Saturday, December 31, 2016

વન રોજમદારોને કાયમી નહિ કરાય તો આંદોલન : યુનિયન

DivyaBhaskar News Network | Dec 26, 2016, 04:10 AM IST
26 દિવસ કામ કરાવી 19 દિવસનો પગાર અપાય છે

નોકરીનાંપ્રથમ વર્ષમાં 240 દિવસથી વધારે હાજરી હોય તેવા વન રોજમદારોને તા.17-10-1988નાં ઠરાવ મુજબ કાયમી કરવા અને વર્ગ4ને મળવા પાત્ર તમામ ભથ્થા આપવા એવો કોર્ટે ચુકાદો આપ્યા છતા છેલ્લા 10 થી 15 વર્ષથી કામ કરતા રોજમદારોને છુટા કરી દેવામાં આવ્યા છે. અને જે રોજમદારો કામ કરી રહ્યા છે તેને નિયમ મુજબ પગાર આપવામાં આવતો હોય રોષ પ્રવર્તી રહ્યો છે.

આજે જૂનાગઢ બહુમાળી ભવન, લેબર કોર્ટ ખાતે મળેલી ગુજરાત ફોરેસ્ટ પ્રોડ્યુસ ગેધરર્સ એન્ડ ફોરેસ્ટ વર્કસ યુનિયનની બેઠકમાં યુનિયન પ્રમુખને રોજમદારોએ એવી રજુઆત કરી હતી કે 26 થી 30 દિવસ સુધી તેઓ પાસે કામ કરાવવામાં આવે છે અને 299.20 પૈસા પગારને બદલે માત્ર 19 દિવસનાં 288.20 પૈસા રૂપિયા અપાાય છે એને જો રોજમદાર બાબતે અવાજ ઉઠાવે તો તેને મૌખિક છુટા કરી દેવાય છે અથવા એવી જગ્યાએ પોસ્ટ અપાય છે કે જે રોજમદારાને પોષાય તેમ નથી. સુપ્રિમકોર્ટનાં એસ.એલ.પીનં 13619/2012 અને 13620/2012નાં તા.09-07-2013નાં ચુકાદા મુજબ દરેક રોજમદારોને તા.15-09-2014નાં નવા ઠરાવ મુજબ વેતન અને સવલતો આપવામાં આવે એવી રજુઆત કરાઇ છે. વન રોજમદાર યુનિયનનાં પ્રમુખ પ્રવિણ આર.વ્યાસ અને મંત્રી શેનસિંહ જી.ડામોરે એવું જણાવ્યું હતું કે, આગામી જાન્યુઆરીમાં અમદાવાદમાં કારોબારીની બેઠક મળશે અને તેમા પ્રશ્નને ઉકેલ નહી આવે તો જલદ આંદોલન કરવામાં આવશે.

યુનિયન લીડર અને વન અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ હોવાનો રોજમદારોનો આક્ષેપ

જૂનાગઢબહુમાળી ભવન, લેબર કોર્ટ ખાતે મળેલી વનરોજમદારોની બેઠકમાં આવેલા ઘણા રોજમદારોએ એવો આક્ષેપ કર્યો હતો કે વન અધિકારીઓ અને અમારા યુનિયન લીડરો વચ્ચે સાંઠગાંઠ છે. દર વર્ષે સભ્ય ફી લેખે રૂપિયા ઉઘરાવી યુનિયન લીડરો ભાગ બટાઇ કરે છે અને વનઅધિકારીઓને બ્લેકમેઇલ કરીને તેની પાસેથી પણ રૂપિયા ખંખેરી રહ્યા છે. અને બેઠકમાં અમોને બધુ બરોબર થઇ જશે એવું ગાણું ગાઇ રહ્યા છે.

No comments: