Thursday, July 14, 2011

ઘારીનાં દલખાણીયામાં તસ્કરોએ બાઇક સળગાવ્યું.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:41 AM [IST](14/07/2011)

- મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છત્તરની ચોરી
ધારી તાલુકાના દલખાણીયા ગામે ગઇરાત્રે કોઇ અજાણ્યા તસ્કરે મેલડી માતાના મંદિરમાંથી ચાંદીના છતરની ચોરી કરી હતી. એટલુ જ નહી એક ખેડૂતના ઘર બહાર પડેલુ મોટર સાયકલ નેરામાં લઇ જઇ સળગાવી દીધુ હતુ. તસ્કરીના આ પ્રકારના બનાવને કારણે ગામલોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઘણા તસ્કરો ચોરીમાં ખાસ કંઇ હાથ ન લાગે તો જે તે સ્થળે નુકશાન કરવાની વૃત્તિ ધરાવે છે. ધારીના દલખાણીયામાં ગઇકાલે કંઇક આવું જ બન્યુ હતુ. દલખાણીયા ગ્રામ પંચાયતની ઓફીસ પાસે આવેલા મેલડી માતાજીના મંદિરમાંથી ગઇરાત્રે કોઇ તસ્કરો ચાંદીના છતર ચોરી કરીને લઇ ગયા હતા. અહિંથી ગયેલો મુદામાલ મોટી રકમનો ન હોય આ બારામાં કોઇ પોલીસ ફરીયાદ થઇ ન હતી.બીજી તરફ દલખાણીયા ગામના રાજુભાઇ આંબલિયાનું હિરો હોન્ડા મોટર સાયકલ ગઇકાલે તેમના ઘર બહાર પડયુ હતુ.
કોઇ અજાણ્યા શખ્સો તેમના ઘર પાસેથી આ મોટર સાયકલ ઉઠાવી ગયા હતા. અને ગામની સીમમાં એક નેરામાં લઇ ગયા હતા. અજાણ્યા શખ્સોએ આ મોટર સાયકલમાંથી જ પેટ્રોલ કાઢી અને બાઇક પર છાંટી તેને સળગાવી દીધુ હતુ. આ નુકશાની અંગે રાજુભાઇએ ધારી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

No comments: