Saturday, January 31, 2015

વનખાતાની બર્બરતા : સાચા સવાલના જવાબમાં ખબરપત્રીને માર્યો ઢોર માર!

Jan 30, 2015 00:03

  • ગેરકાયદે સિંહદર્શનની ઘટના પર ઢાંકપિછોડો કરવા જંગલખાતાની જંગાલિયત ઃ ઈજાગ્રસ્ત ખબરપત્રી હોસ્પિટલના બિછાને ઃ કામગીરી દેખાડવા અન્ય છ ને કરાયો દંડ
અમરેલી, રાજકોટ : આમ જનતા સામે નિયમોના બહાને દંડા ઉગામતા જંગલખાતાની જંગાલિયતનો વધુ એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે વનખાતાની જોહૂકમીનો ભોગ બન્યા છે એક અખબારી વિતરક અને ખબરપત્રી. ખાંભાના ભાડ ગામે ગેરકાયદે સિંહદર્શનના વિકૃત ખેલના મુખ્ય સૂત્રધાર એવા આરએફઓ પુત્રને વનખાતાએ થાબડભાણાં કરી છોડી મૂક્યાના મામલે વિગતો મેળવવા ગયેલા ખાંભાના અખબારી વિતરક પર ખાંભાના આરએફઓએ પાઈપ વડે હૂમલો કરી સમગ્ર પ્રકરણ પર ઢાંકપિછોડો કરવા હિન પ્રયાસ કર્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, ગીર જંગલ તથા તેની આસપાસના રેવન્યુ વિસ્તારોમાં સરકારી બાબુઓ તથા તેમના મહેમાનો માટે જંગલખાતા દ્વારા ગેરકાયદે સિંહદર્શનના તાયફાઓ અવાર-નવાર યોજાતા હોવાની બાબત હવે જગજાહેર થઈ ચૂકી છે. ગુજરાતની અસ્મિતાના પ્રતીક એવા એશિયાટીક સિંહોની રક્ષકો એવા જંગલખાતાના અધિકારીઓ દ્વારા જ થતી વિકૃત પજવણી સામે પગલાં લેવા અવાર-નવાર માંગણી ઉઠી છે, પરંતુ આ મામલે કોઈ જ કાર્યવાહી ન થતાં વનરાજો તેમના જ વિસ્તારમાં ઓશિયાળા જેવા રહી ગયા છે.
ગેરકાયદે સિંહદર્શનની વધુ એક ઘટના ખાંભાના ભાડ ગામની સીમમાં પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ ખાંભાથી ૪ કિ.મી.દુર આવેલા ભાડ ગામે લાલજી સભાયા નામની વ્યક્તિની વાડીમાં ગતરાત્રે ૧૨ જેટલા સિંહોએ બે ભેંસનું મારણ કર્યુ હતુ. સિંહો મારણની મિજબાનીમાં મસ્ત હતા ત્યારે લાલ કલરની કારમાં એક રેંજ ફોરેસ્ટરના પુત્ર સહિતના સાત વ્યકિતઓ વાડી પાસે ધસી આવ્યા હતા. ગેરકાયદે સિંહદર્શનના ઈરાદે આવેલા આ શખ્સોએ સિંહદર્શનથી જ ન અટકતાં સાવજની મીજબાનીમાં ખલેલા પાડી કાર સિંહો પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો.

દરમિયાનમાં આ અંગે બાતમી મળતા ખાંભા આરએફઓ એલ.વી.રાતડીયા,ફોરેસ્ટર વાળા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને તમામને પકડી લીધા હતા. પરંતુ પકડાયેલાઓ પેૈકી એક યુવાન રેન્જ ફોરેસ્ટરનો પુત્ર હોવાનું માલૂમ પડતાં વનખાતાએ તેને થાબડભાણાં કરી હેમખેમ જવા દીધો હતો! પુત્રને બચાવવા ફોરેસ્ટર પિતા પણ ખાંભા ફોરેસ્ટ કચેરીએ દોડી આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, સમગ્ર મામલે કામગીરી દેખાડવા માટે વનખાતાએ સુરતના ચાર તેમજ બે સાવરકુંડલાના મળી છ વ્યકિતને ૭૦ હજારનો દંડ ફટકારી જવા દીધા હતા.
દરમિયાનમાં આ સમગ્ર પ્રકરણથી વાકેફ થયેલા ખાંભાના અખબાર વિતરક દશરથસિંહ રાઠોડ અન્ય વ્યકિત સાથે ખાંભા ફોરેસ્ટ ઓફીસે ગયા ત્યારે પટાંગણમાં આરએફઓ રાતડીયાએ ઉશ્કેરાઈને દશરથસિંહને માથામાં પાઈપ મારી ઈજા કરતા દશરથસિંહ સહિત બંનેને સારવાર માટે ખાંભા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવા તજવીજ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
  • આરએફઓ દ્વારા યોગ્ય તપાસની ખાતરી
રાજકોટ : આ વિવાદ મુદે ખાંભાના આરએફઓ એલ.વી.રાતડીયાનો તેમના મો.નં ૯૭૧૨૧૯૬૧૩૨ ઉપર સંપર્ક કરાયો પરંતુ તેમણે વાત કરવાના બદલે ફોન રીસીવ કર્યો ન હતો.આ અંગે ડીએફઓ અંશુમન શર્માનો સંપર્ક કરવામા આવતા તેમણે આ અંગે રજૂઆત મળી હોવાનું જણાવી યોગ્ય તપાસ કરવાની ખાતરી આપી હતી. સાચી તપાસ કરવાની ખાત્રી આપી હતી.

No comments: