Sunday, May 2, 2010

નવાબકાળમાં સિંહોના રક્ષણ માટે ખાસ કાયદો ઘડાયો હતો.


Apr 26,2010

જૂનાગઢ,તા.૨૬
સોરઠના ધરેણા સમાન સિંહોના રક્ષણ માટે વર્તમાન સમયમાં સરકારનો કાયદો છે, ત્યારે અત્રે એ વાત નોંધપાત્ર બની રહેશે કે સિંહોના રક્ષણ માટે નવાબી સમયમાં પણ ખાસ કાયદા ઘડવામાં આવ્યા હતાં. તેમજ આ કાયદાનો ભંગ કરનારને છ માસની કેદ તથા એક હજાર કોરીની સજા પણ કરવામાં આવતી હતી.
નવાબશાહીમાં સિંહોના સંરક્ષણ માટે ઘડાયેલા ખાસ કાયદાઓ પર નજર કરીએ તો, ૧ર એપ્રિલ, ૧૮૮૦ ના રોજ જૂનાગઢ રાજ્યના ગેઝેટ દસ્તુરલ-અમલ સરકારમાં સિંહોના રક્ષણ માટેના કાયદાની પ્રથમ વખત જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ ૧૧ મે, ૧૮૯૬ ના રોજ જૂનાગઢ રાજ્યના દિવાન બહેચરદાસ બિહારીદાસજીએ અગાઉનો કાયદો રદ્દ કરીને જાવક નં.૧૬૮૩ થી નવો સુધારેલો કાયદો બહાર પાડયો હતો. આ કાયદા પ્રમાણે પરવાના વગર રાજ્યની હદ્દમાં શિકાર કરવાની મનાઈ હતી. તેમજ કાયદાની કલમ ૪ અંતર્ગત સાવજનો શિકાર કરનાર માટે છ માસની કેદ તેમજ ૧૦૦૦ કોરી(૧ બ્રિટિશર ચલણ એટલે ચાર કોરી)નો દંડમાંથી એક અથવા બન્ને સજાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. અને જે હથિયાર ઝડપાય તે ખાલસા કરવાની જોગવાઈ રાખવામાં આવી હતી. આવા ગુનેગારોને વોરન્ટ વગર પકડી લેવાની સત્તા પણ આપવામાં આવી હોવાનું જૂનાગઢના ઈતિહાસ વિદ્દ પરિમલભાઈ રૃપાણી જણાવી રહ્યા છે.
આ કાયદામાં ફરી વખત સુધારો કરીને નવાબ મહાબતખાન ત્રીજાએ ર૯ સપ્ટેમ્બર, ૧૯રપ ના દિવસે વધુ એક ફરમાન બહાર પાડયું હતું. આ ફરમાન પ્રમાણે શિકાર બંધીની સાથે સાથે અગાઉના ધારા પ્રમાણે અપાયેલા શિકારના પરવાના રદ્દ કરવામાં આવ્યા હતાં. તેમજ ખાસ અપવાદ સિવાય નવો પરવાનો બહાર પાડવા પર પ્રતિબંધની સાથે દિવાનને પરવાનો આપવા માટેની સત્તાઓ આપવામાં આવી હતી. ગોળી મારીને કે ફાંસલો ગોઠવીને સિંહનો શિકાર કરનાર માટે અગાઉના કાયદા પ્રમાણે જ સજાની જોગવાઈ રાખવામાં આવી હતી. ૧ નવેમ્બર, ૧૯રપ ના રોજથી આ નવો કાયદો અમલમાં લાવવાની સાથે નવાબે શિકારી તત્વો પર ખાસ નજર રાખવા અધિકારીઓને તાકીદ પણ કરી હતી.
ટપાલ ટિકિટ, ચલણી સિક્કા અને રાજચિન્હમાં પણ એશિયાઈ સિંહ
જૂનાગઢ,તા.૨પ
ઈતિહાસવિદ્દ પરિમલભાઈ રૃપાણીના કહેવા પ્રમાણે ઈ.સ. ૦ થી ૧૦૦ વચ્ચેના સમયમાં ગિરિનગર(જૂનાગઢ)માં પશ્વિમિ ક્ષત્રપ રાજાઓનું રાજ હતું. જેમા હૂંબક નામના રાજાના સમયના તાંબાના ચલણી સિક્કાઓની પાછળ સિંહનું ચિત્ર અંકિત થયેલું મળી આવે છે. નવાબી કાળની વ્યવસ્થામાં નજર કરીએ તો નવાબ મહાબતખાન ત્રીજાએ અર્ધા અને ચાર આનાની ગિરના સાવજોની ટપાલ ટિકિટો બહાર પાડી હતી. તેમજ જૂનાગઢ રાજ્યના રાજ ચિન્હમાં પણ સિંહને મૂકવામાં આવ્યો હતો. સરકારને સારા એવા પ્રમાણમાં કમાણી કરાવી દેનાર પ્રસિદ્ધ ટિલિયા નામના અંધ સિંહની વર્ષ ૧૯૬૩માં સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. ઈનફાઈટમાં ઘાયલ થયેલા આ સિંહે એક આંખ ગુમાવી દીધી હતી.
લોર્ડ કર્ઝને સિંહોના શિકાર ના પાડી દીધી હતી
જૂનાગઢ,તા.૨૬ : ભારતના ગર્વનર જનરલ અને વાઈસરોય લોર્ડ કર્ઝન જૂનાગઢમાં તૈયાર થયેલી બહાદ્દીન કોલેજના ઉદ્દધાટન માટે ખાસ જૂનાગઢ આવ્યા હતાં. કોલેજના ઉદ્દઘાટન બાદ નવાબ રસુલખાનજી દ્વારા લોર્ડ કર્ઝનને શિકાર માટે જવાની રજુઆત કરવામાં આવતા તેઓએ શિકાર કરવાનો સાફ શબ્દોમાં ઈન્કાર કરી દીધો હતો. તેમજ આપણે સિંહોનું સંરક્ષણ અને જતન કરવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું. બાદના સમયમાં આવેલા વાઈસરોય લોર્ડ રીડીંગ તેમજ લીન્થગો વગેરેએ શિકારની મજા માણી હતી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=181720

No comments: