Thursday, December 15, 2011

ભેંસાણ પાસે સિંહબાળ ફાંસલામાં સપડાયું.

 Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:00 AM [IST](15/12/2011)
- ઘટના સ્થળે પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ સક્કરબાગમાં ખસેડાયું
ભેંસાણનાં નવા વાગળી ગામે ખેતરનાં શેઢે રાખવામાં આવેલા ફાસલામાં દોઢ વર્ષનાં સિંહ બાળનો પગ ફસાઇ જતા ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે વનતંત્ર ઘટના સ્થળે દોડી ગયું હતું. અને તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સક્કરબાગ ઝૂ ખાતે ખસેડ્યું હતું.
તાજેતરમાં પોરબંદરમાં એક આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં પાંચ વર્ષમાં ગીરનાં જંગલમાં ૨૦૦થી વધુ સિંહોનાં મોત થયાની સનસનીખેજ વિગતો બહાર આવી હતી. જે વનતંત્રની બેદરકારીની ચાડી ખાય છે. જંગલ વિસ્તારમાં આવેલા ખુલ્લા કુવા અને પાકનાં રક્ષણ માટે ખેતર ફરતે ગોઠવવામાં આવતી ફેન્સીંગ પણ ઘણી વખત સિંહનાં મોતનું કારણ બનતું હોય છે. આવા સંજોગોમાં વનતંત્રની નિષ્ક્રિયતા અને બેદરકારીનો ભોગ વન્ય પ્રાણીઓ બનતા હોય છે. રાજૂલાનાં હડમતીયા ગામે ફેન્સીંગમાં ફસાતા દીપડીનું મોત નિપજ્યું હતું. ત્યારે ભેંસાણનાં નવા વાગળી ગામે આજે સિંહબાળનું મોત થતાં સ્હેજમાં રહી ગયું છે.
વાગળી ગામે મારૂ હુસેન હોથીનાં ખેતરનાં શેઢે ફાસલામાં એક દોઢ વર્ષનાં સિંહબાળનો પગ ફસાઇ ગયો હતો. જેની જાણ વન વિભાગને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને ફાસલામાં ફસાઇ ગયેલા સિંહબાળને મુકત કર્યું હતું. ઉત્તર ડુંગર રેન્જનાં આરએફઓ ગોજીયાએ જણાવ્યું હતું કે, ફાસલામાં ફસાવાનાં કારણે સિંહબાળને ઇજા થઇ હતી.
ઘટના સ્થળ ઉપર પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ સક્કરબાગમાં ખસેડવામાં આવ્યું છે. તેમજ ફાંસલો કબ્જે કર્યો છે અને ખેડૂતને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ફાંસલો શિકાર માટે રાખવામાં આવ્યો હતો કે, પાક રક્ષણ માટે રાખવામાં આવ્યો હતો તેની તપાસ એફએસએલની ટીમને સાથે રાખીને કરવામાં આવી રહી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-baby-lion-trapped-in-trap-laid-near-bhesan-2640002.html?OF2=

No comments: