Friday, September 13, 2013

ગીર-સોમનાથ, ‘ગઢ’ આવ્યો પણ ‘સિંહ’ ગયા.


ગીર-સોમનાથ, ‘ગઢ’ આવ્યો પણ ‘સિંહ’ ગયા
Bhaskar News, Junagadh | Sep 10, 2013, 01:47AM IST
- ગીર-સોમનાથમાં નવો ગીરગઢડા તાલુકો પણ સાસણ ગીર જુનાગઢમાં, ગીરગઢડામાં આનંદોત્સવ, તાલાલા-વેરાવળમાં છવાયો ઉગ્ર રોષ

રાજ્ય સરકારે તાજેતરમાંજ નવરચિત ગિર-સોમનાથ જિલ્લાને પાંચ તાલુકાનાં સમાવેશ સાથે કાર્યરત કરતાં સાસણ(ગિર) તથા આસપાસનાં ત્રણ ગામોનાં મુદ્દે ગિર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓ વચ્ચે ખેંચતાણ હતી. અને રાજકીય રીતે પણ બંને જિલ્લાનાં આગેવાનોએ પોતપોતાની રીતે રજૂઆતો કરી હતી. જોકે, આજે રાજ્ય સરકારે ૨૩ તાલુકાઓ જાહેર કર્યા છે. તેમાં સાસણ, ભાલછેલ અને હરીપુરને મેંદરડામાં સમાવિષ્ટ કરતાં આખરે આ સસ્પેન્સનો અંત આવી ગયો છે. આ રીતે હવે સાસણ(ગિર) જૂનાગઢ જિલ્લાનો જ ભાગ રહેશે. જો કે, ગીર-સોમનાથમાં તો આજની આ ઘોષણા પછી કહી ખૂશી કહી ગમ જેવુ એટલે કે ગઢ આવ્યો પણ સિંહ ગયો જેવુ વાતાવરણ સર્જાયું છે.

- તાલાલા તાલુકાનાં ટૂકડાની સ્વાર્થ નીતિ સામે લોકરોષ
- સાસણ, ભાલછેલ અને હરિપૂર તાલુકામાંથી વિખૂટા પડ્યાં
- વહિવટી રીતે મેંદરડામાં સમાવિષ્ટ સામે આંદોલનનાં એંધાણ


લોકશાહીમાં જનમત અને લોકલાગણીને ગળે ટુંપો આપી ગરીબ ગ્રામ્ય પ્રજા સાથે ખુલ્લેઆમ અન્યાય સરકાર કરતી હોય તેમ આજે તાલાલા તાલુકાનાં અતી મહત્વનાં અને નવરચીત ગીર-સોમનાથ જિલ્લાનાં પ્રવેશદ્વાર સાથે ગીરનાં હૃદય ગણાતા સાસણ - ભાલછેલ - હરીપુર ત્રણ ગામને તાલાલા તાલુકામાંથી બાદ કરી મેંદરડા તાલુકામાં ભેળવી જૂનાગઢ જિલ્લામાં રાખી નવરચીત ગીર-સોમનાથનાં નામનો સંપુર્ણ છેદ ઉડાડી દેવા જેવું નોટીફિકેશન આજે સરકારે જાહેર કર્યાનાં સમાચાર મળતા ગીરનાં ત્રણેય મુખ્ય ગામો સાથે તાલાલા તાલુકામાં ઉગ્ર રોષ વ્યાપી ગયો હતો.

આજે સમી સાંજે સમાચાર ગીરમાં મળ્યા કે સાસણ - ભાલછેલ - હરીપુરને તાલાલામાંથી બાદ કરી મેંદરડા તાલુકામાં ભેળવી દેવાયા છે. આ સમાચારથી ત્રણેય ગામોમાં ભારે વિરોધ ઉઠી ગયો સાસણનાં સરપંચ લખમણભાઇ ધોકીયા ભાલછેલનાં સરપંચ ચંપાબેન વલ્લભભાઇ પરમાર હરીપુરનાં સરપંચ કિરણબેન જમનભાઇ હિરપરાએ એકી અવાજે અન્યાયકર્તા આ નિર્ણયનો વિરોધ કરી જણાવેલ  કે અમારા ગામોની પ્રજા અને અમારા સૌનો જનમત તાલાલા તાલુકામાં રહેવાનો હોય તાલાલા તાલુકો વહીવટી રીતે અમારા માટે સરળ હોય ૧૫ કીમીનું અંતરને બદલે ૩૫ કીમીનું તાલુકા મથક કરી સરકાર ગ્રામ્ય પ્રજા ઉપર જુલમ કરે તેવો નિર્ણય છે.

જેનો અમો સામુહિક ઉગ્ર વિરોધ ફાટી નિકળ્યો હતો. આવતીકાલે તાલાલા પંથકમાં આંદોલનાત્મક કાર્યક્રમો અંગે મીટિંગો મળશે તેવા અહેવાલો પ્રાપ્ત થયા છે. કુદરતે આપેલ ભૌગોલીક અને કુદરતી ગીરજંગલનાં મુખ્ય ગામો તાલાલા તાલુકાનાં હોય તાલુકાનું ખંડન કરી ગામોને અન્ય તાલુકામાં ભેળવવાની રાજકીય સ્વાર્થનીતી સામે ગીર પંથકનાં લોકોમાંથી ફિટકાર વરસી રહયો છે. ઉલ્લેખનીય એ છે કે, નવરચિત ગીર-સોમનાથ જિલ્લો કાર્યવન્ત થયા પછી તરત જ રાજકીય રીતે તાલાલા તાલુકાનાં વિભાજનની હિલચાલ સામે મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર પણ સ્થાનીક અમલદારોને સુપ્રત કરાયું હતું.

- જૂનાગઢ જિલ્લાનાં (૧૦ તાલુકા)

જૂનાગઢ શહેર, જૂનાગઢ ગ્રામ્ય, ભેંસાણ, વિસાવદર, મેંદરડા, કેશોદ, માળિયા હાટીના, માંગરોળ, માણાવદર, વંથલી
ગીર-સોમનાથનાં (૬ તાલુકા) વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, કોડીનાર, ઉના અને ગિરગઢડા

No comments: