Thursday, August 31, 2017

પીપાવાવ પોર્ટમાં બે સિંહ બાળ ગટરમાં ખાબક્યા બાદ બચાવ

Bhaskar News, Rajula | Last Modified - Aug 22, 2017, 02:37 AM IST
રાજુલા: રાજુલા પંથકમાં આવેલા માહાકાય પીપાવાવ પોર્ટની ખુલ્લી ગટરમાં ગત સાંજે બે સિંહ બાળ પડી જતા સ્થાનિક લોકોએ જાણ કરી હોવા છતાં કલાકો પછી વનવિભાગના અધિકારીઓ પહોચ્યા હતા. જેથી સ્થાનિક સિંહ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. કલાકો પછી રેસ્ક્યુ ઓપરેશન કરી સિંહ બાળને બચાવી ફરીવાર ત્યાં જ છુટા મૂકી દેતા ફરીવાર અકસ્માત સર્જવાની સંભાવના સેવાઇ રહી છે. અહીં અનેક સિંહોના મોત નિપજ્યા છે તેમ છતાં વનતંત્ર હજુ કુંભકરણ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે.
પોર્ટના સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરી હતી

રાજુલા પંથકના પીપાવાવ પોર્ટ ખાતે ગત રાત્રે ખુલ્લી ગટરમાં બે સિંહ બાળ પડી જતા સ્થાનિક લોકોએ જાણ કરતા કલાકો બાદ વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી તેને બચાવી લેવાયા હતા. બીજી તરફ અહીં મહત્વ વાત તો એ છે અહીં આજ ગટરમાં સિંહ અને સિંહ બાળ ફસાયા હતા ત્યારે પણ અહીં રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું. ત્યાર બાદ વનવિભાગે પોર્ટના સત્તાધીશોને લેખિતમાં રજૂઆત કરી સૂચના આપી તાત્કાલિક ગટર પર ઢાંકણા નાખી દેવા જણાવ્યું હતું. તેમ છતાં અહીં ઢાંકણા નહિ નાખતા આજે ફરીવાર દુર્ઘટના સર્જાય હતી.
અનેક સિંહો વાહન અડફેટે મોતને ભેટ્યા
10 કિલોમીટરના રૂટમાં પીપાવાવ પોર્ટની પાણીની ખુલ્લી ગટર આવેલી છે. જે પોતાની મનમાની કરતા હોય. જો સિંહોની કોઈ પજવણી કરે તો વનતંત્ર બાયો ચડાવે. અહીં મહાકાય કંપનીના કારણે સિંહો મોતને ભેટી રહ્યા છે. ત્યારે વનતંત્ર તમાશો જોય રહ્યું છે અને પીપાવાવ પોર્ટ વિસ્તારમાં 50 જેટલા સિંહોનો વસવાટ છે. પોર્ટમાં આવતી માલગાડીએ પણ ભૂતકાળમાં અનેક સિંહોના મોતને ઘાટ ઉતારી નાખ્યા છે. પીપાવાવ પોર્ટના ફોરવે માર્ગ પર પણ અનેક સિંહો વાહન અડફેટે મોત ને ભેટ્યા છે ત્યારે પીપાવાવ પોર્ટની મનમાની કેટલા દિવસો ચાલશે કેમ રાજ્ય સરકાર દ્વારા પણ કોઈ ગંભીર વલણ અપનાવતું નથી.

No comments: