Sunday, April 30, 2017

ગુમ થયેલા બે સિંહબાળ શાખપુર નજીક મળ્યા

DivyaBhaskar News Network | Apr 28, 2017, 03:40 AM IST
સાજણટીંબામાં સાવજો વચ્ચે ઇનફાઇટ થતા સિંહણે બચ્ચા સાથે સ્થળાંતર કર્યું હતું

લીલીયાતાલુકાના સાજણટીંબા ગામની સીમમાંથી થોડા દીવસ પહેલા બે સિંહબાળ ગુમ થયાનું બહાર આવતા વનતંત્ર પણ તેને શોધવા ઉંધા માથે કામે લાગ્યુ હતું ત્યારે સિંહણ તેના બે બચ્ચા સાથે દામનગરના શાખપુર નજીક જોવા મળી હોવાનું સ્થાનિક આરએફઓએ જણાવ્યુ હતું.

સાજણટીંબા અને અંટાળીયાની સીમમાં અઢી માસ પહેલા એક સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો હતો. જે પૈકી એક સિંહબાળનું અગાઉ મોત થઇ ચુક્યુ હતું. દરમિયાન થોડા દિવસથી સિંહણ તો જોવા મળતી હતી પરંતુ તેના બે બચ્ચા નઝરે પડતા હતાં. અંગેના અખબારી અહેવાલો બાદ વનતંત્રએ પણ જુદી જુદી ટુકડીઓ બનાવી બચ્ચાની શોધખોળ શરૂ કરી હતી.

દરમિયાન સ્થાનિક આરએફઓ વિઠ્ઠલાણીએ જણાવ્યુ હતું કે સિંહણ દામનગરના રાઉન્ડના શાખપુર ગામના ઝરખની કેડી વિસ્તાર નજીક પોતાના બે બચ્ચા સાથે જોવા મળી હતી. અહિં મારણ પર સિંહણ અને બચ્ચા નઝરે પડયા હતાં. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે ચાંદગઢ પંથકમાંથી બે નર આવી સાજણટીંબા વિસ્તારમાં ઇનફાઇટ કરતા હોય સિંહણ સુરક્ષા માટે બચ્ચા સાથે શાખપુર તરફ ચાલી ગઇ હતી.

No comments: