Thursday, July 14, 2011

ધારીનાં એક માત્ર જીરામાં જ વાવણીલાયક વરસાદ ન પડયો.


Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:55 AM [IST](14/07/2011)
- ૮૯ માંથી ૮૮ ગામોમાં વાવણી શરૂ
- જીરામાં રસ્તાપરથી પાણી વહે તેવો વરસાદ પણ પડયો નથી
ધારી તાલુકાના ૮૯ ગામો પૈકી ૮૮ ગામોમાં વાવણી લાયક વરસાદ પડી ગયો છે. એક માત્ર જીરા ગામમાં જ મેઘરાજાએ મહેર કરી ન હોય આ ગામમાં વાવણી થઇ શકી નથી. આજુબાજુના તમામ તાલુકા અને ગામોમાં મેઘ મહેર છે. પરંતુ માત્ર જીરા પર જ મેઘરાજા મહેરબાન થયા ન હોય ખેડૂતો ચીંતામાં મુકાયા છે. હવે મેઘરાજા મહેરબાન થશે તેવી આશાએ ખેડૂતોએ હવે કોરા ખેતરમાં વાવણી શરૂ કરી દીધી છે.
સમગ્ર અમરેલી જીલ્લા પર મેહુલીયો મહેરબાન થયો છે. જીલ્લામાં લગભગ તમામ વિસ્તારમાં વાવણી લાયક વરસાદ વરસી ગયો છે. ધારી તાલુકામાં તો જાણે મેઘરાજાના ચાર હાથ છે. પાછલા સપ્તાહમાં મેઘરાજાએ સાર્વત્રીક વરસાદ વરસાવતા ખુશખુશાલ ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. ધારી તાલુકાના ૮૯ ગામ પૈકી ૮૮ ગામમાં ખેડૂતોએ હોંશે હોંશે વાવણી કરી દીધી છે. પરંતુ એક માત્ર જીરા ગામના ખેડૂતો હજુ પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે કે ક્યારે વાવણી લાયક વરસાદ વરસે.
ગામલોકોના જણાવ્યા અનુસાર અહિં માત્ર હળવા ભારે ઝાપટા પડ્યા છે. હજુ સુધી એક પણ વખત રસ્તા પરથી પાણી વહ્યા નથી. જીરાની ફરતે હવે ત્રંબકપુર, હિરાવા, સરસીયા અને મુંજાણીયા ગામમાં ખુબ જ સારો વરસાદ થતા ખેડૂતો વાવણીમાં લાગ્યા છે. પરંતુ જીરા ગામના ખેડૂતો આ બાબતે નશીબદાર નીવડ્યા નથી. હજુ સુધી વાડી, ખેતર છલકાઇ જાય તેવો વરસાદ આ ગામે જોયો નથી.
સમય હાથમાંથી સરી જાય તે પહેલા હવે ખેડૂતોએ કોરા ખેતરમાં વાવેતર શરૂ કર્યું છે.
આવનારા દિવસોમાં સારો વરસાદ વરસી જશે તેવી આશાએ ખેડૂતોએ કોરા ખેતરમાં વાવણી શરૂ કરી છે. રાધીકાદાસ બાપુના આશ્રમ પાછળની સીમ તરફતો હજુ સુધી એકેય વરસાદ થયો નથી.

No comments: