Tuesday, July 5, 2011

અભયારણ્યમાં મકાનની સ્કિમો સામે નારાજગી.

Source: Bhaskar News, Talala   |   Last Updated 3:01 AM [IST](05/07/2011)
- સાસણના (ગીર) આસપાસ હાઉસીંગ કોલોનીનાં નામે પ્લોટો વેચવાની થતી પેરવી સામે કલેક્ટરને રજુઆત કરાશે
સમગ્ર વિશ્વમાં એક તરફ પર્યાવરણ તેમજ વન્યજીવોનાં રક્ષણ માટે અભિયાનો ચલાવવામાં આવે છે તો બીજી તરફ રાજ્યનાં વિશ્વ પ્રસિધ્ધ ગીર અભયારણ્યમાં હાઉસીંગ કોલોની બનાવીનેે વેંચવાની પેરવી કરતા હોવાનું પર્યાવરણપ્રેમીઓનાં ધ્યાને આવતા તપાસની માંગ ઉઠી છે.
સાસણ (ગીર) આસપાસનાં ગીર અભયારણ્યમાં હાઉસીંગ કોલોનીઓ બનાવવા કુલ ૨૮ અરજીઓ કરવામાં આવી છે. પરંતુ રાજ્યનાં વનવિભાગે આ અંગે હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી. અભયારણ્યનાં પ્રતિબંધીત વિસ્તારો આસપાસ રહેણાંક મકાનો માટે પ્લોટો ખરીદો તે અંતર્ગત સ્કીમો જાહેર કરાઇ છે. આ પ્રવૃતિ સામે પર્યાવરણ પ્રેમીઓમાંથી પોતાનાં અંગતહિતો માટે વન્યજીવોને ખલેલ પહોંચાડવાનાં કારસા કરનારા લોકો સામે રોષ ઉઠ્યો છે. કેન્દ્ર સરકારે ગીર અભયારણ્યની આસપાસનાં વિસ્તારને પર્યાવરણ સંવેદનશીલ જાહેર કર્યો છે. સમગ્ર વિશ્વમાં એશિયાટીક સિંહો માત્ર ગીર અભયારણ્યમાં જ જોવા મળે છે. અભયારણ્ય ઘોષિત થયા બાદ આસપાસનાં પાંચ કિ.મી.ની ત્રજિયામાં કોઇ જ નવી યોજનાઓ અમલમાં મૂકી શકાતી નથી. અને જો કોઇ યોજના વન્યસૃષ્ટિને સંબધિત બનાવવી પડે તો પહેલા વનવિભાગની મંજૂરી બાદ અંતિમ પરવાનગી જિલ્લા કલેક્ટર પાસેથી લેવાની હોય છે. પરંતુ સાસણ આસપાસ હોટલો માટે ઉંચાભાવે જમીન ખરીદ કરી અટવાયેલા અમુક લોકો દ્વારા આવાસની સ્કીમો રજુ થાય છે તે બાબતે પર્યાવરણ પ્રેમીઓમાંથી રોષ સાથે તપાસની માંગ ઉઠી છે.
આ બાબતે વનવિભાગ અને જિલ્લા કલેક્ટર સમક્ષ ક્યા પ્રકારનાં રહેેણાંક મકાનો માટે મંજુરી માંગી છે ? પ્લોટો વેંચવા માટે બિન ખેતી સહિતની મંજુરી મળી છે કે કેમ ? વનવિભાગે નો ઓબ્ઝેકશન સર્ટીફીકેટ આપેલ છે કે કેમ ? તે અંગે વનવિભાગ સ્પષ્ટતા કરે અને જિલ્લા કલેક્ટર તાકીદે તટસ્થ તપાસ કરે તે જરૂરી તેવી માંગ ઉઠી છે. સ્થાનિક સહિત જિલ્લાના પર્યાવરણ પ્રેમીઓના સમૂહે વિશેષમાં ઉમેર્યું છે કે, સિંહોના આ પ્રદેશમાં માનવીય વસાહત જેટલી દૂર રહે તો જંગલનો રાજા મુક્ત બને તેવું તારણ હોવા છતાં આવી પ્રવૃતિ સામે લગામની માંગણી ઉઠી છે.
સ્મશાનને નહી અને રહેણાંક મકાનો માટે મંજુરી ?
ગીરનું જંગલ અભયારણ્ય ૧૯૬૭માં જાહેર થયા બાદ આજે ૪૦ વર્ષથી સાસણ (ગીર)ગામનાં પાદરમાં સ્મશાન બનાવવાનું બાંધકામ કરવા વનવિભાગ મંજુરી આપતું નથી. જેના લીધે અવારનવાર સાસણનાં ગ્રામજનો અને વનવિભાગ વચ્ચે ઘર્ષણ થાય છે. સાર્વજનીક કામગીરી જેવા સ્મશાન માટે પણ વનવિભાગ મંજુરી આપી શકતુ ન હોય તો સિંહોનાં રહેઠાણમાં મકાન ખરીદોની જાહેરાતો ક્યાં પ્રકારે થાય છે તેની તપાસ વનવિભાગે કરવી જરૂરી બની છે. ગીર જંગલ આસપાસનાં સેટલમેન્ટનાં ગામો અને પસાર થતા રેવન્યુ રસ્તાઓ કે ખેતરોમાં ખેડુતોને પણ પાણીની લાઇનો નાંખવાની મંજુરી ન આપતા વનવિભાગે તાકીદે આ અંગે તપાસ કરી સ્પષ્ટતા કરે તેવી પર્યાવરણપ્રેમીઓમાંથી માંગ ઉઠી છે.

No comments: