Monday, November 5, 2007

ધારીના સિંહોના મોત પ્રકરણમાં જંગલખાતુ જ જવાબદાર! જવાબદારો સામે કાનુની કાર્યવાહી થવી જઇએ

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

ધારી, તા.ર૧
છેલ્લા ઘણા સમયથી ગીરના જંગલના રક્ષિત પ્રાણીઓની લગલગાટ હત્યાઓ થઈ રહી છે અને જંગલખાતુ ઘોરી રહ્યું છે. સરકારી તંત્ર માત્ર હાકલા પડકારા કરીને કાયદાનો ભય બતાવી રહ્યા છે તે જોતા આખી સીસ્ટમ જ કયાંક ખામી ભરેલી હોય તેવું લાગી રહ્યંુ છે. છેલ્લા આઠ મહિનામાં સાંઈઠ કરતા વધારે સિંહોના અકુદરીતે મોત નિપજયા છે તો ગીરની અન્ય વનસંપતિનો કેટલો નાશ પામ્યો હશે! તેવો પ્રશ્ન બુધ્ધિજીવીઓમાં પૂછાય રહ્યો છે.

બે દિવસ પહેલા ધારી વિસ્તારમાં એક કીસાને પોતાના કૃષિપાકને બચાવવા માટે પોતાના ખેતરની ફરતે બાંધલા વીજતારને અટકીને એકસાથે પાંચ સિંહોના અકુદરતી મોત થયા હોવાનો સનસનીખેજ બનાવ બનવા પામતા દેશભરમાં તેના ગંભીર પ્રત્યાઘાતો પડયા છે. આ બનાવના પગલે ગીરનું જંગલખાતુ હાંફળુફાફળુ થઈ ગયું છે. ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે. એટલું જ નહીં પણ ધારી રેન્જમાં ભૂતકાળમાં નખ માટે અડધો ડઝન સિંહોને મારીને તેના અસ્થિઓને દાટી દીધા હોવાના ચકચારી બનાવો પણ જાહેર થયા છે. હમાલ હસનના નામે ચડેલા આ બનાવ ઉપરથી પણ જંગલખાતું કોઈ બોધપાઠ લઈ શકયું નથી. જંગલખાતું વ્યવસ્થિત સુસજજ હોવા છતાં જંગલમાં શિકાર થતા જ રહે છે, જંગલમાં કટીંગ થતું જ રહે છે. જંગલની અંદર થતા આવા બનાવોમાં કોઈ તપાસ કરવામાં આવતી નથી અને આંખમિચામણા કરવામાં આવી રહ્યા છે ત્યારે જંગલ બહારના રેવન્યુ વિસ્તારમાં આવેલા ગામડાઓ અને ખેતીવાડીવાળાઓને એકબાજુ જંગલખાતુ કોઈને કોઈ બહાને હેરાન પરેશાન કરે છે તો બીજી બાજુ જંગલી પ્રાણીઓના ત્રાસને કારણે લોકો રક્ષણ મેળવવા માટે સરકારી તંત્રમાં બહેરાંકાને અરજ અહેવાલ કરે છે અને અંતે થાકીને કોઠાસુઝ પ્રમાણે ફેન્સીંગ, કાંટાળી વાડ, રાત આખી ચોકીદારી, જીવંત ઈલેકટ્રીક તારની વાડ વગેરે જેવા પ્રયોગો કરે છે. ગીરના સિંહો અને અન્ય પ્રાણીઓની જાળવણી અને રક્ષા કરવાનું કામ જંગલ ખાતાનું છે પણ આ કામ કરવામાં આવતું નથી અને દોષનો ટોપલો લોકો ઉપર ઢોળવામાં આવે છે.

હકીકતમાં જંગલખાતાનો વહીવટ બોદો ચાલી રહ્યો છે. વન્ય પ્રાણી વર્તુળ જુનાગઢના જંગલખાતાના વડા છ જીલ્લાના ઉચ્ચ અધિકારી થાય છે. હાલ આ અધિકારી એટલો લાગવગીયો છે કે છેલ્લા આઠ વર્ષથી તે એક જ જીલ્લામાં નોકરી કરી રહ્યો છે. ગીરના જંગલમાં જયારે જયારે આવી ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આ અધિકારી નીચેના અધિકારી-કર્મચારીઓ ઉપર જવાબદારી ઢોળીને એકાદ બેની બદલી કરી નાખીને આખા પ્રકરણને રફેદફે કરી નાખે છે. તેની નીચેના પ૦૦ જેટલા કર્મચારીઓની અત્યાર સુધીમાં તેમણે બદલી કરી છે. પણ તેની બદલી કોઈ કરી શકતું નથી. એક અભિપ્રાય પ્રમાણે જંગલખાતુ કાયદાની ભાષા જ સમજે છે પણ માનવીય અભિગમને સાવ કોરાણે મુકીને ચાલે છે. જેને કારણે આવી ઘટનાઓ બની છે અને બનતી રહેશે તેવું બૌધિકોનું માનવું છે. ગીરના જંગલની આજુબાજુ વસતા લોકો અને તેના ઢોરઢાંખર, ખેતી વગેરેને સુરક્ષિત કરવાની જવાબદારી પણ સરકારની છે.
આ જવાબદારી અદા કરવામાં નિષ્ફળ જનાર જંગલખાતાના જવાબદાર અધિકારીઓને પણ કાયદાના સાંણસામાં લેવા જોઈએ.

Source: http://www.sandesh.com/article.aspx?NewsID=30119&Keywords=Saurastra%20gujarati%20news

No comments: