Tuesday, July 31, 2018

લુવારિયા ગામમાં સિંહે કરેલા પશુઓનાં મારણનું ખેડૂતોને કોઇ વળતર નથી ચુકવાયું

Divyabhaskar.com | Updated - Jul 31, 2018, 02:00 AM

નિલગાય તથા ભુંડથી મુક્તિ મેળવવા હદ નિશાન નક્કી થાય અને તાકીદે વાયર ફેન્સીંગ કરવા રજુઆત

છેલ્લાં થોડા સમયમાં લાઠી અને લીલીયા તાલુકાના ગામોમાં સિંહ દ્વારા ઘેટા-બકરા તથા નાના વાછરડાઓનું મારણ કરી નાખવામાં આવ્યું છે.લુવારિયામાં તેનું કોઇ વળતર ખેડૂતોને કે માલધારીઓને ચુકવવામાં આવ્યું નથી. તેથી લાઠી તાલુકાના લુવારીયા ગામના સમસ્ત ગ્રામજનો વતી ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે કલેક્ટરને સિંહ તેમજ અન્ય પશુઓથી રક્ષણ મેળવવા હદ નિશાન નક્કી થાય અને તાકીદે વાયરફેન્સીંગ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

અમરેલી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લાના તમામ તાલુકાઓના પ્રશ્નો રજુ કરવામાં આવે છે. ત્યારે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે લુવારીયા સમસ્ત ગ્રામજનો તરફથી પત્ર રજુ કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે લાઠી અને લીલીયા તાલુકાના લુવારીયા, કૃષ્ણગઢ, મતીરાળા, લીલીયા તાલુકાના જાત્રુડા, સાજણટીંબા, અંટાળીયામાં સાવજો દ્વારા પશુઓના મારણની ઘટનાઓ સતત બની રહી છે. આ અંગે ગ્રામજનો તરફથી રજૂઆત પણ આવી છે.

વધુમાં જણાવાયું હતું કે જંગલની હદ નક્કી ન હોવાના કારણે લુવારીયા ગામના પશુપાલકોને વળતર મળતુ નથી. આ વિસ્તારમાં આશરે 25થી 30 ગાયો, અને 50થી વધુ ઘેટર-બકરા તેમજ નાના વાછરડાનો સિંહ તરફથી મારણ થયુ છે. હજુ સુધી તેનું કોઇ વળતર ચુકવવામાં આવ્યું નથી. જે પશુપાલકો માટે વજ્રઘાત સમાન છે. પશુપાલકો મહામહેનતે પોતાની રોજી રોટી મેળવે છે. આ ઉપરાંત ખેડૂતોને નિલગાય તથા ભુંડનો પણ ત્રાસ છે. અને પશુપાલકોને આ ત્રાસ વધ્યો છે. તેમાંથી મુક્તિ મેળવવા હદ નિશાન નક્કી થાય અને તાકીદે વાયર ફેન્સીંગ કરવામાં આવે તેવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020038-2334391-NOR.html

No comments: