Thursday, July 30, 2020

1 સપ્તાહમાં 2 સિંહના મોત બાદ તંત્ર હાંફળું ફાંફાળું, 4 સાવજને રેસ્ક્યુ કરી સક્કરબાગ મોકલાયા

  • ફરી સાવજ પર બીમારીનો ખતરો
  • રાજુલા, જાફરાબાદના સાવજો પર તંત્રની નજર
  • હાલ રામપરા ટોરેન્ટ વિસ્તારના 2 અને જાફરાબાદ બોર્ડર નજીકથી 2 મળી કુલ ચાર સાવજોની જૂનાગઢમાં સારવાર કરાશે

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 04:00 AM IST

રાજુલા. અગાઉથી સીડીવી અને બેબેસીયાના રોગચાળાએ મોટી સંખ્યામાં સાવજોનો ભોગ લીધા બાદ હાલમાં પણ સાવજો પર રોગચાળાનો વધુ એક ખતરો તોળાઈ રહ્યો છે. રાજુલા જાફરાબાદ પંથકમાં બે સાવજોના બીમારીમાં મોત થયા બાદ વનતંત્ર દોડતું થઇ ગયું છે. અને અહીંના ચાર સાવજોને રેસ્ક્યુ કરી આરોગ્ય ચકાસણી માટે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં મોકલવામાં આવ્યા છે.

ગીર તુલસીશ્યામ રેન્જમા બેબેસિયા નામનો રોગ આવ્યો હતો
ગીર જંગલ વિસ્તારમા પ્રથમ સીડીવી નામનો રોગચાળો સિંહોમાં આવ્યો હતો અને સિંહોના ટપોટપ મોત થયા હતા. ત્યાર બાદ તાજેતરમા ગીર તુલસીશ્યામ રેન્જમા બેબેસિયા નામનો રોગ આવ્યો હતો અને કેન્દ્રમાંથી ટીમો પણ તપાસ અર્થે આવી હતી. હવે રાજુલા જાફરાબાદ રેવન્યુ વિસ્તારના અતિ તંદુરસ્ત મનાતા સિંહો પર ગંભીર બીમારીના સંકટના વાદળો ઘેરાયા છે. અહીં તાજેતરમા રાજુલા જાફરાબાદ બોડર વિસ્તારમાથી પ્રથમ કોહવાયેલો સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યાર બાદ એજ અઠવાડિયામા નાગ નામથી ઓળખાતા સિંહનો મૃતદેહ તે જ બોર્ડર નજીકથી મળી આવ્યો હતો. નાગ નામનો આ સિંહ કોલર આઈ.ડી.વાળો અને અતિ તંદુરસ્ત હતો. આ ઘટનાની જાણ સ્થાનિક વનવિભાગ દ્વારા ઉચ્ચ કક્ષાએ કરાઇ હતી.

ક્યા ક્યા સિંહો નબળા અને બીમાર છે તેને લઈ વનવિભાગના અધિકારી દ્વારા સર્વે
પાલીતાણા શેત્રુંજી ડિવિઝન નીચે આવતી બંને રેન્જના વનવિભાગ દ્વારા સિંહોની આરોગ્ય ચકચણી કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ કામે લાગ્યા છે. ક્યા ક્યા સિંહો નબળા અને બીમાર છે તેને લઈ વનવિભાગના અધિકારીઓ સર્વે કરી રહ્યા છે. ધારીના દલખાણીયા અને ખાંભાના સિંહના રોગચાળાના અનુભવ બાદ અહી પણ ગંભીરતા દાખવી રોગચાળાની આશંકાના આધારે સિંહોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સિંહોના હેલ્થની ચકચણી કરવા માટે તેમને રેસ્ક્યુ કરાઇ રહ્યા છે. સિંહોને રેસ્ક્યુ બાદ જૂનાગઢ સકકરબાગ ખાતે લઇ જવાયા છે. અને ત્યા સિંહોને સારવાર આપવામા આવેશે. આ વિસ્તારમાં સિંહોની મુવમેન્ટ પર વનવિભાગ નજર રાખી રહ્યુ છે. હાલમાં રામપરા ટોરેન્ટ વિસ્તારના 2 સિંહોના રેસ્ક્યુ કરી જૂનાગઢ લય જવાયા છે જાફરાબાદ બોડર નજીકથી પણ 2 સિંહને રેસ્ક્યુ કરાયા છે. જૂનાગઢ સીસીએફ દુષ્યંત વસાવડા અને પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ડી.સી.એફ.નિશા રાજના માર્ગદર્શન હેઠળ રાજુલા આરએફઓ હિતેન્દ્ર સિંહ વાઘેલા, જાફરાબાદ આરએફઓ વાઘેલા, ફોરેસ્ટ સ્ટાફ, રેસ્ક્યુ ટીમ સહિતના લોકો નજર રાખી રહ્યા છે.

ચારેય સિંહો એજ વિસ્તારમાં આવી જશે
વનવિભાગના સીસીએફ દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે એક જ વિસ્તારમા 2 સિંહોના મોત થયા હતા એટલે સિંહોના આરોગ્યની ચકાસણી કરાઈ છે. અન્ય સિંહોમા કોઈ બીમારી તો નથી તે જાણવા માટે હાલમા 4 સિંહોને રેસ્ક્યુ કર્યા છે. આ સાવજો ફરી વાર એ જ વિસ્તારમા આવી જશે. - દુષ્યંત વસાવડા, સીસીએફ

24 કલાક ફિલ્ડમાં સ્ટાફની દોડધામ શરૂ
એશિયાટિક સિંહો પર મોટુ સંકટ ન આવે તે માટે રાજુલા જાફરાબાદ બંને રેન્જના આરએફઓ સહિત વનવિભાગનો તમામ સ્ટાફ 5 દિવસથી સતત 24 કલાક ફિલ્ડમા કામગીરી કરી રહ્યો છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/rajula/news/after-the-death-of-2-lions-in-1-week-the-system-was-in-full-swing-127563763.html

No comments: