Thursday, January 17, 2013

આકાશમાં જામેલી પતંગની લડાઈમાં સાત પક્ષી ઘાયલ.

Bhaskar News, Rajula | Jan 10, 2013, 01:35AM IST- ઘાયલ પક્ષીની મદદ માટે પક્ષી પ્રેમીઓ દ્વારા હેલ્પ લાઇન શરૂ કરાઇ

ઉતરાયણને હજુ થોડા દિવસની વાર છે ત્યાં જ પતંગપ્રેમીઓએ આકાશમાં પતંગની લડાઇ શરૂ કરી દીધી છે. રાજુલા પંથકમાં દર વર્ષે પતંગની દોરીના કારણે સેંકડો પક્ષીઓ ઘાયલ થાય છે. ત્યારે આજે રાજુલામાં ચાઇનીઝ દોરીથી સાત પક્ષી ઘાયલ થઇ જતા પક્ષીપ્રેમીઓ દ્વારા તેને સારવાર આપવામાં આવી હતી.

રાજુલા પંથકમાં ઉતરાયણ પર્વ પર દોરીના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થાય છે અથવા તો મોતને ભેટે છે. આ સીલસીલો આ વર્ષે પણ ચાલુ રહ્યો છે. ઉતરાયણને થોડા દિવસ આડે છે ત્યાં જ અહિં પક્ષીઓ ઘાયલ થવાની શરૂઆત થઇ ગઇ છે. પતંગ પ્રેમીઓ ચાઇનીઝ દોરી પર વિશેષ પસંદગી ઉતારી રહ્યા છે ત્યારે આ દોરી પક્ષીઓ માટે વધુ ઘાતક સાબિત થઇ રહી છે. રાજુલામાં આજે આકાશમાં ઉડતી પતંગોના કારણે જુદા જુદા સાત પક્ષીઓ ઘાયલ થઇ ગયા હતાં.

જેમાં ચકલી, કબુતર ઉપરાંત પેલીકનનો પણ સમાવેશ થાય છે. અહિંના સર્પ સંરક્ષણ મંડળ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવારનું બીડુ ઝડપવામાં આવ્યુ છે. મંડળના પ્રમુખ અશોકભાઇ સાંખટ અને તેની ટીમ દ્વારા આ સાતેય પક્ષીઓની સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે કોઇને ઘાયલ પક્ષી નઝરે ચડે તો હેલ્પ લાઇન નં. ૯૮૨૪૨૫૭૦૭૦ અને ૮૧૪૧૪ ૫૭૦૭૦ પર સંપર્ક કરવો. જેથી આ પક્ષીઓને સારવાર આપી શકાય.

- ખાંભામાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવા માગ

ખાંભામાં ગીર નેચર યુથ ક્લબ દ્વારા સ્થાનિક પીએસઆઇને ચાઇનીઝ દોરીનું વેચાણ બંધ કરાવવા માંગ કરાઇ છે. તેમણે જણાવ્યુ  છે કે ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરી ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો હોવા છતાં ખાંભામાં આવી દોરીનું મોટા પ્રમાણમાં વેચાણ થઇ રહ્યુ છે. જેના કારણે પક્ષી ઉપરાંત માણસોને પણ ઇજાની ઘટનાઓ નોંધાઇ રહી છે.

No comments: