Thursday, December 8, 2011

સિંહણના મોત બાદ ૩ બચ્ચાનો ઉછેર પણ પડકારરૂપ બન્યો.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:32 AM [IST](08/12/2011)
- જશાધાર રેન્જમાં તાજેતરમાં વજિકરંટથી સિંહણનું મોત થયું’તું
જ્યારે કોઇ બાળકની માતા મૃત્યુ પામે ત્યારે તે બાળક નિરાધાર અને લાચાર બની જાય છે. જેમના લાલન પાલનનો પણ મોટો પ્રશ્ન ઉભો થાય છે. ગીરની વન્ય સૃષ્ટિમાં તો નાના બચ્ચાવાળી સિંહણનું મૃત્યુ થાય તો બચ્ચાનું આવી બન્યુ જ સમજો.
જસાધાર રેંજમાં તાજેતરમાં એક સિંહણનું મોત થયા બાદ તેના ત્રણ બચ્ચા નિરાધાર બની ગયા હતા. મા વગરના આ બચ્ચા વનતંત્રએ ફેંકેલા માંસના ટુકડા પણ ખાતા ન હતા. પરંતુ એક સાવજે ત્રણેય બચ્ચાને અપનાવી લેતા તે તેની સાથે હળીમળી ગયા હતા. સાવજે કરેલો શિકાર પણ બચ્ચાએ ખાવાનું શરૂ કરતા તંત્રએ હાંશકારો અનુભવ્યો છે.
ગીર જંગલમાં જો બચ્ચાવાળી સિંહણ અચાનક જ મૃત્યુ પામે તો તેના બચ્ચા જીવીત રહે તેવી શક્યતા નહીવત હોય છે. કારણ કે બચ્ચાના ઉછેરની જવાબદારી સિંહણ પર હોય છે. નાના બચ્ચા જાતે શીકાર કરી શકતા ન હોય ભૂખથી અથવા તો અન્ય સિંહના હુમલાથી મોતને ભેટે છે. જસાધાર રેંજમાં થોડા દિવસ પહેલા તારફેન્સીંગમાં મુકાયેલા વજિ પ્રવાહથી મૃત્યુ પામેલી સિંહણના ત્રણ બચ્ચા સામે પણ જીવન મરણનો સવાલ ઉભો થયો હતો.
માતાના મોત બાદ તેના ત્રણ બચ્ચા શિકાર કરી શકતા ન હતા. પાઠડા કહેવાય તેવી અવસ્થા ધરાવતા આ સિંહ બાળ માતાના મોતથી એટલા હચમચી ગયા હતા કે વનતંત્ર દ્વારા તેને અપાતા માંસના ટુકડા પણ તે ખાતા ન હતા. જંગલખાતા દ્વારા ત્રણેય બચ્ચા પર સતત વોચ રખાતી હતી. પરંતુ બચ્ચા કશું ખાતા ન હોય તંત્ર ચિંતીત હતું.
આ સમયે એક સાવજ બચ્ચાની વહારે આવ્યો હતો. બે દિવસ પહેલા એક સાવજે આ ત્રણેય બચ્ચાને સ્વીકારી લેતા હવે ત્રણેય તે સાવજ સાથે ફરવા લાગ્યા છે. એટલુ જ નહી સાવજે કરેલો શિકાર પણ ત્રણેય બચ્ચાએ ગઇકાલે ભરપેટ ખાધો હતો.
હડીયાપાટીવાળી જીંદગીમાં માણસ પણ એકબીજાનું આ રીતે ધ્યાન રાખવાનું ચુકી રહ્યો છે ત્યારે હિંસક પ્રાણી ગણાતા સાવજે તેમની સમાજ રચના કેવી સુંદર છે તેનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ હતું.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-challenge-to-bringing-up-three-lions-baby-after-lioness-dies-2623436.html

No comments: