Saturday, December 3, 2011

વાસનાંધ (!) સાવજનું હિંસક કૃત્ય, સિંહણને ફાડીખાધી.


Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:33 AM [IST](03/12/2011)
ગીર પૂર્વની પાળીયા રેંજમાં ગઇકાલે એક સિંહણ પર સાવજે હુમલો કરી તેને મારી નાખી હતી. સવારે સિંહણનો મૃતદેહ ભેરાળા પવનચક્કી વિસ્તારમાંથી મળી આવ્યો હતો. વનતંત્રએ સિંહણનો મૃતદેહ કબજે લઇ આગળની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે સિંહણને પામવા બે ડાલામથા વચ્ચે થયેલી ઝપાઝપીમાં એક સિંહ તાબે નહીં થનારી સિંહણને ફાડીખાધાનો હાલમાં અનુમાન થઇ રહ્યું છે.
વધુ એક સિંહણનું ઇનફાઇટમાં મોત થયુ છે. ગીર પૂર્વ વન વિભાગની પાળીયા રેંજમાં ભેરાળા પવનચક્કીના જંગલ વિસ્તારમાં સ્ટાફના પેટ્રોલીંગ દરમીયાન એક્સિંહણનો મૃતદેહ મળી આવતા નીચેના સ્ટાફ દ્વારા ડીએફઓ મુનિશ્વર રાજાને જાણ કરવામાં આવી હતી. ડીએફઓ રાજા, સ્થાનીક આરએફઓ લલીયા અને સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
ગળા પર ઇજાના નિશાન હતા. વળી આસપાસ સિંહણ સાથે ફાઇટ થઇ હોય તેવા નિશાન મળી આવતા આ સિંહણનું મોત સિંહ સાથે લડાઇ દરમીયાન થયુ હોવાનું ફલીત થયુ હતું. સિંહે સિંહણના ગળામાં દાંત ધસાવી દઇ તેના રામ રમાડી દીધા હતા. સિંહણના તમામ નખ સહિ સલામત મળી આવ્યા હતા. મૃતક સિંહણની ઉંમર આશરે આઠ વર્ષની હોવાનું જણાઇ રહ્યુ છે.
સિંહણના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ધારીના દલખાણીયા રોડ પર આવેલા ભુત બંગલા ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડીએફઓ મનશિ્ર્વર રાજાએ જણાવ્યુ હતુ કે સિંહણનું મોત ઇનફાઇટમાં થયુ છે અને ગળા પર ઇજાના નિશાન જોવા મળ્યા છે. હાલમાં તાબે ન થતાં સિંહણને સિંહે મારી નાખ્યાનું અનુમાન છે.
થોડા દિવસ પહેલા સિંહણ બીમાર પડી હતી -
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ઇનફાઇટમાં મૃત્યુ પામનાર સિંહણ થોડા દિવસ પહેલા બિમાર પડી હતી. અને સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડાઇ હતી. અને ગઇકાલે જ જંગલમાં મુકત કરાયા બાદ આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

No comments: