ. વી. શીલુ, ચૌહાણ, સહિતનાં આસપાસનાં લોકો દોડી આવ્યા હતા. અને હાકલા પડકારા કરતાં સિંહ ત્યાંથી ચાલ્યો ગયો હતો. જોકે, સિંહે તેના પેટનો ભાગ ફાડી ખાધો હતો. અને શરીરનાં અન્ય ભાગોમાં દાંત બેસાડતાં રોહિતનું ઘટનાસ્થળેજ મોત નિપજ્યું હતું. તેના મૃતદેહને પીએમ માટે માળિયા સરકારી દવાખાને ખસેડાયો હતો. અત્રે નોંધનીય છે કે, ગીર અને ગિરનાર તેમજ સૌરાષ્ટ્રનાં અન્ય જંગલોમાં વન્ય પ્રાણી દ્વારા માનવી પર હુમલાની ઘટના અવાર-નવાર બનતી હોય છે ખરી પરંતુ સિંહ દ્વારા હુમલાની ઘટના ઓછી બને છે.

No comments: