Tuesday, July 5, 2011

પ્રકૃતિને જાળવવા સોરઠ અને સૌરાષ્ટ્રમાં નવતર અભિગમ.


જૂનાગઢ ૪, જૂલાઇ
પ્રકૃતિ અદ્દભુત રચના એવા પક્ષીઓની જાળવણી માટે જૂનાગઢની નવરંગ નેચર ક્લબ દ્વારા નવતર અભિયાન હાથ ધરાયું છે. જેમાં ચોમાસુ પાક દરમિયાન ખેડૂતોને એક લાઈન જુવાર કે બાજરો વાવવા માટે અપીલ કરવામાં આવી છે. આ વખતે આ અભિયાનમાં સોરઠ અને સૌરાષ્ટ્રમાં પ૦ હજાર ખેડૂતો જોડાશે તેવી આશા ક્લબ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જૂનાગઢની નવરંગ નેચર ક્લબ દ્વારા શરૃ કરાયેલા આ નવતર અભિગમ વિશે યુવા અગ્રણી રસિકભાઈ ચનિયારાએ જણાવ્યું છે કે, જુવાર અને બાજરા જેવા પાકનું વાવેતર ઘટતા તેની અસર પક્ષીઓના ખોરાક પર પડી છે. હકિકતમાં આ અનાજ માટે આવતા પક્ષીઓ ખેતરના ઉભા મોલને ઉપદ્રવી ઈયળોથી બચાવે છે. પરિણામે જંતુનાશક દવાઓની જરૃર પડતી નથી. કુદરતે ગોઠવેલા ખોરાક ચક્ર અનુસાર આ બધુ નિયમન આપમેળે થાય છે. માટે ખેડૂતો ચોમાસુ વાવણી વખતે ખેતરમાં એક લાઈન જુવાર કે બાજરો વાવીને રાખી મૂકશે એટલે પક્ષીઓને પુરતા પ્રમાણમાં ખોરાક મળી રહેશે. તેમજ મહત્વના એવા પક્ષીઓની જાળવણી પણ થતી રહેશે. ખેતરના શેઢે આવી એકાદ-બે લાઈન વાવવા માટે વર્ષ ર૦૦૯ થી અભિયાન શરૃ કરવામાં આવ્યું છે. જેમા ગત વર્ષે ૪૦ હજાર ખેડૂતો જોડાયા હતાં. જો કે એક લાઈનના બદલે ખેડૂતો આ સેવાયજ્ઞામાં યથાશક્તિ યોગદાન આપીને પ્રકૃતિના જતનમાં ભાગ લઈ શકેે છે. વધારામાં ચકલીઓની સંખ્યા જળવાઈ રહે તે માટે કૃત્રિમ માળા મૂકવાનું આયોજન પણ કરાયું છે. પક્ષી બચાવવાના આ અભિયાનમાં આ વર્ષે પ૦ હજાર ખેડૂતો જોડાશે તેવી આશા ક્લબ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=304705

No comments: