Thursday, November 8, 2007

ભુકંપથી અસરગ્રસ્ત હિરણવેલ સહિતના ગામોમાં સર્વે શરૂ : ૧૬પ ટેન્ટ લગાવાયા

જૂનાગઢ,તા.૭
ભુકંપના બબ્બે આંચકાઓએ ગઈકાલે જૂનાગઢ જીલ્લાના ગીર પંથકને ધણધણાવી નાખ્યા બાદ ધીમે ધીમે લોકોના મનમાંથી ડર ઓછો થવાની સાથે વહિવટીતંત્રએ સર્વેની કામગીરી આરંભી દીધી છે અને સૌથી વધુ અસરગ્રસ્ત હિરણવેલ ગામ માટે ૧૬પ તંબુઓ વહીવટી તંત્રએ મંગાવ્યા છે તથા હરિપુર અને ચિત્રાવડમાં પણ પ - પ વિશાળ તંબુઓ ઉભા કરાયા છે. ભુકંપના આંચકાને ભુલી જૂનાગઢના શહેરીજનો પણ દિવાળીની ઉજવણીમાં જોડાઈ રહ્યા છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યુ છે.

ગઈકાલે વહેલી સવારે અને બપોરે મળી ધરતીકંપના બબ્બે આંચકાઓએ સોરઠ પંથકને હચમચાવી નાખ્યા બાદ આજે સૌથી વધુ અસરગ્રસ્ત એવા ગીર પંથકના હિરણવેલ, હરીપુર, સાંગોદ્રા, ચિત્રાવડ, ભાલછેલ સહીતના ગામડાઓમાં વહીવટીતંત્રએ સર્વેની કામગીરી શરૂ કરાવી દીધી છે. આજે કલેકટર અશ્વિનીકુમાર અને ડી.ડી.ઓ. જયપ્રકાશ શિવહરેએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ગીર પંથકના હિરણવેલ નજીક જ ભુકંપનુ કેન્દ્ર બીંદુ હોવાથી આ ગામમાં સૌથી વધુ નુકશાની થઈ છે.

જીલ્લા કલેકટર અશ્વિનીકુમારે આ વિશે સંદેશ સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ઘરવિહોણા બનેલા હિરણવેલ ગા
ના ગ્રામજનો માટે તાત્કાલીક ૧૬પ તંબુઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજરાત સુધીમાં તમામ તંબુઓ લગાવી દેવાશે જેમાં ગ્રામજનોને થોડા સમય માટે આશરો લઈ શકશે. ઉપરાંત હરિપુર અને ચિત્રાવડમાં વિશાળ મંડળ જેવા પાંચ પાંચ તંબુઓ લગાડવામાં આવ્યા છે.

જેથી ઘરમાં ન રહી શકે તેમ હોય તેવા ગ્રામજનો આ તંબુઓમાં આશરો લઈ શકે. સૌથી વધુ નુકશાની કાચા મકાનોમાં જ થઈ છે. પાકા મકાનોમાં માત્ર તીરડો જ પડી છે.

સર્વેની કામગીરી શરૂ થઈ જવાની સાથે ગીર પંથકના વધુ અસરગ્રસ્ત વિસ્તારો માટે ૮ એમ્બ્યુલન્સ અને આરોગ્ય ટીમો કાર્યરત થઈ ગઈ છે. જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જેસલપુરા અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પાંડે સહીત કુલ ૧૮ જેટલા તબીબો મેડીકલ સ્ટાફ સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં કેમ્પ શરૂ કર્યા છે.

બીજી તરફ જૂનાગઢ શહેરમાં પણ જનજીવન ભુકંપને ભુલી ધીમે ધીમે રાબેતા મુજબ થઈ રહ્યુ છે

ગઈકાલે શહેરીજનોમાં ફેલાયેલો ભય દુર થયો હોય તેમ પ્રજાજનો ધીમે ધીમે દિવાળીની ઉજવણીની તૈયારીમાં લાગી ગયા છે. બજારોમાં ઠેર ઠેર શહેરીજનોની આજે સારી એવી ભીડ જોવા મળી હતી.

Source:http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=33981&Keywords=earthquake%20Sorath%20gujarati%20news

No comments: