Sunday, April 30, 2017

ભેંસાણનાં ચણાકા ગામે નિંદ્રાધીન શ્રમિક મહિલા પર દીપડો ત્રાટક્યો

DivyaBhaskar News Network | Apr 25, 2017, 03:30 AM IST

ભેંસાણનાંચણાકા ગામની સીમમાં વાડીએ સુતેલા શ્રમિક પરિવારની એક નિંદ્રાધીન મહિલા પર દીપડાએ હુમલો કરી દઇ ઘાયલ કરી દેતા જૂનાગઢ હોસ્પિટલે સારવારમાં ખસેડાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભેંસાણ પંથકનાં ચણાકા ગામે રહેતા હંસરાજભાઇ ભુરાભાઇ માંડવીયાની સીમમાં આવેલી વાડીએ ખેતીકામ માટે 20 મજુરોનું ગૃપ આવેલું હોય ત્યાં ઝુંપડા બાંધી રહે છે. રવિવારનાં રાત્રીનાં સમયે મજુર પરિવારનાં સભ્યો ઝુંપડામાં સુતા હતા ત્યારે સોમવારનાં વહેલી સવારનાં 4 વાગ્યાની આસપાસ દીપડાએ આવી ચઢી કાળીબેન લક્ષ્મણભાઇ અને તેની બાજુમાં સુતેલા બાળક પર હુમલો કરી દીધો હતો. જો કે દીપડાનાં હુમલામાં બાળકનો બચાવ થયો હતો. જ્યારે દીપડાએ કાળીબેનને સકંજામાં લઇ નાક, માથા અને ખંભાનાં ભાગે ઇજા પહોંચાડી હતી. કાળીબેેને દીપડાનાં હુમલાથી બચવા બુમાબુમ કરી મુકતા મજુર પરિવારનાં અન્ય સભ્યો જાગી ગયેલ અને હોહા દેકારો કરી મુકતા દીપડો નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત કાળીબેનને જૂનાગઢ સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવનાં પગલે આરએફઓ મકવાણા અને વનવિભાગનો સ્ટાફ સ્થળ પર દોડી ગયેલ અને દીપડાનું લોકેશન મેળવી તેને પકડવા કવાયત હાથ ધરી છે. જંગલ વિસ્તારમાંથી રહેણાંક વિસ્તારમાં અવારનવાર જંગલી પશુઓ આવી ચઢવાનાં બનાવોમાં વધારો થયો છે ત્યારે વનવિભાગ દ્વારા બાબતે તકેદારી રાખવી જોઇએ.

ઈજાગ્રસ્ત મહિલાને જૂનાગઢ હોસ્પિટલે સારવારમાં ખસેડાઈ

No comments: