Thursday, December 1, 2011

સવા કલાક લડાઈના અંતે કોબ્રા દુશ્મન સાપને ગળી ગયો !



રાજકોટ તા. ૨૯
કહેવાય છે કે જીવો જીવસ્ય ભોજનમ્ ..એક જીવ બીજા જીવનો ખોરાક છે. મોટી માછલી નાની માછલીને ગળી જાય છે અને દરેક જીવ અન્ય જીવ પર આધારિત હોય છે. આવી જ સાચી ઘટના થાનમાં પ્રકૃતિ પ્રેમી અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર એ. રઝાક આંબલિયાની હાજરીમાં બની ગઈ હતી. જેમાં છ ફુટની લંબાઈના કાતીલ ઝેર ધરાવતા કોબ્રાએ સવા ચાર ફુટના સાપ સાથે ૮૦ મિનિટ સુધી લડાઈ કરીને મહાત કરી દીધો હતો આ સાપને આ કોબ્રા ગળી ગયો હતો. ક્ષણે ક્ષણની આ આખી ઘટના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરે હાઈડેફીનેશન કેમેરામાં વીડીયોગ્રાફી કરી કેદ કરી લીધી હતી. આ પૃથ્વી પર સર્પોની દુનિયા ખુબજ ન્યારી છે. એની અવનવી ખાસિયતો હોય છે. અતિ કાતીલ ઝેર ધરાવતા અને દિવસે જવલ્લેજ જોવા મળતા ક્રેઈટ પ્રકારનો સાપ જેને ગામડામાં કાળોતરો કહે છે જે કરડે તો માનવી માત્ર પાંચ દશ મિનિટમાં જ મોતને ઘાટ ઉતરી જાય છે. એ સાપનો ખોરાક અન્ય જીવ તો છે પણ એ નાના સાપનું ભક્ષણ કરી જાય છે. કેટલાક સાપનું ઝેર હીમોટોકસિક હોય છે .
  • કોબ્રા અને હરીફ સાપના ફૂંફાડાએ વગડાને વિકરાળ બનાવ્યો
જે ઝેર સીધી અસર લોહી પર કરી ઘાતક અસર ઉભી કરી મોતને ઘાટ ઉતારે છે. આવી જ રીતે ન્યુરો ટોકિસક પ્રકારના સાપ શરીરની ન્યુરો સિસ્ટમ યાને કે ચેતા તંત્રને અસર કરી શરીરને નુકસાન પહોંચાડી દે છે. સૌરાષ્ટ્રમાં કોબ્રા ખુબજ જોવા મળે છે. આવો જ એક કાતીલ ઝેર ધરાવતો કોબ્રા થાનમાં આવી ચડયો હતો. વાઇલ્ડ લાઈફ પ્રેમી એ.રઝાક આંબલિયા એક સારસ પરિવારની વીડીયોગ્રાફી કરી રહયા હતા. એ સમયે બાજુની ઝાડીમાં છીંકોટા અને ફુફાડાનો અવાજ આવવા લાગ્યો હતો. ત્યાં જઈને એણે જોતા ખુંખાર કોબ્રા અને અન્ય સાપ લડાઈ પૂર્વે છીંકોટા મારવા લાગ્યા હતા. કોબ્રાની લંબાઈ છ ફુટ જેટલી હતી જયારે બીજા નાગની લંબાઈ સવા ચાર ફુટ જેટલી હતી. આ સાપ કોબ્રાને જોઈ એની ચુંગાલમાં ન આવી જવાય એવી સાવધાની સેવતો હતો. એમ કરતા કરતા એ બન્ને ખુલ્લા મેદાનમાં આવી ગયા હતા. અને આખરે લડાઈ ચાલુ થઈ હતી. પહેલા બે ય સાપ પ -૧૦ મિનિટ જાણે કશું જ બન્યું નથી એમ શાંત બની જતાં હતા અને એ પછી ફરી લડાઈ ચાલુ કરી દેતાં હતા. આવી લડાઈ સતત એંસી મિનિટ સુધી ચાલી હતી એક તબકકે કોબ્રાએ નાના સાપનું મોઢુ પકડી લીધુ હતુ. અને બધી તાકાત એકત્ર કરી નાના સાપને પકડી ગોળ ગોળ આળોટવા માંડયું હતુ. આથી નાનો નાગ સાવ શકિતહિન અને ક્ષિણ બની ગયો હતો. એ પછી મોઢામાં વીસ મિનિટ સુધી પકડી રાખી કોબ્રા આ નાગને ગળવા લાગ્યો હતો. જયારે સાત આઠ ઈંચની પુછડીનો ભાગ બહાર રહયો ત્યારે શરીરમાં ધકેલાઈ ગયેલો સાપ સળવળાટ કરવા લાગતા કોબ્રાએ વધુ જોર લગાવીને પુરેપુરો ગળી ગયો હતો.પ મિનિટ સુધી શાંત રહી એ પછી ચાલવા લાગ્યો હતો.૫૦ મીટર જેટલુ આગળ ચાલીને જમીન પર આળોટવા લાગ્યો હતો. એ પછી દૂરદૂર ઝાડીમાં ચાલ્યો ગયો હતો. આ એકેએક પળની ઘટના કેમેરામાં કંડારાઈ ગઈ છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=13574

No comments: