Saturday, January 31, 2015

ધારીમાં અડધા ઇંચ વરસાદથી કેરીના પાકનો સોથ વળ્યો : ઠંડીથી યુવાનનું મોત.


ધારીમાં અડધા ઇંચ વરસાદથી કેરીના પાકનો સોથ વળ્યો : ઠંડીથી યુવાનનું મોત

Dilip Raval, Amreli | Jan 21, 2015, 23:06PM IST
- જિલ્લામાં ભરશીયાળે અષાઢી માહોલ કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન: ખેડૂતો ચિંતિત

અમરેલી: ભર શીયાળે અચાનક જ આજે અમરેલી પંથકમાં જાણે ચોમાસુ ચાલી રહ્યુ હોય તેવો વરસાદી માહોલ છવાઇ ગયો હતો. ગઇકાલ સુધી ખુલ્લુ આકાશ હતું પરંતુ આજે જીલ્લાભરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર કમોસમી વરસાદ થયો હતો. ધારી પંથકમાં બપોરે જોરદાર ઝાપટુ પડી જતા અડધો ઇંચ જેટલુ પાણી પડયુ હતું. અમરેલી, બગસરા, બાબરા, દામનગર, સાવરકુંડલા વિગેરે વિસ્તારમાં કમોસમી વરસાદ થયો હતો. કમોસમી વરસાદને પગલે અમરેલી જીલ્લામાં જીરૂ, ઘઉં સહિતના રવિપાક ઉપરાંત આંબા પર મોર બેસી ગયો હોય કેરીના પાકને પણ નુકશાનની ભીતી ઉભી થઇ છે.

ચાલુ સાલે ચોમાસુ વિત્યા બાદ અમરેલી પંથકમાં અવાર નવાર કમોસમી વરસાદ થયો છે. ત્યારે આજે ફરી એકવાર અણધાર્યો બદલાવ આવ્યા બાદ જીલ્લામાં ઠેર ઠેર કમોસમી વરસાદ થયો હતો. અમરેલીમાં ગઇકાલ સાંજ સુધી વાતાવરણ ચોખ્ખુ હતું. પરંતુ આજે આખો દિવસ જાણે ચોમાસુ ચાલતુ હોય તેમ આકાશ વરસાદી વાદળોથી ગોરંભાયેલુ હતું. સવારમાં હળવા ઝાપટાએ શહેરના માર્ગો ભીના કરી દીધા હતાં. ત્યારબાદ દિવસ દરમીયાન અવાર નવાર ઝરમર વરસાદ વરસ્યો હતો. જેને પગલે વાતાવરણમાં પણ સતત ટાઢોડુ છવાયેલુ રહ્યુ હતું.

બીજી તરફ આજે ધારી પંથકમાં તો જાણે અષાઢી માહોલ હોય તેમ બપોરના સમયે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. અહિં આમ તો સવારથી વાદળછાયુ વાતાવરણ હતું. બપોરના ત્રણેક વાગ્યે અડધી કલાક સુધી વરસાદ વરસતા અહિં અડધો ઇંચ જેટલુ પાણી પડી ગયુ હતુ અને વાતાવરણ ટાઢુ બોળ બની ગયુ હતું. બપોરના વરસાદને પગલે ધારીમાં ઠેર ઠેર પાણીના ખાબોચીયા ભરાયા હતાં. આસપાસના કેટલાક ગામોમાં પણ માવઠુ થયુ હતું.

આવી જ રીતે આજે બાબરા પંથકમાં વહેલી સવારે કમોસમી વરસાદ થતા શહેરના રસ્તાઓ ભીના થયા હતાં. દિવસભર વાતાવરણ વાદળછાયુ રહ્યુ હતું અને ઝરમર વરસાદ પડયો હતો. આજે દામનગરમાં પણ વારંવાર કમોસમી વરસાદ થયો હતો.  સાવરકુંડલા તથા આસપાસના વિસ્તારમાં છાટા પડયા હતાં. જો કે દરીયાકાંઠાના વિસ્તારમાં માવઠુ થયુ ન હતું પરંતુ વાદળછાયુ વાતાવરણ રહ્યુ હતું. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી હતી. ખાસ કરીને જીરૂ અને ઘઉંના પાકને નુકશાનની ભીતીથી ખેડૂતો ચિંતીત છે.
ધાણા,જીરૂના પાકને  નુકશાન-કયાડા

અમરેલી જીલ્લા કિસાન સંઘના આગેવાન મનસુખભાઇ ક્યાડાએ જણાવ્યુ હતું કે અચાનક આવી ટપકેલા કમોસમી વરસાદથી આ વિસ્તારમાં સૌથી વધુ ધાણા અને જીરૂના પાકને નુકશાન થશે. આ ઉપરાંત કેરીના પાકને નુકશાનથી પણ ખેડૂતોને ફટકો પડશે.

ધારી પંથકમાં કેરીના પાકને નુકસાન : મોર ખરી ગયા

ધારી પંથકમાં કેસર કેરીની મોટા પ્રમાણમાં ખેતી થાય છે. હાલમાં કેસર કેરીના આંબાઓમાં ઠેર ઠેકાણે મોર આવવાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આજે ધારી પંથકમાં જ સૌથી વધુ કમોસમી વરસાદ થતા આ મોરને નુકશાન થયુ હતું તેની વિપરીત અસર કેરીના પાક પર પડશે. ગયા વર્ષે પણ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાન થયુ હતું.

પાંચ હજાર હેક્ટરમાં ઉભેલા પાકને નુકશાનની ભીતી

ઓણ સાલ 10218 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયુ છે. જે પૈકી પાંચેક હજાર હેક્ટરમાં એવો પાક ઉભો છે જેને કમોસમી વરસાદથી નુકશાન થઇ રહ્યુ છે. 3483 હેક્ટરમાં ઘઉં, 437 હેક્ટરમાં જીરૂ, 1024 હેક્ટરમાં ડુંગળી સહિતના પાકને નુકશાનની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે શિયાળુ પાકમાં પણ ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

ઠંડી લાગી જતા ધારીના યુવાનનું મોત

ધારીના સરકારી દવાખાનાના ક્વાટર્સમાં રહેતો વિજય રાઘવભાઇ ધાધલ (ઉ.વ. 20) નામનો દલીત યુવાન ગઇકાલે રાત્રે અમરેલી પીક્ચર જોવા માટે આવ્યો હતો અને રાત્રે અમરેલીથી ધારી પરત ઘરે જઇને સુઇ ગયો હતો. આ દરમીયાન શરીરમાં ઠંડી આવી જતા હાર્ટએટેક આવવાથી તેનું મોત થયુ હતું. સવારે પરિવારજનોએ ઉઠાડવાની કોશીષ કરતા તે પથારીમાં મૃત હાલતમાં મળ્યો હતો. પીએસઆઇ વી.એમ. કોલાદરાએ આ અંગે તપાસ શરૂ કરી છે.

No comments: