Bhaskar News, Dhari | Jan 25, 2015, 00:04AM IST

(તસવીર પ્રતિકાત્મક)
-દિપડાનું મોત બે દિવસ પહેલા થયાનું તારણ, ફાંસલો કોણે મુક્યો તપાસ
ધારી: ગીરપુર્વની જસાધાર રેંજમા ઉના તાલુકાના વાવડા ગામની સીમમાંથી ગળામાં ફાંસલા સાથે દિપડાનો મૃતદેહ મળી આવતા વનતંત્ર ચોંકી ઉઠયું હતુ અને ગળામાં ફાંસલાના કારણે જ દિપડાનુ મોત થયાનુ પીએમ દરમિયાન ખુલ્યુ હતુ. દિપડાનુ મોત બેએક દિવસ પહેલા થયાનુ પણ ખુલ્યુ હતુ.
વાડી ખેતરોમાં પાકના રખોપા માટે કેટલાક ખેડૂતો ઘોર બેદરકારી દાખવી પશુઓ માટે ફાંસલા ગોઠવી રહ્યાં છે જે વન્યપ્રાણીઓ માટે ઘાતક સાબિત થઇ રહ્યાં છે. આવી જ એક ઘટના જસાધાર રેંજના ઉના તાલુકાના વાવડા ગામે બનવા પામી છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર વનતંત્રને વાવડા ગામની સીમમાં વિક્રમભાઇ કોલાતરા નામના ખેડુતની વાડીમાં એક દિપડાનો મૃતદેહ પડયો હોવાની બાતમી મળી હતી.
જેને પગલે આરએફઓ બી.ટી.આહિર સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને દિપડાના મૃતદેહને કબજે લીધો હતો. વેટરનરી ડો. હિતેષ વામજા દ્વારા દિપડાના મૃતદેહનુ પીએમ કરાયુ હતુ. દિપડાના ગળામાંથી કલચ વાયરનો ફાંસલો મળી આવ્યો હતો. આરએફઓ બી.ટી.આહિરે જણાવ્યું હતુ કે આશરે અઢીથી ત્રણ વર્ષની ઉંમરના આ દિપડાનુ બેએક દિવસ પહેલા ફાંસલાના કારણે મોત થયાનુ પ્રાથમિક તારણ છે. આ ફાંસલો કોણે મુકયો હોઇ શકે તે અંગે તપાસ ચાલુ છે.
No comments:
Post a Comment