Friday, September 13, 2013

દેવળીયા પાર્કમાં સિંહ દર્શન કરાવવા પાંચ નવી નક્કોર બસો મૂકાઇ.


દેવળીયા પાર્કમાં સિંહ દર્શન કરાવવા પાંચ નવી નક્કોર બસો મૂકાઇ
Bhaskar News, Talala | Sep 07, 2013, 00:06AM IST
- પાંચ બચ્ચાવાળી સિંહણ ‘લક્ષ્મી’ અને બાળસિહોને જોવા ટુરીસ્ટોમાં ભારે ઉત્કઠા : વન વિભાગ આગોતરા આયોજન કરવામાં ગોઠવાયુ


દેવળીયા સફારી પાર્કની મુલાકાતે  આવતા ટુરીસ્ટોની સંખ્યામાં સતત થઇ રહેલા વધારાને ધ્યાને લઇ વન વિભાગે સિંહ દર્શન કરાવવા ટુરીસ્ટો માટે પાંચ નવી નક્કોર બસો પાર્કમાં શરૂ કરી છે. ગીર અભ્યારણમાં ખૂલ્લામાં વહિરતા સિંહોને જોવાથી વધુ દેવળીયા પાર્કમાં તાજેતરમાં પાંચ બચ્ચાને જન્મ આપનાર સિંહણ લક્ષ્મી અને તેનાં સિંહ બાળને જોવાની પ્રવાસીઓમાં ભારે તાલાવેલી હોય વન વિભાગે આગોતરા આયોજનનાં ભાગરૂપે પાંચ નવી બસો મુકી કુલ દસ બસો દ્વારા સિંહ દર્શન કરાવવાનું આયોજન બનાવ્યું છે.

ગીરમાં સિંહ દર્શન માટે ચાર વર્ષ પહેલા વર્ષ દરમિયાન એક લાખ ત્રીસ હજાર ટુરીસ્ટો આવતા તેની સામે હાલનાં તબક્કે વર્ષમાં ૪ લાખ ૬૦ હજાર પ્રવાસીઓ ગીરમાં સિંહ દર્શન માટે આવે છે. ટુરીસ્ટોનાં વધી હેલા ટ્રાફિકને ધ્યાને લઇ વન વિભાગે સવલતો વધારવાનાં આયોજન કર્યા હોય આ અંગે દેવળીયા પાર્ક અને સેન્ચુરીનાં ડીએફઓ ડૉ.સંદીપકુમારે જણાવેલ કે, ગીરમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવવા લાગ્યા હોય દિવાળી, નાતાલ જેવા તહેવારોમાં એક દિવસ દરમિયાન ૧૦ હજાર લોકો સિંહ દર્શન માટે આવ્યા હોવાનું નોંધાયુ છે. ગીરમાં ચાલુ વર્ષ થયેલા સારા વરસાદ બાદ ગીર જંગલ ખુબસુરત બન્યુ હોય તેની સુંદરતામાં સિંહણે આપેલા પાંચ બચ્ચાનાં જન્મથી વધારો થયો છે.

લોકોમાં સિંહણ લક્ષ્મી અને પાંચ સિંહ બાળોને જોવાની ભારે ઉત્કંઠાહોય લોકોનો દેવળીયા પાર્કમાં સિંહ દર્શન માટે ઘસારો વધુ રહેશે માટે દેવળીયામાં પાંચ નવી નક્કોર બસો મુકવામાં આવી છે. દેવળીયા પાર્કમાં લક્ષ્મી સિવાય અન્ય સિંહણને ત્રણ બચ્ચા હોય નવા નર સિંહો પાર્કમાં પ્રવાસીઓને જોવા મળશે. દેવળીયા પાર્કમાં વન વિભાગે પવનચક્કી લગાવી હોય પવનચક્કી દ્વારા ભરાતા પાણીનાં કુંડાઓમાં સિંહો સહિતનાં વન્ય પ્રાણછઓને જોવાની પ્રવાસીઓને ભારે મજા પડશે. ગીર જંગલનાં દ્વાર ૧૬ ઓકટોમ્બરનાં પ્રવાસીઓ માટે ખુલવાને હજુ ઘણીવાર હોય પરંતુ વન વિભાગ પ્રવાસીઓનાં સતત વધી રહેલા ટ્રાફિકને ધ્યાને લઇ આગોતરા આયોજન કરી રહેલ છે.

No comments: