Thursday, December 15, 2011

રાજુલા: છ સિંહોએ બળદ અને વાછરડાનું મારણ કર્યું.

 Source: Bhaskar News, Rajula   |   Last Updated 12:56 AM [IST](15/12/2011)
- એક મહિનામાં ૩૦ પશુઓના મારણ
રાજુલા તાલુકામાં સાવજોની સંખ્યા વધતી જતી હોય સાવજો દ્વારા કરાતા મારણની સંખ્યા પણ વધતી જાય છે. આજે રાજુલા તાલુકાના કોટડી ગામે આજે સવારે છ સિંહના ટોળાએ એક બળદ અને એક વાછરડાનું મારણ કર્યું હતું. આ ઉપરાંત એક બળદને ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. આ વિસ્તારમાં એક મહિનામાં ૩૦ પશુઓના મારણ થયા છે.
સિંહના ટોળા દ્વારા મારણની આ ઘટના રાજુલા તાલુકાના કોટડી ગામે આજે સવારે બની હતી. સવારે આઠેક વાગ્યાના સુમારે અહિંના જીણાભાઇ અરજણભાઇ બારીયાની વાડીમાં છ સાવજો ધસી આવ્યા હતા અને એક બળદ તથા એક વાછરડા પર તુટી પડ્યા હતા. સાવજના આ ટોળાએ થોડી -ક્ષણોમાં જ બન્નેના રામ રમાડી દીધા હતા.
આ સમયે મારણ જોવા માટે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. લોકોનું ટોળુ એકઠુ થઇ જતા સાવજો અહિંથી રવાના થઇ ગયા હતા. જો કે જતા જતા સાવજોએ અહિં એક ત્રીજા બળદને પણ ગંભીર રીતે ઘાયલ કરી દીધો હતો. જ્યારે વનતંત્રનો સ્ટાફ અહિં દોડી આવ્યો ત્યારે બળદ અને વાછરડાના ફકત હાડકા જ વધ્યા હતા. રાજુલા પંથકમાં પાછલા એક મહિનામાં સાવજો દ્વારા માલધારી કે ખેડૂતના પશુના મારણની ત્રીસ ઘટના બની હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-six-lions-hunting-to-heifer-and-bullock-near-rajula-2639878.html

No comments: