Friday, September 30, 2016

સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં મેઘમહેર, પશુઓ તણાયા, અનેક ગામો થયા સંપર્કવિહોણા

Rajesh Rana, Navsari | Sep 20, 2016, 00:50 AM IST
સૌરાષ્ટ્ર, દ. ગુજરાતમાં મેઘમહેર, પશુઓ તણાયા, અનેક ગામો થયા સંપર્કવિહોણા,  navsari news in gujarati
જૂનાગઢ/સુરત:ભાદરવામાં જામેલા અષાઢી માહોલથી સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.રાજ્યમાં બીજા દિવસે પણ સાર્વત્રિક એકથી ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં સૌથી વધુ 6 ઈંચ અને સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ગિરસોમનાથ જિલ્લામાં મેઘસવારી ચાલુ રહી હતી. જેમાં જૂનાગઢ 2, ભેંસાણ 1, કેશોદ1, માળિયા હાટીના-મેંદરડા અડધો ઇંચ, વંથલી 1, વિસાવદર 3, ઉના 1 અને તાલાલા તેમજ ગિર જંગલમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.
 
નવસારીમાં સૌથી વધુ 6 ઈંચ, પલસાણા 4, તળાજામાં 3.5, ગીર જંગલમાં 3 ઈંચ

અમરેલી જિલ્લામાં અમરેલી, બગસરા, લાઠીમાં પા ઇંચ, ધારીમાં ઝાપટાં,જાફરાબાદમાં પોણો ઇંચ, ખાંભામાં અડધો ઇંચ, લીલીયા-રાજુલા 1.25ઇંચ અને સાવરકુંડલામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.પોરબંદર જિલ્લાના કુતિયાણા 1 અને માધવપુર 3 ઇંચ પાણી પડ્યું હતું. પોરબંદર શહેરમાં અડધો ઇંચ વરસાદ થયો હતો. તળાજામાં 3.5 ઈંચ વરસાદ પડ્યો હતો. જામનગર જિલ્લાના સાત તાલુકાઓમાં પણ અડધોથી દોઢ ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં પલસાણામાં 4 ઈંચ અને માંગરોળ તાલુકામાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારી અને જલાલપોરમાં સૌથી વધુ 6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અન્યત્ર અડધોથી 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. સુરત  અને વડોદરામાં ઝાપટાં પડ્યાં હતાં.
 
જામલાપાડામાં યુવક તણાયો

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા જામલાપાડા ગામે રવિવારે ખેતરેથી ઘરે આવતા આદિવાસી ખેડૂત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે લાગુ કોતરમાં તણાઈ ગયા જતાં તેમનું મોત નિપજ્યું હતું.
  ડભોઈના 4 ગામ સંપર્કવિહોણા

પંચમહાલના ઉપરવાસમાં મેઘમહેર થતાં ઢાઢર નદીમાં પૂર આવતાં ડભોઇ તાલુકાનાં દંગીવાડા, મગનપુરા, પ્રયાગપુરા, નારણપુરા ગામ હાલ પુરની લપેટમાં આવી ગયાં છે અને તેમનો સંપર્ક તુટી ગયો છે. નદીકાંઠે આવેલી આશરે 300 વિઘા જેટલી જમીનમાં પાણી ફરી વળતાં તુવર, દિવેલાં અને કપાસનાં પાકને ભારે નુકસાન થયું છે.

તળાજામાં વીજપુરવઠો ઠપ

તળાજામાં ભારે વરસાદને કારણે મહુવા ચોકડી, મહુવા રોડ અને ગોપનાથ રોડ પર આવેલા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર બળી જતાં આ સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો.
 
દાતરડી નદીમાં ત્રણ ભેંસ તણાઈ

રાજુલાની દાતરડી ગામની નદી બે કાંઠે વહેતી થઈ હતી. જેમાં ઉતરેલી ત્ર ભેંસો ધસમસતા પૂરમાં લાચાર બની હતી અને એક પછી એક ત્રણ ભેંસ પાણીમાં વહી ગઈ હતી.
 
( તસવીર - રાજેશ રાણા )

No comments: