Saturday, December 3, 2011

ઊના નજીક સીમમાં માતાનાં વિયોગમાં ઝુરતા સિંહબાળ.


Source: Jayesh Gondhiya, Junagadh   |   Last Updated 2:53 AM [IST](03/12/2011)
- બચ્ચાઓની સલામતી માટે પાંજરે પુરવા વન વિભાગે કવાયત હાથ ધરી
- વન્યપ્રાણી પ્રેમીઓ પણ ચિંતીત
ઊનાનાં ધોકડવાની સીમમાં સિંહણ વીજ કરંટથી મોતને ભેટયા બાદ માતાનાં વિયોગમાં ત્રણ સિંહબાળ ઝુરી રહ્યા છે. આ બચ્ચાઓની સલામતી માટે વન વિભાગે પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે. જ્યારે બચ્ચાઓની વેદનાથી વન્યપ્રાણી પ્રેમીઓ પણ વ્યથીત બન્યા છે.
ઊનાનાં ધોકડવાની સીમમાં શાહી નદીનાં કાંઠા નજીક થોડા દિવસ પહેલા સિંહ પરિવાર તેનાં ત્રણ બચ્ચા સાથે શિકારની શોધમાં નિકળ્યું હતું અને એક વાડીમાં પ્રવેશતા સમયે ફેન્સીંગમાં લગાવાયેલા જીવંત વાયરોને અડી જતાં વીજ કરંટથી સિંહણ મોતને ભેટી ગઇ હતી.
આ બનાવમાં વન વિભાગે બે શખ્સોને અટકમાં લઇ તેની વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યાં બીજી તરફ એકલા અટુલા પડી ગયેલા ત્રણ સિંહબાળ માતાનાં વિરહમાં ઝુરતા જોવા મળી રહ્યા છે. આ બચ્ચાઓ તેની માતાને શોધવા આ સ્થળની આસપાસ આંટાફેરા મારી રહ્યા છે. કદાવર સિંહ પણ જોવા મળી રહ્યો છે.
આ બચ્ચાઓની સલામતી માટે વન વિભાગનાં સ્ટાફે પણ સજાગ બની દિવસ દરમિયાન સતત પેટ્રોલીંગ કરી રહ્યો છે અને ભોજનની પણ વ્યવસ્થા કરી આપે છે. આ બચ્ચાઓને પકડવા પાંજરૂ પણ મુકવામાં આવ્યું છે પરંતુ પાંજરે પૂરાતા નથી. ત્રણેય બચ્ચા પાંજરે પાંજરે પૂરાય એ મહત્વનું છે. જંગલનાં રાજા કહેવાતા સિંહ પરિવારમાં પણ એક સભ્યની ખોટ પડતાં અદભુત લાગણી જોવા મળી રહી હોવાનું વન વિભાગનાં અધિકારી જણાવી રહ્યા છે.
વનવિભાગ સિંહ બાળની સતત કાળજી રાખે છે -
માતા વિહોણા થયેલા આ ત્રણ સિંહ બાળની વનવિભાગ પણ ખાસ કાળજી લઈ રહ્યું છે. આ બચ્ચાઓ અન્ય સિંહ પરિવારના ગ્રૃપમાં જતાં નથી તેમ વનવિભાગે જાણકારી આપી હતી. આથી આ સિંહ બાળની સલામતી માટે વનવિભાગનો સ્ટાફ સતત પેટ્રોલીંગ કરી તકેદારી રાખી રહ્યું છે અને સલામત રીતે પંજરામાં પુરાઈ તે માટે પણ પ્રયત્નશીલ બન્યા છે.
માતાની રાહમાં કુવા પાસે જ બેસી રહે છે -
માતાની રાહમાં આ ત્રણ સિંહ બાળ સાંજ પડતાની સાથે જ કુવા પાસે આવી જાય છે અને સુનમુન બની બેસી રહે છે. આ સિંહ બાળ અન્ય ગૃપમાં જતાં નથી તેથી વન વિભાગ પણ આ બચ્ચાઓની .ખાસ કાળજી રાખી રહ્યુ છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-baby-lions-weeping-for-the-separation-of-mother-near-una-2611289.html?OF2=

No comments: