Tuesday, February 28, 2017

વિસાવદર: વનવિભાગ પાસે પાંજરા નથી, 10 દિવસમાં 4 ખેડૂતો પાછળ દોડ્યા દીપડા

Bhaskar News, Visavadar | Feb 24, 2017, 00:55 AM IST

  • વિસાવદર: વનવિભાગ પાસે પાંજરા નથી, 10 દિવસમાં 4 ખેડૂતો પાછળ દોડ્યા દીપડા,  junagadh news in gujarati
વિસાવદર:વિસાવદરના પ્રેમપરા ગામની સીમમાં દિપડાની રંજાડ દિનપ્રતિદિન વધતી જાય છે. ચાર-ચાર ખુંખાર દિપડાઓ પાંજરે પુરાયા છે તેમ છતા ખેતરોમાં કામ કરતા ખેડૂતો પર દિપડાઓ પાછળ દોટ મુકી રહ્યા છે. આ બાબતે ખેડૂતો દ્વારા અવાર નવાર વનવિભાગને રજુઆત કરવા છતા કોઇ યોગ્ય પગલા ભરવામાં નથી આવતા. જેથી વનવિભાગ પરત્વે ખેડૂતોમાં રોષ ફાટી નિકળ્યો છે. આ અંગેની મળતી વિગત મુજબ વિસાવદર રેન્જમાં વન્ય હિંસક પ્રાણીઓનો ત્રાસ વધતો જ જાય છે. તાલુકાના પ્રેમપરા ગામની સીમમાં અંબાજળ નદીના કાંઠે આવેલા ખેતરોની આસપાસ ખુંખાર દિપડાઓ કુતરાઓની જેમ આંટાફેરા મારી રહ્યા છે.
 
ચાર ચાર દિપડાઓને તો અગાઉ આ જ વિસ્તારમાંથી વનવિભાગે પાંજરે પૂર્યા હોવા છતા વધુ દિપડાઓ જોવા મળી રહ્યા છે. અને રાત્રીના સમયે ખેતરોમાં કામ કરવા જતા ખેડૂતોની પાછળ દિપડાઓ દોટ મુકે છે.
છેલ્લા આઠથી દસ દિવસોમાં ચારથી પાંચ ખેડૂતોના પાછળ દિપડાઓ દોડયા છે. આ બાબતે વનવિભાગને રજુઆત પણ કરવામાં આવી છે. છતાં દિપડાને પકડવા પાંજરુ મુકવામાં નથી આવતું. હાલ પાંજરુ નથી આવી જશે ત્યારે મુકીશું એવા વનવિભાગ દ્નારા જવાબો મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.
 
કોર્ટમાં કેસ દાખલ કરવાની હિલચાલ

એક ખેડૂતે આર.ટી.આઇ. કરી માહિતી માંગી છે કે આ વિસ્તારમાંથી અત્યારસુધી કેટલા દિપડા પાંજરે પુરાયા છે, કેટલો ખર્ચ થયો છે, પકડાયેલા દિપડાઓને કયા વિસ્તારમાં છોડવામાં આવ્યા છે. જેવા અનેક મુદ્દે માહિતી માંગવામાં આવી છે. અને ભવિષ્યમાં આ બાબતે કોર્ટમાં કેસ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.

No comments: