Thursday, May 31, 2018

પ્રખ્યાત વનરાજ બેલડી પૈકી 'ચેકારો'નું બીમારીથી મોત, 'નાગરાજ' અટુલો પડ્યો

DivyaBhaskar.com | Last Modified - May 30, 2018, 12:20 PM IST
મેંદરડા રેન્જ હેઠળ ચેકારો અને નાગરાજ નામના બંને નર સાવજની જોડીની હાંક વાગતી હતી
સર્કલમાં ચેકારો સિંહનું મોત થયું તેની ફાઇલ તસવીર
સર્કલમાં ચેકારો સિંહનું મોત થયું તેની ફાઇલ તસવીર
વિસાવદર: ગીરના જંગલમાં અમુક વનરાજોની બેલડીઓ ખ્યાતનામ છે. જેમાંની નાગરાજ અને ચેકારોની જોડી પણ પ્રખ્યાત હતી. પરંતુ ચેકારોનું બીમારીથી મોત થતા નાગરાજ હાલ એકલો પડી ગયો છે.
મેંદરડા રેન્જ હેઠળના ડેડકડી, કેરભા, જાંબુથાણા, દુધાળા, ગંધારીયા ધુના, આલાવાણી, કાસીયા સહિતના બોર્ડર વિસ્તારમાં ચેકારો ઉર્ફે બાડો અને નાગરાજ નામના બંને નર સાવજની જોડીની હાંક વાગતી હતી. પોતાનાં વિસ્તારમાં અન્ય સિંહોને ઘૂસવા દેતા ન હતાં. આ સાવજની જોડી ખંડીત થઇ ગઇ છે. ચેકારો અને નાગરાજ બંને ભાઇઓ હતા અને તેની ઉંમર 12 થી 15 વર્ષની હતી. પરંતુ ચેકારો પેટની બીમારીને કારણે અસ્વસ્થ હોય વન વિભાગ દ્વારા સાસણ હોસ્પિટલ ખાતે સારવાર માટે રખાયો હતો અને સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા બાદ આઠેક દિવસ અગાઉ તેને તેના વિસ્તારમાં મુક્ત કરાયો હતો. પરંતુ આ ગંભીર બીમારીથી સોમવારે નતાડીયા વીડી વિસ્તારમાં મોત નીપજ્યું હતું. સાસણમાં મૃતદેહનું પીએમ કરી અગ્નિદાહ દેવાયો હતો. ચેકારો અને નાગરાજની જોડી ભેંસોનાં ટોળામાં ખાબકી શિકાર કરવામાં પણ માહેર હોવાના કારણે માલધારીઓ પણ માલઢોરને દૂર રાખતા હતા. સામાન્ય સંજોગોના ભેંસોના ટોળાથી સિંહો દૂર ખસી જતા હોય છે. ત્યારે આ વનરાજની જોડી ભેંસો પર શિકાર કરી ટોળાને પણ વેરવિખેર કરી નાંખતા હતા.
આંખનાં ભાગે ઈજા બાદ નિશાન રહી જતા ચેકારો નામ પડ્યું
વર્ષ 2012માં સિંહને આંખ નીચે ઇજા પહોંચી હતી અને આ નિશાન રહી જતાં તેનું નામ ચેકારો પડયું હતું. તેનો મૃતદેહ 24 કલાક કરતા વધુ સમય બાદ મળી આવતાં હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પીએમ બાદ તેનાં વિશેરાને એફએસએલમાં મોકલવામાં આવ્યાં છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-LCL-lion-duo-out-of-one-lion-death-so-other-lion-alone-at-visavadar-gujarati-news-5883608-NOR.html

No comments: