Friday, September 30, 2016

તાલાલાના કમલેશ્વર ડેમનું 50 ટકા લીકેજ બંધ થયું, તંત્ર ઉંધા માથે

divyabhaskar.com | Sep 25, 2016, 00:51 AM IST

તાલાલાઃગીર જંગલ મધ્યે આવેલ કમલેશ્વર (હિરણ-1) ડેમમાં ગઇકાલે સવારથી લીકેજ થયેલ તંત્રએ અટકાવવા તનતોડ પ્રયત્નો કર્યા હોય લીકેજની  ઘટનાનાં  છત્રીસ કલાક બાદ પચાસ ટકા લીકેજ બંધ કરાવી શકાયુ છે. હજુ લીકેજથી પાણી ડેમમાંથી  બહાર જઇ રહયું છે.
કમલેશ્વર ડેમમાં થયેલા લીકેજને બંધ કરાવવા સિંચાઇ વિભાગનાં ઉચ્ચ અધિકારીઓએ ગતરાત્રે જનરેટર સહિતનાં જરૂરી સાધનો અને મટીરીયલ્સ  ગતરાત્રે ડેમ સાઇડ ખાતે મંગાવી  રાત્રે પણ કામગીરી ચાલુ રખાવેલ. સવારે ક્રેઇન અને વધુ જેસીબી મંગાવી ત્રણ ભાગોમાંથી  કામ શરૂ કરાવેલ.. ડેમનાં પાણીમાં ભમરી થઇ નિકળતું પાણી અટકાવવા  લોખંડની જાળી ભમરીનાં ખાડામાં ઉતારી રેતી, કપચી, મોરમ ભરેલ થેલીઓ જાળીમાં નાંખવાનું શરૂ કર્યું હતું.
 
ડેમનું પાણી જયાં બહાર આવે ત્યાં ક્રેઇન મારફત પાળા સુધી રસ્તો કરી લીકેજનું બહાર આવતું પાણી અટકાવવા બોગદાને દબાવવા  નવો પાળો બનાવવાનું  શરૂ કરવામાં આવેલ ડેમનાં પાળા ઉપરથી જેસીબી મારફત મોરમ ભમરી સુધી નીચે નાંખવાનું શરૂ કરેલ. સિંચાઇ વિભાગની રાત – દિવસની મહેનત છતા ડેમમાં થયેલ લીકેજ પચાસ ટકા ઓછુ થયું છે. હજુ ડેમમાંથી પાણી વહી જતું હોય તાલાલા પંથકનાં ખેડુતો અને લોકોમાં ચિંતા પ્રસરી છે.

પાઇપ પાસેની જમીનથી લીકેજ થયું
 
ડેમનાં અધિકારી હરસુખભાઇએ  જણાવેલ કે ડેમનો દરવાજો તૂટયો નથી સીમેન્ટનો પાઇપ પાસેની  જમીનથી લીકેજ થયેલ છે. ડેમમાંથી  પાણી લીકેજથી વહી ગયું તેની સામે પાણીની આવક હોય ડેમની સપાટી 28 ફૂટ જળવાઇ રહી છે.
 
ડેમ લીકેજ થતા પાણી કેનાલથી હિરણ નદી અને ખેતરોમાં વહયું

કમલેશ્વર ડેમનાં કેનાલનાં પાળા નીચે જમીનમાં બે ફુટથી વધુનાં બની ગયેલા બોગદામાંથી  સવારથી જ ડેમની બહાર પાણી વહેવાનું શરૂ થયેલ અને કેનાલથી  હિરણ નદી, ખેતરો તરફ પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો. કમલેશ્વર ડેમમાં પાણીની આવક માટે કોઇ નદીનું વહેણ લાગુ પડતું નથી અને કુદરતી રીતે બંધાયેલા  ડેમની ફરતે આવેલા ડુંગરો અને જંગલની જમીનમાંથી  વહેતા વરસાદી પાણીથી જ ડેમમાં નવા નીર આવે છે. આમ મેઘકૃપાથી  જ દર વર્ષે ડેમ ભરાતો હોય છે.
 
ત્રણ પાણ વહી જતાં ખેડુતોમાં નિરાશા

ડેમનાં લીકેજથી  ત્રણ પાણ જેટલું પાણી વેડફાઇ જતાં પંથકનાં ખેડુતો અને લોકોમાં નિરાશા છવાઇ જવા પામી છે.
 
તાલાલાથી હિરણ-2 સુધી અવર-જવર ન કરવી

હિરણ-1 લીકેજ હોવાથી હિરણ -2 સુધી નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જવાની સંભાવના હોય તાલાલાથી  હિરણ-2 ડેમ સુધી નદીમાં લોકોને અવર-જવર ન કરવા, પશુધનની કાળજી લેવા તંત્રએ સુચના આપી છે.

No comments: