Saturday, January 31, 2015

ભવનાથમાં સરકારી દબાણથી સાધુ-સંતો આગબબૂલા થતાં કમિટી રચવી પડી.

Jan 31, 2015 00:31

  • ૭૦ ઉતારા - અન્નક્ષેત્રને જમીન ફાળવણી માટે બે દિ'માં મગાવાતો રીપોર્ટ
જૂનાગઢ : આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનારા મહાશિવરાત્રિના મેળાની તૈયારી માટે આજે મળેલી બેઠકમાં સરકારી પેશકદમીનો મુદ્દો ઉછળ્યો હતો. ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેલા આ મામલે ૭૦ ઉતારા-અન્નક્ષેત્રોને જમીન ફાળવવા આખરે કલેક્ટર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. તથા બે દિવસમાં સર્વે કરીને તેનો રિપોર્ટ આપવાની સુચના આપવામાં આવી છે. ઉપરાંત આજની બેઠકમાં વધારાની ટ્રેન શરૂ કરવા સહિતની રજૂઆતો કરવામાં આવી હતી.
ગિરિવર ગિરનારની ગોદમાં ફેબ્રુઆરી મહિનામાં યોજાનારા મહાશિવરાત્રિના મેળાની તૈયારી માટે આજે અધિકારીઓ
, સાધુ-સંતો અને આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં ભવનાથમાં થયેલી સરકારી પેશકદમીનો મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો હતો.
ઉતારા-અન્નક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલી ર૮ એકર જમીનમાં પ્રવાસન વિભાગ દ્વારા બાંધકામો કરી લેવામાં આવ્યા છે. જેના લીધે ૭૦ જેટલા ઉતારા-અન્નક્ષેત્રની જમીનો કપાઈ રહી હોવાની રજૂઆત અગાઉ કરાઈ હતી. આ બાંધકામોની મંજૂરીના મામલે ઉગ્ર રજૂઆતો થઈ હતી.

રજૂઆતોના પગલે કલેક્ટર આલોકકુમારે એક કમિટીની રચના કરીને બે દિવસમાં સ્થળનો સર્વે કરીને રિપોર્ટ આપવા માટે સુચના આપી છે. મનપા
, આગેવાનો સહિતની આ કમિટી આવતીકાલથી તેનું કામ શરૂ કરી દેશે. જરૂર પડયે ઉતારા-અન્નક્ષેત્રને અત્યારે થયેલા બાંધકામમાં જગ્યા આપવાની તૈયારી તંત્રએ દાખવી છે. સાધુ-સંતો અને સી.પી.એમ.ના બટુકભાઈ મકવાણા દ્વારા ભરડાવાવ સહિતની જગ્યાએ પ્રવેશ માટે પડતી મૂશ્કેલી તથા તંત્રના ઉદ્ધત વર્તન અંગેની ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. અહી અનુભવી અધિકારીઓને ફરજ સોંપવા રજૂઆત કરાઈ હતી. ભાજપના અગ્રણી પ્રદિપભાઈ ખિમાણીએ વધારાની સ્પેશિયલ ટ્રેન દોડાવવા માગણી કરી હતી. જ્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ ટાંકે ફોરટ્રેક રોડ બની જતા એસ.ટી.ને પ્રવેશ આપવા તેમજ ઉતારાની જગ્યાના દબાણો અંગે રજૂઆત કરી હતી. બેઠકમાં મહંત તનસુખગીરીબાપુ, મેયર જીતુભાઈ હિરપરા, કમિશનર દિનેશ પટેલ, એસ.પી. સૌરભ તોલંબિયા, ડે.મેયર ગીરીશ કોટેચા વગેરેએ હાજર રહી સુચનો કર્યા હતાં.
  • એસ.ટી.ને પ્રવેશ આપવા માટે અભિપ્રાય લેવા સુચના આપતા કલેક્ટર
જૂનાગઢ : પાજનાકાના પુલની ધક્કામુક્કીની દૂર્ઘટના બાદ એસ.ટી.ને ભરડાવાવથી આગળ મેળામાં જવા ઉપર પ્રતિબંધ છે. યાત્રિકોને ચાર-પાંચ કિ.મી. પગપાળા ચાલીને મેળામાં જવું પડે છે. ત્યારે આ વખતે મેળામાં એસ.ટી.ને પ્રવેશ આપવા માટે સર્વપક્ષીય રજૂઆતો થયા બાદ કલેક્ટર આલોકકુમારે આ અંગે પોલીસ, આર.ટી.ઓ. અને મનપાનો અભિપ્રાય લેવા માટે સુચના આપી હતી. તેમજ ટ્રાફિક ન હોય તેવા સમયે એસ.ટી.ને પ્રવેશ આપવા હકારાત્મક વિચારણા ચાલી રહી છે.

No comments: