Friday, September 13, 2013

અમરેલી: સિંહ સાથેની ખુંખાર લડાઇમાં દિપડાનુ મોત.

Dilip Raval, Amreli | Aug 24, 2013, 14:37PM IST
દલખાણીયા નજીકની ઘટના : અમરેલી જિલ્લામાં દોઢ માસમાં સાત દિપડાના મોત

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા દિપડાઓની માઠી દશા ચાલી છે. છેલ્લા દોઢેક માસમાં જુદીજુદી ઘટનામાં છ દિપડાના મોત થયા બાદ આજે ધારી તાલુકાના સેમરડી ગામની સીમમાંથી એક દિપડાનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. સિંહ સાથેની ફાઇટમાં આ દિપડાનુ મોત થયાનુ મનાઇ રહ્યું છે. વનવિભાગે ઘટના સ્થળે દોડી જઇ દિપડાનો મૃતદેહ કબજે લીધો હતો.

ધારી પંથકમાં વધુ એક દિપડાનુ મોત થયુ છે. આજે દલખાણીયા રેંજમાં સેમરડી બીટમાં એક દિપડાનો કોહવાઇ ગયેલો મૃતદેહ પડયો હોવાની ડીએફઓ અંશુમન શર્માને બાતમી મળી હતી. જેમની સુચનાને પગલે આરએફઓ એ.વી.ઠાકર સ્ટાફ તથા વેટરનરી ડોક્ટર હિતેષ વામજા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.
  
વનવિભાગને અહીથી દિપડાનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળ્યો હતો. આશરે ૧૧ થી ૧૨ વર્ષની ઉંમરના આ દિપડાના ગળાના ભાગે ઇજાના નિશાન મળ્યા હતા. વનવિભાગની તપાસમાં સિંહ સાથેની ફાઇટમાં દિપડાનુ મોત થયાનુ જણાયુ હતુ. સ્થળ પર મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જિલ્લામાં પાછલા દોઢ માસમાં જ કુલ સાત દિપડા મોતને ભેટયા છે.

ઘટના સ્થળે સિંહના સગડ મળ્યા

દિપડાનો મૃતદેહ તો કોહવાઇ ગયેલી હાલતમાં હતો. પરંતુ આ તદ્દન અવાવરૂ જગ્યાએ વનવિભાગને સિંહના પગના નિશાન પણ મળી આવ્યા હતા. વળી દિપડાના ગળા પર ઇજાના  નિશાન હોય સિંહ સાથેની ફાઇટમાં તેનુ મોત થયાનુ તારણ નીકળ્યુ હતુ.

No comments: