Thursday, November 8, 2007

જંગલખાતાની કચેરી સામે કાલે કિસાનોના ધરણા

જૂનાગઢ,તા.૭:
ગીર જંગલની બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વસતા કિસાનોના જંગલખાતાને લગતા પ્રશ્નો બાબતે વિસાવદર તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા આગામી તા.૯ ના રોજ દિવાળીના દિવસે જ વિસાવદરની જંગલખાતાની ઓફીસ સામે ધરણા યોજાશે. જેમાં ખેડુતોના ઉભા પાકને જંગલી પશુઓ દ્વારા થતી નુકશાનીનું યોગ્ય અને પુરતુ વળતર આપવાની સાથે આ દિશામાં યોગ્ય પગલા લેવા સહિતની માંગણીઓ માટે ધરણાનો આ કાર્યક્રમ યોજાશે.

જંગલખાતાને લગતા પ્રશ્નો અને ધરણાના કાર્યક્રમ વિશે ભારતીય કિસાન સંઘના વિસાવદર તાલુકાના પ્રમુખ ગોગનભાઈ પાનસુરીયા અને મંત્રી ચંદુભાઈ ઠેબરીયાએ વિસાવદરના આર.એફ.ઓ.ને પાઠવેલા એક પત્રમાં જણાવ્યુ છે કે દિવાળીના દિવસે જ તા.૯ ના રોજ સવારે ૧૦ વાગ્યે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડુતોના વિવિધ પ્રશ્નો બાબતે કિસાનો જંગલખાતાની ઓફિસા સામે જ ધરણા કરશે.

ખેડુતોના ઉભા પાકને ભયંકર નુકશાન કરતા જંગલી પ્રાણીઓથી ખેડુતોને રક્ષણ આપવા વનખાતુ યોગ્ય પગલા ભરે તેવી માંગણી સાથે પત્રમાં જણાવાયુ છે કે જો આવા પશુઓથી ખેડુતો બચવાનો પ્રયાસ કરે અને તેમાં જંગલી પશુઓને નુકશાનાય તો ખેડુતો નાહકના દંડાય છે. માટે આ બાબતે વનખાતુ સત્વરે યોગ્ય પગલા ભરે. તેમજ ખેડુતોના કોઈ પશુઓ વન્ય પ્રાણીના શિકારનો ભોગ બને ત્યારે ખેડુતોને પશુની બજાર કિંમત કરતા ૧૦ ગણુ ઓછુ વળતર ચુકવાય છે. જે પુરેપુરૂ મળવુ જોઈએ.ઉપરાંત જંગલમાંથી નિકળતા જાહેર રસ્તાઓ વનખાતાએ બંધ કરી દીધા છે. તો આવા રસ્તાઓમાં તારની ફેન્સીંગ કરી સત્વરે રસ્તાઓ ખુલ્લા કરવાની માંગણી સાથે ઈકો ડેવલપમેન્ટ હેઠળ અને અન્ય ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરતા તેની તપાસ કરવાની અને અન્ય ભ્રષ્ટાચાર તથા ગેરરીતીઓની તપાસ કરવાની માંગણી પણ પત્રમાં કરવામાં

આવી છે.તેમજ જંગલમાં ઝાડ કાપવામાં અંદરો અંદરની જ સંડોવણી હોવાના વધુ એક આક્ષેપ સાથે તેની કડક અને નિષ્પક્ષ તપાસ અને જંગલના ખેતરના રસ્તાઓ રિપેર કરવા, વિજ જોડાણ માટે થાંભલાઓ નાખવાની, નાના ચેકડેમો બનાવવાની માંગણી પણ અંતમાં કરવામાં આવી છે. આ તમામ માંગણીઓને અનુલક્ષીને તા.૯ ના રોજ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવશે. જેમાં કિસાનોને ભાગ લેવા માટે પણ કિસાન સંઘ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Souce: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=33983&Keywords=Sorath%20gujarati%20news

No comments: