Thursday, January 17, 2013

લીલીયાનાં અંટાળીયામાં ૩૮ બગલાનાં મોત.

લીલીયાનાં અંટાળીયામાં ૩૮ બગલાનાં મોત

Bhaskar News, Liliya  |  Jan 07, 2013, 23:34PM IST
- વન વિભાગનો સ્ટાફ દોડ્યો : પક્ષીઓમાં ભેદી રોગચાળાની તપાસ થવી જરૂરી

અમરેલી જિલ્લામાં પાછલા કેટલાક દિવસથી પક્ષીઓમાં ભેદી રોગચાળો ફેલાયો હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. વિકટર તથા આસપાસના વિસ્તારમાં રોગચાળામાં મોટી સંખ્યામાં કુંજ સહિતના પક્ષીઓના મોત થયા બાદ અમરેલી તાલુકાના વાંકીયા ગામે એક જ દિવસમાં ૪૦ બગલાના મોત થયાની ઘટના હજુ તાજી છે.

ત્યાં આજે લીલીયા તાલુકાના અંટાળીયા ગામે મંદિરના પ્રાંગણમાં એક સાથે ૩૮ બગલાના રહસ્યમય સંજોગોમાં મોત થતા તંત્ર ચોંકી ઉઠ્યુ છે. અહિં વન વિભાગનો સ્ટાફ વેટરનરી ડોક્ટર સાથે દોડી ગયો હતો અને પક્ષીઓના જરૂરી નમુનાઓ પ્úથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં.

એક સાથે ૩૮ બગલાના ભેદી મોતની આ ઘટના આજે લીલીયા તાલુકાના અંટાળીયા ગામે બની હતી. અંટાળીયા ગામે મંદિરના પ્રાંગણમાં આજે સવારે આ બગલાઓ ટપોટપ મોતને ભેટયા હતાં. મંદિરના સેવકે સવારમાં ઉઠીને જોયુ તો મોટી સંખ્યામાં બગલાઓના મૃતદેહ આમથી તેમ વખિરાયેલા પડ્યા હતાં. જેને પગલે સેવકો પણ આંચકો ખાઇ ગયા હતાં.

અહિં ૩૮ બગલાના એક સાથે મોત થવાથી ગામલોકો દ્વારા તાબડતોબ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે આરએફઓ એ.કે. તુર્ક, સ્થાનીક ફોરેસ્ટર બી.એમ. રાઠોડ, બીટગાર્ડ કે.જી. ગોહિલ, બીપીનભાઇ ત્રિવેદી, બ્લોચભાઇ, અશોકભાઇ ખંખાળ, ફિરોઝભાઇ વગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

વન વિભાગ દ્વારા વેટરનરી ડોક્ટર એન.આર. વાઢીયાને પણ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતાં. ગામલોકોએ આ બગલાના મોત ભેદી રોગચાળાના કારણે થયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. વન વિભાગ દ્વારા વેટરનરી ડોક્ટરની મદદથી બગલાના મોતનું ચોક્કસ કારણ જાણવા સ્થળ પર જ પોસ્ટ મોર્ટમ હાથ ધરવામાં આવ્યુ હતું.

આ બગલા કોઇ રોગચાળાના કારણે મોતને ભેટયા છે કે ઠંડીના કારણે તે જાણવા જરૂરી નમુનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. એવું પણ કહેવાય છે કે અહિં અન્ય કેટલાક બગલા પણ ઝાડ પરથી નીચે પટકાયા હતાં. જો કે થોડો સમય તડકામાં રહ્યા બાદ આ બગલા ફરી ઉડી ગયા હતાં અમરેલી જીલ્લામાં પાછલા કેટલાક સમયથી પક્ષીઓના મોતનો આ રીતે સીલસીલો ચાલી રહ્યો છે.

જાફરાબાદ તાલુકાના વિકટર તથા આસપાસના વિસ્તારમાં પાછલા દિવસો દરમીયાન મોટી સંખ્યામાં કુંજ અને બાજ સહિતના પક્ષીઓના મોત થયા હતાં. આ ઉપરાંત અમરેલી તાલુકાના વાંકીયા ગામે પણ બે દિવસ પહેલા એક સાથે ૪૦ બગલા મોતને ભેટયા હતાં. અહિં પાછલા એક સપ્તાહથી દરરોજ બગલાઓ મોતને ભેટી રહ્યા છે તેવા સમયે જ લીલીયાના અંટાળીયામાં પણ આવી જ ઘટના બનતા પક્ષીઓમાં કોઇ રોગચાળો છે કે કેમ તે દિશામાં ઉંડી તપાસ થવી જરૂરી છે.

- બગલાના મોત ઠંડીથી થયાની શક્યતા-વેટરનરી ડોક્ટર

દરમીયાન આ ઘટના અંગે લીલીયાના વેટરનરી ડોક્ટર એન.આર. વાઢીયાએ જણાવ્યુ હતું કે પ્રાથમીક દ્રષ્ટિએ આ તમામ બગલાનું મોત ઠંડીમાં ઠુઠવાઇ જવાના કારણે થયાનું જણાઇ રહ્યુ છે. આમ છતાં આ પક્ષીઓના મોતનું સાચુ કારણ લેબોરેટરીના રીપોર્ટ બાદ જ કહી શકાશે.

No comments: