Saturday, May 22, 2010

ગીરના સાવજ ઊભો રે’જે.

Vidyut Joshi, Samudra-Manthan-
First Published 01:04 AM [IST](22/05/2010)
Last Updated 1:33 AM [IST](22/05/2010)
જો ગીરનાં જંગલમાંથી માલધારીઓને ખસેડી લઈશું તો ગીરનાં જંગલ અને સક્કર બાગ ઝૂ વચ્ચે કોઈ ફર્ક નહીં રહે. ટુરિઝમ વધશે, પણ ગીરની સંસ્કૃતિ નાશ પામશે.
Gir Lion stay itએશિયન સિંહો હવે માત્ર ગુજરાતમાં જ બચ્યાં છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, ગિરનાર અભયારણ્ય, પોરબંદર, જૂનાગઢ, અમરેલીનો સમુદ્રતટ વિસ્તાર, પાણિયા, મિતિયાળા તથા નજીકના અન્ય વિસ્તારોમા થઈને ૯૭ સિંહ અને ૧૬૨ સિંહણ તથા બાકીનાં બચ્ચાં સાથે કુલ સંખ્યા ૪૧૧ની થાય છે. આમાં ૭૭ તો માત્ર એક વર્ષ સુધીનાં બચ્ચાં છે. એશિયન સિંહોની વસતી માત્ર ગુજરાતમાં જ બચી છે અને વૃદ્ધિ પામતી રહી છે તેનો યશ કોઈનેય આપવો ઘટે તો જંગલ, જન અને જનાવરનાં સહ- અસ્તિત્વને જ આપી શકાય.
જૂનાગઢના નવાબી રાજ્ય સમયે સિંહની ઘટતી વસતીથી ચિંતિત નવાબે સિંહના શિકાર પર પ્રતબિંધ મૂક્યો ત્યારથી ગુજરાતમાં સિંહની વસતી સતત વધતી રહી છે. તે પહેલાં રાજા-મહારાજાઓમાં સિંહનો શિકાર કરવો તે શૌર્યનું પ્રતીક ગણાતું. સિંહને મારનારા રાજાઓનાં સંતાનો આજે પર્યાવરણવાદી થઈ ગયા છે. આ પર્યાવરણવાદીઓ અને સરકારનું જંગલ ખાતું સિંહને બચાવવા માટે જંગલમાં રહેતા માનવીઓને જંગલની બહાર કાઢવા માગે છે.
તાજેતરમાં જ ગીરના જંગલના નેસમાં રહેતા એક્સો માલધારી અથવા પશુપાલક કુટુંબોને ગીરની બહાર વસાવવાની યોજના અમલી બની રહી હોવાની વાત આવી છે. ગીર અભયારણ્યમાંથી આ માલધારીઓને બહાર વસાવવાની સરકારનાં પર્યાવરણ અને વન ખાતાંની આ યોજના સિંહોને બચાવવાના વ્યાપક પ્રકલ્પનો એક ભાગ છે. એક માલધારીને બહાર વસાવવાનો ખર્ચ લગભગ દસ લાખ આવશે તેવો અંદાજ છે.
જ્યારે જ્યારે સિંહોને બચાવવાની વાત આવે છે ત્યારે ત્યારે ગીર અને નજીકનાં જંગલોમાંથી માણસોને બહાર કાઢવાની વાત આવે છે. અહીં પાયાનો સવાલ એ ઉપસ્થિત થાય છે કે એશિયન સિંહો આજે ક્યાંય ન બચતાં માત્ર સૌરાષ્ટ્રમાં જ બચ્યા અને તેમની વસતી તથા વિસ્તાર સતત વધતો ગયો તેવું શી રીતે બન્યું? ભારતમાં વાઘ બચાવવા ખાસ પ્રકલ્પ બનાવ્યો હોવા છતાં વાઘની વસતી ચિંતાજનક રીતે ઘટતી ગઈ છે, તેની સામે આવા કોઈ ખાસ પ્રયાસો વિના સૌરાષ્ટ્રમાં સિંહોની વસતી કઈ રીતે વધી તેનો ખાસ વિચાર કરવો પડે.
આ સવાલ એવી સમગ્ર ઇકો સિસ્ટમનો છે જેમાં જંગલ, જલસ્રોત, હિંસક પશુ, પાલતુ પશુ, પક્ષીઓ અને માણસો પરસ્પરાધારિત જીવન ગુજારે છે. આ પરસ્પરાધારિત જીવન વ્યવસ્થાએ ગીરની એક સંસ્કૃતિ ઊભી કરી છે. જો માણસો તથા તેમનાં પાલતુ પશુઓને આ ઇકો સિસ્ટમમાંથી ખસેડી લઈશું તો ગીરનાં જંગલ અને સક્કર બાગ ઝૂ વચ્ચે કોઈ ફર્ક નહીં રહે. ટુરિઝમ વધશે, ગીરની સંસ્કૃતિ નાશ પામશે.
શું છે ગીરની કુદરતી ઇકો સિસ્ટમ? ગીરનાં જંગલમાં અત્યારે સિંહ ઉપરાંત દીપડા, ઝરખ, શિયાળ, મોટી સંખ્યામાં નીલ ગાય, ધરા અને તળાવોમાં મગર અને માછલાં, વાંદરા, મોરથી માંડીને દેવચકલી સુધીનાં પક્ષીઓ, માલધારીના લગભગ ચાલીસ જેટલા નેસ, તેમનાં પાલતુ પશુઓ (મુખ્યત્વે ગાય અને ભેંસ), તેમના રખેવાળ કૂતરાઓ, નેસમાં ચારણ-રબારી-ભરવાડ અને કાઠી, લગભગ ૧૫૦ જેટલાં ધર્મસ્થાનો જેમાં આશ્રમો, મઠો, સ્થાનકો, મંદિરો અખાડા તથા તપ કરતા અઘોરી બાવાઓ પણ છે.
૧૯૭૨થી ૭૪ ગુજરાતમાં દુકાળ પડતાં ગીરની બહાર રહેતાં કેટલાક માલધારીઓ પોતાનો માલ લઈને ગીરમાં ઊતરી ગયા. સણોસરાની લોકભારતી સંસ્થાની ગૌશાળા બહુ સારી. તે ગાયો લઈને ભટ બાપા (નરેન્દ્ર ભટ્ટ) ગીરમાં ચાલ્યા ગયા. દુકાળ ઊતરતાં પાછા આવ્યા ત્યારે પૂછ્યું, ‘તમને ખુલ્લામાં સિંહનો ડર નહોતો લાગતો?’ ‘ના રે, સાવજ માણહને નો મારે. અટકચાળું કરો તો જ પરચો બતાવે.
રસ્તે ઊભો હોય તો તરીને (બાજુમાંથી) હાલ્યા જવાનું.’ ‘પણ ગાયોનું શું?’ ‘આખલા અને મજબૂત ગાયો કુંડાળું બનાવે. વચમાં વાછરડાં અને નબળી ગાયો રહે. સાવજ આવી ચડે તો આખલા ને મજબૂત ગાયો ઈને મારી ભગાડે.’ ‘તમે સિંહને નો મારો?’ ‘સાવજને નો મરાય, ઈ જંગલનો રાજા કહેવાય. અમે ગાયું બચાવા ગીરમાં ગ્યા’તા, સાવજ મારવા નહીં.’ આ છે માણસ, પાલતુ પશુ અને સિંહનો કુદરતી સંબંધ.
નેસમાં ચારણો ભેંસો રાખે. રબારી તથા ભરવાડ મુખ્યત્વે ગાયો રાખે. સિંહ ક્યારેક નબળાં, અપંગ કે વૃદ્ધ પ્રાણીનો શિકાર કરી પણ લે. આની સામે માલધારીઓ સિંહોને મારી ન નાખે. કડિયાળી ડાંગથી સામનો કરી ભગાડી દે. રાતના અંધારામાં સિંહની ડણક સંભળાય તો ‘કૂત્તો લાગે છે’ કહી લોકો સાવધ થઈ જાય. યાદ કરો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ‘ચારણકન્યા’ કાવ્ય. કેવી હતી આ નેસમાં રહેનારી ચારણકન્યા?
આવા ચાલીસેક નેસોમાં પાડાપાણી નેસ, કુટિયા નેસ, કાંટિયા નેસ, લીલાપાણ નેસ તથા દેવલિયા નેસ મુખ્ય છે. દેવલિયા નેસની જગ્યા સિંહદર્શન માટે જાણીતી છે.એનો અર્થ એ નથી કે ગીરમાં પ્રશ્નો નથી. ગીરનાં ચરિયાણો પર ખાનગી કબજા મોટા પ્રમાણમાં થવા લાગ્યા છે. લાડુવાળો હાથ પોતાના મોઢાં તરફ વળે તેમ કેટલાક લોકોએ સત્તાનો ઉપયોગ કરી જમીન કબજે કરી છે. આથી માલધારીઓના માલને અને નીલગાયને ઘાસની તંગી પડવા લાગી છે.
ગીરની ઇકોલોજીને માલધારીઓ અને બાવા-સાધુ કરતાં આવા જમીન માફિયાઓ વધુ નુકસાન કરે છે. જંગલની જમીન ઓછી થતી જાય છે અને સિંહ વધતા જાય છે, તેથી મારણ માટે સિંહો ક્યારેક સીમાડા પરનાં ગામોમાં પ્રવેશે છે. આજની રીતે જોઈએ તો ગીરમાં ૩૦૦થી વધુ સિંહો સમાઈ શકે તેમ નથી.
માલધારીઓએ નેસમાં રહેવું કે જંગલની બહાર આવવું તેનો નિર્ણય માલધારીએ લેવાનો છે. તેમનાં સંતાનો ભણશે તો શિક્ષણ મુજબની રોજગારી શોધવા આપો આપ મેંદરડા, જૂનાગઢ કે વિસાવદરમાં આવશે. વિકાસની સહજ પ્રક્રિયા થાય તે જરૂરી છે.જેમની પાસે સત્તા આવે છે તેમના પર્યાવરણના ખ્યાલો સત્તાથી દૂષિત થાય છે. મેકિયાવેલીએ કહ્યું હતું, ‘પાવર કરપ્ટ્સ એન્ડ એબ્સોલ્યુટ પાવર ટેન્ડ્ઝ ટુ કરપ્ટ એબ્સોલ્યુટલી.’
vidyutj@gmail.com

No comments: