Friday, November 16, 2007

હિરણવેલમાં હિબકા શમતા નથી: વધુ ૩ આંચકા

Bhaskar News, Talala
Wednesday, November 14, 2007 22:59 [IST]

હજુ આંચકા આવે છે છતાં તંત્ર કોઈ સલામત વ્યવસ્થા નથી કરતું

ભૂકંપના આંચકાઓએ જાણે હિરણવેલ ગામને બાનમાં લીધું હોય તેમ હજુ આંચકાઓ આવ્યે જ રાખે છે તેમાંય સૌથી વધુ કરૂણતા એ છે કે, હિરણવેલ ગામ પડીને પાધર બની ગયું હોવા છતાં અને આંચકાઓનો સિલસિલો શરૂ હોવા છતાં સરકારી અધિકારીઓ સહાય કે સધિયારો આપવા ફરકતાં શુઘ્ધા નથી.

અરે, ચૂંટણી સમયે મતદારોના કાલાવાલા કરવા આવતા રાજકીય અગ્રણીઓ પણ માનવતા ચૂકી ગયા હોય તેમ હિરણવેલ ગામમાં આવ્યા જ નથી. આજે બપોરે એક વાગ્યે, બપોરે ૨.૧૦ વાગ્યે અને સાંજે ૭-૪૦ વાગ્યે આવેલા જોરદાર આંચકાથી વધુ એક વખત હિરણવેલ ગામના લોકોમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું.

ગામને ગઈકાલે રાતથી આજ બપોર સુધીમાં વધુ ૨૦ જેટલા આંચકા હિરણવેલ ગામમાં આવ્યા હોવાનું ગ્રામજનોએ નોંઘ્યું છે. રાત્રિના સમયે આવતા આંચકાની તીવ્રતા વધુ હોય છે અને દિવસે હળવા આંચકા આવતા હોવાનું ગામના સરપંચ ભગવાનજીભાઈએ જણાવ્યું હતું. આજે બપોરે ૧ વાગ્યે ભારે તીવ્રતા સાથે આવેલા આંચકાએ ગભરાટ પ્રસરાવી દીધેલ અને તે ગભરાટ માંડ શાંત થાય ત્યાં બપોરે ૨-૧૦ કલાકે અને સાંજે ૭-૪૦ વાગ્યે ત્રણેય સેકન્ડ સુધી આંચકો અનુભવાયો હતો. ગ્રામજનો ભયભીત બની ગયા હોવાનું ગામના અગ્રણી પરસોતમભાઈએ જણાવ્યું હતું.

ગ્રામજનોએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત લાભાર્થીઓના સહાય માટેના ફોર્મ ભરાઈ ગયા છે. હવે ગામના પડી ગયેલા મકાનોનું વિડિયો શુટિંગ અને ફોટોગ્રાફીની કામગીરી પૂરી થાય એટલે જરૂરી કાર્યવાહી કરી હિરણવેલ ગામને નવેસરથી ઉભુ કરવા સહાય પેકેજ અપાવવા અમો સરકારમાં રજૂઆત કરશું તેવી ડીડીઓ વાતો કરી ગયા હતા.

હાલ ગરીબ મજુરો બેકાર કામ વગર આઠ દિવસથી ઘરે બેઠાં છે તેમને ભૂકંપમાં નુકસાન થતા હાલત દિન-પ્રતિદિન કફોડી થતી જાય છે માટે કેશડોલ્સની રકમની તાકીદે ચૂકવણી કરવા ગ્રામજનોએ માગ કરી હતી પરંતુ અધિકારીએ તે તો સરકારમાંથી મંજૂર થાય પછી સહાય આપી શકાશે તેમ જણાવી સરકારી કાફલો કોઈ જાતની સહાયની જાહેરાત કે મદદ કર્યા વગર પરત ફરી ગયો હતો. રાજકીય અગ્રણીઓ પણ ગામની મુલાકાતે આવ્યા હતા.

તેમણે પણ રાબેતા મુજબ ‘‘અમે અમારા માટે પ્રયત્ન કરીએ છીએ અને સરકારમાં રજૂઆત કરી ગામ નવેસરથી ઉભુ કરવા રજૂઆત કરીશું તેમ કહેલ ત્યારે ગ્રામજનોએ પૂછેલું કે અત્યારે આવી કપરી પરિસ્થિતિમાં અમે ગ્રામજનો પીસાઈ રહ્યા છીએ તો હમણાં ચૂંટણી છે એટલે કાંઈ થઈ શકે તેમ નથી.

‘શાંતિ રાખો’ બધુ થઈ જશે તેમ આશ્વાસન આપી રાબેતા મુજબની નેતાગીરી દાખવી ધારાસભ્યનો કાફલો જતો રહેલો. હિરણવેલવાસીઓને હજુ પણ ભૂકંપના ભય હેઠળ જીવવું પડે છે ત્યારે તંત્ર દ્વારા સલામતિના કોઈપણ પગલા ન લેવાતા લોકોમાં ધેરો રોષ જૉવા મળે છે.

એ.પી. સેન્ટર કયાં છે તે માહિતી ગુપ્ત રખાઈ છે

તાલાલા સહિત ગ્રામ્ય પંથકમાં ભૂકંપનો આવવાના શરૂ થયા તે કયાં કારણોસર આંચકા આવે છે ? તેનું કેન્દ્ર બિંદુ કયાં છે ? તેની તીવ્રતા કેટલી છે ? તે વિશે કોઈ માહિતી વહીવટીતંત્ર તરફથી ભેદી કારણોસર જાહેર કરવામાં આવતી નથી.

દીપડાથી બચવા ફોકસ લાઈટો લગાવાઈ

હિરણવેલના ગ્રામજનો જે ઉંચાણવાળા ટેકરા ઉપર ટેન્ટમાં રહે છે ત્યાં બે દિવસથી રાત્રે દીપડા સહિતના વન્ય પ્રાણીઓ જોવા મળતા ટેન્ટ ઉપર વધુ ફોકસ લાઈટ લગાવવાની કામગીરી જીઈબીના કર્મચારીઓ સાથે ગ્રામજનોએ કરેલ જીઈબી તરફથી ૧૫ જેટલી ફોકસલાઈટ હિરણવેલ ગામમાં આપવામાં આવેલ છે.

Source: http://www.divyabhaskar.co.in/2007/11/14/0711142350_hiranvel_village.html

No comments: