Saturday, January 31, 2015

ગિરનાર પર્વત પર હિમ જેવી ઠંડી, 1.5 ડિગ્રી તાપમાનથી લોકો ઠીંગરાયા.

DivyaBhaskar News Network | Jan 28, 2015, 05:45AM IST
 
જૂનાગઢશહેરમાં ઉત્તર પૂર્વથી આવતા કાતિલ પવનોની અસર વર્તાઇ રહી છે. મંગળવાર સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. શહેરમાં રેકોર્ડ બ્રેક 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગિરનાર પર્વત પર હાંજા ગગડાવતી ઠંડી પડતાં બહારથી ગિરનાર પર્વત ચઢવા આવતા પ્રવાસીઓ ઠંડીથી ઠૂંઠવાઇ ગયા હતા.

જૂનાગઢ શહેર કરતાં ગિરનાર પર્વત પરનું તાપમાન 5 ડિગ્રી ઓછું હોય છે. જોતાં આજે ગિરનાર પર 1.5 ડિગ્રી તાપમાન હોવાનો અંદાજ છે. કૃષિ યુનિ.નાં હવામાન શાસ્ત્રી એમ. સી. ચોપરાનાં જણાવ્યા મુજબ, ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાનાં કારણે તથા હિમાલય તરફથી આવતા ઉત્તર પૂર્વીય ઠંડા પવનોને લીધે શહેરમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. આજનો દિવસ સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો. સીઝનની સૌથી ઓછી 6.4 ડિગ્રી ઠંડી નોંધાઇ છે. આજે જૂનાગઢવાસીઓ આખો દિવસ ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. વ્હેલી સવારે કાતિલ પવન સાથે ઠંડી પડતા રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. સ્કુલ-કોલેજમાં જતા વિદ્યાર્થીઓ પણ ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. કાતિલ ઠંડીને લીધે શહેરીજનો રીતસરનાં ધ્રુજી ઉઠ્યા હતા. રાત્રિનાં સમયે ઓટલે બેસવાનાં શોખીનો તાપણું સળગાવી તેની આસપાસ હાથ શેકતા વાતોનાં તડાકા મારતા પણ જોવા મળે છે. ઠંડીને લીધે બજારોમાં વ્હેલો સોપો પડી જાય છે.

ગિરનાર પર્વતે જાણે ઠંડીનું આવરણ ધારણ કર્યુ હોય તેવું તસ્વીરમાં નજરે ચઢે છે. / તસ્વીર: મિલાપ અગ્રાવત

જૈન મંદિરે તાપણું કરવું પડે છે

ગિરનાર પર્વત પર કાશ્મીર જેવી અનુભૂતિ

^ અમે વ્હેલી સવારથી ગિરનાર પર્વત ચઢવાનું શરૂ કર્યું હતું. ત્યાં ખુબજ પવન છે. અને ઠંડી પણ સખ્ત છે. ગિરનાર પર પહોંચ્યા ત્યારે જાણેકે કાશ્મીર પહોંચી ગયા હોય એવો અનુભવ થયો. પર્વત ચઢવામાં ઠંડીને લીધે મુશ્કેલી પડી હતી. પર્વત પરથી નીચે આવતી વખતે બીજા પાસે ગરમ ટોપી માંગવી પડી હતી. > સરોજબેન,ઇન્દોર

^ ગિરનાર પર્વત પર હાલ કાતિલ ઠંડી પડી રહી છે. જેને લીધે જૈન મંદિરે તાપણું કરવું પડે છે. કાતિલ ઠંડીને લીધે છેલ્લા થોડા દિવસથી પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. > દિનેશપરમાર, (ડોળીવાળા)

No comments: