Monday, January 30, 2017

રાજૂલા વિસ્તારમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો, બેની અટકાયત

 Jaidev Varu, Rajula | Jan 03, 2017, 02:44 AM IST

 અમરેલીઃ અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો માટે જોખમ પણ ઘણુ છે. આજે રાજુલાના બારપટોળી-ભટ્ટવદર રોડ પર એક ખેડૂતની વાડીના કુવામાંથી વનતંત્રને સિંહણનો કોહવાઇ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. કોઇ જગ્યાએ ફાસલો મુકાતા તેમાં ફસાઇને સિંહણનું મોત થયા બાદ અજાણ્યા શખ્સો આ ખેડૂતની વાડીના કુવામાં લાશ નાખી ગયા હતાં.

વન વિભાગે જવાબદારોની શોધખોળ શરૂ કરી છે. રાજુલાના જુની બારપટોળી-ભટ્ટવદર રોડ પર દિલુભાઇ માનજીભાઇ તાલડાની વાડીના કુવામાં એક સિંહણનો મૃતદેહ હોવાની બાતમી વન વિભાગને મળી હતી. કુવામાંથી દુર્ગંધ આવતી હોય વાડી માલીકના પુત્ર અનવરભાઇએ જ તેમને જાણ કરી હતી. જેને પગલે આરએફઓ સી.બી. ધાંધીયા, ફોરેસ્ટર ડી.આર. રાજ્યગુરૂ તથા રેસ્ક્યુ ટીમના સભ્યો અહીં દોડી ગયા હતાં.

કુવામાં સિંહણનો મૃતદેહ કોહવાઇ ગયેલી હાલતમાં હોય ભારે દુર્ગંધ મારતો હતો અને મહા મુસીબતે તેને બહાર કઢાયો હતો. બાબરકોટ એનીમલ કેર સેન્ટરમાં વેટરનરી ડોક્ટર દેસાઇ અને ઠાકર દ્વારા પીએમ કરાયુ હતું. પ્રાથમિક તપાસમાં આ સિંહણનું કોઇ જગ્યાએ ફાસલામાં ફસાઇ જતા મોત થયાનું ખુલ્યુ હતું. બાદમાં કોઇએ આ ગુનો છુપાવવા માટે આ ખેડૂતની વાડીમાં આવી કુવામાં સિંહણની લાશ નાખી દીધી હતી.
બે શખ્સોની પુછપરછ શરૂ કરાઇ
દેશની અમુલ્ય ધરોહર સમા ગીરનાં સાવજના કમોતની ઘટના અંગે હજુ વનતંત્ર હવામાં બાચકા ભરી રહ્યુ છે. મોડેથી જાણવા મળતી વિગત અનુસાર વન વિભાગે આ અંગે બે શખ્સોને ઉપાડી જઇ પુછપરછ શરૂ કરી છે. તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.
 
સિંહણનાં બે બચ્ચાની શોધખોળ
દરમીયાન સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આ વિસ્તારમાં રખડતી આ સિંહણને બે બચ્ચા પણ હતાં. જે હાલમાં ક્યાય નઝરે પડયા ન હતાં. વન વિભાગે બન્ને બચ્ચાની પણ શોધખોળ શરૂ કરી છે. સિંહણ ભટ્ટવદર અને બારપટોળી પંથકમાં પ્રખ્યાત હતી.

No comments: