Sunday, April 30, 2017

ધારી: 24 કલાકમાં બે સિંહબાળના મોત, વન વિભાગનો ઘટનાસ્થળે સ્ટાફ દોડ્યો

Bhaskar News, Dhari | Apr 28, 2017, 22:43 PM IST

ધારી: 24 કલાકમાં બે સિંહબાળના મોત, વન વિભાગનો ઘટનાસ્થળે સ્ટાફ દોડ્યો,  amreli news in gujarati
  • પ્રતિકાત્મક તસવીર
ધારી:ગીર પશ્ચિમ અને અમરેલીના રેવન્યુ વિસ્તારમાં સાવજો પર સતત ખતરો ઝળુંબી રહ્યો છે. ક્યારેક સાવજો કુવામાં ખાબકે છે તો ક્યારેક ટ્રેઇન કે વાહન હડફેટે મોતને ભેટે છે. તુલશીશ્યામ-ધારી રોડ પર વાહન હડફેટે એક સિંહબાળનું મોત થયુ છે. અન્ય ઘટનામાં મીતીયાળા રેન્જમાં ઇનફાઇટમાં સિંહબાળનું મોત થતા માત્ર 24 કલાકના ટુંકાગાળામાં બે સિંહબાળના મોતની ઘટના બની છે.

સિંહબાળનો મૃતદેહ રસ્તા પરથી મળી આવ્યો

લીલીયાના સાજણટીંબા પંથકમાંથી ગુમ થયેલા બે સિંહબાળની હજુ ગઇકાલે જ મહા મહેનતે ભાળ મળી ત્યાં હવે સાવરકુંડલા અને ધારી પંથકમાં બે સિંહબાળના મોતની ઘટના સામે આવી છે. ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં આશરે દોઢ વર્ષની ઉંમરના સિંહબાળનો મૃતદેહ રસ્તા પરથી મળી આવ્યો હતો. ધારી-તુલશીશ્યામ રોડ પર મધુવન હોટેલ પાસે સોસરીયા વિસ્તારમાં કોઇ અજાણ્યા વાહન ચાલકે આ સિંહબાળને હડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થયુ હતું. બનાવની જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. વેટરનરી ડો. હિતેષ વામજા અને ડો. બારડે આ સિંહબાળનું પોસ્ટમોર્ટમ કર્યુ હતું.

સિંહબાળનો મૃતદેહ મળતા વન વિભાગ ઘટનાસ્થળે દોડી

અન્ય એક સિંહબાળના મોતની ઘટના સાવરકુંડલા રેન્જમાં મીતીયાળા જંગલ વિસ્તારમાં બની હતી. વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ગઇકાલે મીતીયાળા જંગલ વિસ્તારમાં આ ઘટના બની હતી. જ્યાં એક બે વર્ષના સિંહબાળનું ઇનફાઇટમાં મોત થયુ હતું. અહિં કોઇ અકળ કારણે એક ડાલામથ્થા સાવજે બે વર્ષના આ સિંહબાળને મારી નાખ્યુ હતું. સિંહબાળનો મૃતદેહ પડયો હોવાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઇન્ચાર્જ એસીએફ બી.કે. પરમારની સુચનાથી વેટરનરી ડોક્ટરોએ દોડી જઇ સિંહબાળનું પીએમ કર્યુ હતું. માત્ર 24 કલાકના ટુંકાગાળામાં એક સાથે બે-બે સિંહબાળના મોતથી સિંહપ્રેમીઓમાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી.
સાવજ એક કિમી દુર મૃતદેહને ઢસડી ગયો

મીતીયાળા વિસ્તારમાં ઘટનાસ્થળેથી ઇનફાઇટના નિશાનો મળી આવ્યા હતાં. અહિં લોકોએ સાવજનો અવાજ પણ સાંભળ્યો હતો. સિંહબાળને મારી નાખ્યા બાદ સાવજ તેને એક કી.મી. દુર સુધી લઇ ગયો હતો અને બાદમાં મૃતદેહ છોડી દીધો હતો. 

ભૂતકાળમાં પણ સાવજો બન્યા છે અકસ્માતનો ભોગ

અમરેલી જીલ્લામાં અગાઉ પીપાવાવ ફોરલેન પર ભુતકાળમાં જુદી જુદી ત્રણ ઘટનામાં ત્રણ સાવજના વાહન હડફેટે મોત થયા હતાં. આવી જ રીતે નાગેશ્રી નજીક પણ હાઇવે પર વાહન હડફેટે સાવજના મોતની ઘટના બની ચુકી છે. હવે આવી વધુ એક ઘટના ધારી-તુલશીશ્યામ રોડ પર બની છે.

No comments: