Saturday, December 31, 2016

સાવજોને માફક આવી રહ્યો છે ગુજરાતનો આ દરિયાકાંઠો, જંગલ છોડી પહોંચ્યા સાગરકાંઠે

Jaidev Varu, Amreli | Dec 14, 2016, 19:35 PM IST
સાવજોને માફક આવી રહ્યો છે ગુજરાતનો આ દરિયાકાંઠો, જંગલ છોડી પહોંચ્યા સાગરકાંઠે,  amreli news in gujarati
અમરેલી,રાજુલાઃ કુદકેને ભુસકે વધી રહેલા સાવજોની એ મજબુરી છે કે ગમે તેવા સંજોગોમા પણ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડવાની ક્ષમતા એ તો ભગવાન જ જાણે પરંતુ હકિકત એ છે કે ગીરના અડાબીડ જંગલમા વસતા ડાલામથ્થાઓએ જંગલ છોડી અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા વાડી ખેતરો અને સતત ધમધમતા રસ્તાઓ વચ્ચે પણ નવુ ઘર શોધી લીધુ. 

હવે આ જ સાવજો દરિયાકાંઠાને પણ અપનાવી રહ્યાં છે. જેમ જેમ સાવજોની વસતી વધી રહી છે તેમ તેમ અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમા આ સાવજો નવા નવા પ્રદેશ સર કરી રહ્યાં છે. કોઇ તેમને રોકવાવાળુ નથી. અને રોકવાની જરૂર પણ નથી. કારણ કે સામાન્ય સંજોગોમા આ સાવજો માણસ માટે કોઇ ખતરો પણ નથી. બલકે જંગલી પશુઓથી પાકને બચાવવા મથતા ખેડૂતો માટે સાવજો ઉપયોગી છે

સવાલ એ છે કે સાવજો કઇ દિશામા આગળ વધતા રહેશે. જેવી રીતે ક્રાંકચ અને આસપાસના વિસ્તારમા આગળ વધી રહ્યાં છે તેવી જ રીતે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે પણ આ સાવજોએ પ્રકૃતિ સાથે તાલમેલ બેસાડી દીધો છે. દરિયાકાંઠાના ગામોમા વસવાટ કરી લીધો છે. થોડા સમય પહેલા તો એક સાવજે જાફરાબાદના દરિયામા પણ ઝંપલાવી દીધુ હતુ. સાવજો સમુદ્રના પાણીમા પણ થોડો સમય તરી શકે છે. રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાના ગામોમા સાવજોના જુદાજુદા ગૃપ છે અને વારંવાર લોકેશન બદલતા રહે છે.

વનવિભાગ પાસે અપુરતો સ્ટાફ 

ગીરકાંઠા ઉપરાંત રેવન્યુ વિસ્તાર અને છેક દરિયાકાંઠા વિસ્તારમા સાવજોના પરિભ્રમણ પર દેખરેખ રાખવા માટે પુરતો સ્ટાફ નથી. સાવજો વારંવાર લોકેશન બદલતા રહે છે. ઉદ્યોગોના કારણે વાહન વ્યવહાર વધુ છે. રોડ અને રેલ અકસ્માતમા સાવજો મરી રહ્યાં છે પરંતુ સ્ટાફના અભાવે વનતંત્ર દેખરેખ માટે લાચાર છે.

દરિયાકાંઠે કયાં છે સાવજોની વસતી 
પીપાવાવ ઉપરાંત નાગેશ્રી, લુણસાપુર, બાલાની વાવ, ભટ્ટવદર, વડ, ભેરાઇ, ઉચૈયા, વાવેરા, આગરીયા, ઇકોમ્પ્લેક્ષ વિસ્તાર, ફોરવે, બાબરકોટ, કાતર, કંથારીયા, બારપટોળી, ભંડારીયા રોડ વિગેરે વિસ્તારમા સાવજો પરિભ્રમણ કરે છે અને મારણ પણ કરતા રહે છે.

No comments: