Friday, December 23, 2011

વન વિભાગે કાગળ ઉપર હરિયાળી સર્જી દીધી.


Source: Bhaskar News, Porbandar   |   Last Updated 2:50 AM [IST](23/12/2011)
પોરબંદરના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટે વૃક્ષારોપણની માહિતી માંગી તેમાં વન વિભાગનું ભોપાળું છતું થયું
પર્યાવરણને બચાવવા અને ગ્લોબલ વોર્મિંગને અટકાવવા વન વિભાગ દ્વારા સમયાંતરે વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે. પોરબંદર જિલ્લામાં દર વર્ષે લાખોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ તેનું જતન થાય છે કે કેેમ ? તે અંગેની વિગત પોરબંદરના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટે માંગતા આ વૃક્ષારોપણ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ તે વૃક્ષો જીવંત છે કે કેમ ? તેનું રેકોર્ડ જ વન વિભાગ પાસે ન હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.
‘વૃક્ષ વાવો, વરસાદ લાવો’ આવા સુત્રોના માધ્યમથી લોકોને પર્યાવરણ બચાવવા માટે જાગૃત કરવામાં આવે છે. વન વિભાગના સહયોગથી સામાજીક સંસ્થાઓ પણ વૃક્ષારોપણ કરે છે, જે સરાહનીય બાબત છે. પરંતુ આ વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેનું જતન થાય છે કે કેમ ? તે સવાલ હર કોઈને સતાવી રહ્યો છે.
પોરબંદરના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ પોરબંદરમાં આવતા રાણાવાવ રેન્જમાં તેમજ જુનાગઢમાં આવતા કુતિયાણા રેન્જમાં કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, તેમજ તે અંગે કેટલો ખર્ચ થયો ? આ ઉપરાંત આ વૃક્ષોનું વાવેતર થાય ત્યારબાદ તેનું જતન થાય છે કે કેમ ? તે સહિતની વિગત નાયબ વન સંરક્ષક પાસેથી રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ મુજબ માંગી હતી.
જ્યારે વૃક્ષો અંગેની માહિતી માંગી ત્યારે તેમની વિગતો ચોંકાવનારી હતી. જેમાં રાણાવાવ રેન્જમાં છેલ્લા ત્રણ વર્ષમાં છેલ્લા ત્રણ વર્ષમાં વન વિભાગે ર,૬૮,૪પ૭ રોપાનું વાવેતર કરેલ છે, જેનો ખર્ચ R ૩પ,૭૪,૧૮૩ થયાનો જણાવેલ છે. જુનાગઢ વન વિભાગ રેન્જ હેઠળ આવતા કુતિયાણા રેન્જમાં છેલ્લા ત્રણ વર્ષમાં વાવેતર પાછળ R ૭,૦૬,પ૦૬ ફેન્સીંગ ખર્ચ ર,૭૯,૧ર૦ જ્યારે જાણવણી ખર્ચ પાછળ ૩,૭૮,૦૧૧ નો ખર્ચ કરવામાં આવ્યો છે.
જ્યારે આ વૃક્ષો જીવંત છે કે કેમ ? તે અંગેની વિગત માંગતા વન વિભાગે જીવંત ટકાવારી દર્શાવતું રેકર્ડ નથી તેવો જવાબ આપવામાં આવ્યો છે. વૃક્ષારોપણ માટે દર વર્ષે વન વિભાગ દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ તો કરવામાં આવે છે, પરંતુ જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે તેનું જતન થતું નથી, જેને કારણે મોટા ભાગના વૃક્ષો બળી જાય છે.

આથી વન વિભાગ માત્ર કાગળ ઉપર જ હરિયાળી સર્જી દીધી હોવાનો સનસનીખેજ આક્ષેપ આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ કર્યો છે. વૃક્ષારોપણ કર્યા બાદ કેટલાક વૃક્ષોનો ઉછેર થાય છે, તે સવાલ હરકોઈ વ્યક્તિના મનમાં ઉઠતો હોય ત્યારે પર્યાવરણપ્રેમી તેમજ આમ નાગરિકની પણ ફરજ છે કે, વૃક્ષોનું વાવેતર કર્યા બાદ તેમનું જતન કરીએ. તો જ ગ્લોબલ વોર્મિંગ સામે લડત આપી શકશું તેવો મત પ્રવર્તી રહ્યો છે.
વન વિભાગના અધિકારીએ કહ્યું ‘મારે કંઈ કહેવું નથી’
પોરબંદર જિલ્લામાં વન વિભાગ દ્વારા લાખો રૂપિયા ખર્ચીને વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ તેમનું જતન થાય છે કે કેમ ? આ બાબતે જ્યારે પોરબંદરના નાયબ વન સંરક્ષક ભાલોડીનો સંપર્ક કરતા તેમણે એવો જવાબ વાળ્યો કે, ‘મારે કંઇ કહેવું નથી. તમારે કંઇ વિગતો જોઈતી હોય તો લેખિતમાં માંગો’ તેવો ઉડાઉ જવાબ આપી દીધો હતો. જે વન વિભાગ કેવી કામગીરી કરે છે તેનો પરિચય આપ્યો હતો.
બરડા અભ્યારણ્યમાં વૃક્ષોની જાળવણી થતી નથી
આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, બરડા અભ્યારણ્યમાં વૃક્ષોની જાળવણીના અભાવે દિવસ-રાત તેને કાપવામાં આવે છે, તથા આ જંગલમાં અધિકારીઓ પોતાના પરિવારને સરકારી ગાડીઓમાં ફેરવતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત અભ્યારણ્યની આસપાસ ગેરકાયદેસર ખનન કાર્ય પણ થઈ રહ્યું છે, જે વન્ય પ્રાણીઓને પણ નુકસાનકર્તા છે.
મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજુઆત કરી
પોરબંદર જિલ્લામાં રાણાવાવ રેન્જમાં તેમજ કુતિયાણા રેન્જમાં વૃક્ષોના વાવેતર પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ તે જીવંત છે કેમ ? તેની વિગતો વન વિભાગે નહીં આપતા આ બાબતે આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને રજુઆત કરી, જવાબદારો સામે પગલા લેવાની માંગણી કરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-green-paper-on-the-rise-in-forest-department-2667243.html

No comments: