Sunday, May 2, 2010

કૂવો બૂરતી વખતે અંદર બેઠેલો દીપડો પણ દટાઈ મર્યો.

Bhaskar News, Junagadh
માળીયાહાટીના તાલુકાના અકાળા ગામની સીમમાં બે દિવસ પહેલા એક અવાવરૂ કુવો બુરવાની કામગીરી ચાલી રહી હતી એ દરમ્યાન તેમાં છુપાયેલા દીપડા પર માટી પડતા તે દટાઈ ગયો હતો. દીપડાએ જીવ બચાવવા કુવામાં બનેલી બખોલમાંથી બહાર નીકળવા પ્રયાસ કર્યોપરંતુ ગુંગળાઈ જવાથી મોત નિપજયું હતું. બાદમાં વનવિભાગે દીપડાને સાસણ પીએમમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વધુ વિગત મુજબ માળીયા હાટીના તાલુકાના અકાળા (ગીર) ગામની સીમમાં આવેલી ભીખા નાથા ઝાલાની વાડીએ આવેલા અવાવરૂ કુવો બુરવાની કામગીરી ચાલી રહી હતી. અવાવરૂ કુવામાં ચાર-પાંચ ફુટની બખોલમાં દીપડો છુપાયો હતો. પરંતુ ખેડૂતે અજાણતામાં કુવામાં માટીના ઢગ ખડકી દીધા હતા.
કુવામાં માટીના ઢગ ખડકાઈ જવાથી જે બખોલમાં દીપડો છુપાયો હતો એ બંધ થઈ ગઈ હતી. બાદમાં દીપડાએ જીવ બચાવવા માટે મહેનત કરતા ધુળ સરકવા લાગી હતી. આથી ખેડૂત તથા મજૂરોને બખોલમાં દીપડો છુપાયો હોવાની શંકા ગઈ હતી.
આથી વન વિભાગને જાણ કરવામાં આવતા માળીયાહાટીના આરએફઓ વંશ તથા જૂનાગઢ એસીએફ વી.એમ. રાદડીયાએ ઘટના સ્થળે જઈ માટીના ઢગને હટાવી દીપડાનાં મૃતદેહને બહાર કાઢી સાસણ પીએમમાં મોકલ્યો હતો. જ્યાંથી દીપડાનું ગુંગણામણથી મોત નિપજયાનો રિપોર્ટ આવ્યો હતો. દીપડાનું મોત નિપજતાં પ્રકતિ પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/05/02/lepard-also-died-930597.html

No comments: