
Bhaskar News, Junagadh | Jan 07, 2013, 00:25AM IST
- ગુલાબી ઠંડીમાં યૌવને પૂર્ણ જોમ અને જુસ્સા સાથે મૂકી પર્વત તરફ દોટ- સિનીયર બહેનોમાં ગાયત્રી ભેસાણીયાએ મેદાન માયું : જૂનિયર ભાઇઓમાં નરશી બાંભણીયા અને બહેનોમાં લક્ષ્મી સોલંકી પ્રથમ
યુવાધનના જોમ, જુસ્સો અને સાહસિકતાને ઉજાગર કરતી ૨૮ મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહરણ-અવરોહણ સ્પર્ધામાં આજે ગુલાબી ઠંડી વચ્ચે ૮૪૭ સ્પર્ધકોએ ગીરનારને આંબવા દોટ મુકી હતી. ચાર વિભાગોમાં યોજાયેલી આભને આંબતી આ સ્પર્ધામાં ઊનાના કાળાપાણ ગામના હરી મજેઠીયા ૫૭.૪૬ મીનીટમાં ગિરનાર સર કરી સિનીયર ભાઇઓમાં ચેમ્પિયન બન્યો હતો. સિનીયર બહેનોમાં ગાયત્રી ભેસાણીયાએ ૩૯.૨૫ મીનીટમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું.
જોમ, જુસ્સો અને સાહસનો સમન્વય એટલે ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધા. આ સ્પર્ધામાં આજે યુવાધને પોતાની સાહસથી ગિરનારને આંબવા દોટ મૂકી હતી. રાજ્યકક્ષાની આ સ્પર્ધાનો સવારે સાત વાગ્યાનાં ટકોરે કલેક્ટર મનિષ ભારદ્વાજ, ડીડીઓ અને ઇન્ચાર્જ કમિશ્નર દિલીપ રાણા, અધિક કલેક્ટર વાઢેર, ભાજપ મહામંત્રી પ્રદીપ ખીમાણી સહિતનાં રાજકીય-સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સિનિયર ભાઇઓની પ્રથમ ટુકડીને રવાના કરવામાં આવી હતી.
આજની સ્પર્ધામાં ભાગ લેવા માટે કુલ ૧૦૩૩ સ્પર્ધકોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૮૪૭ સ્પર્ધકો પોતાની કાબેલીયત પુરવાર કરવા પરસેવો પાડ્યો હતો. ભારે રોમાંચ સાથે શરૂ થયેલી આ સ્પર્ધામાં નવ વાગ્યાનાં અરસામાં બહેનો પણ જોડાઇ હતી. અબળા ગણાતી નારીની વાતને ભૂલી જવાય તેવુ કૌવત આ સ્પર્ધામાં ભાગ લેતી યુવતિઓએ બતાવ્યુ હતુ.
ચાર ભાગમાં યોજાયેલી આ સ્પર્ધામાં સિનિયર ભાઇઓમાં ઊનાનાં કાળાપાણ ગામનાં હરી ગોવિંદભાઇ મજેઠીયાએ માત્ર ૫૭.૪૬ મીનીટમાં જ અંબાજી સુધીનું અંતર કાપી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે સિનિયર બહેનોમાં ભેંસાણની ગાયત્રી રમેશભાઇ ભેસાણીયાએ ૩૯.૨૫ મીનીટમાં ૨૨૦૦ પગથીયાનું અંતર પાર કરી પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતુ. તેમજ જૂનિયર ભાઇઓમાં ઊનાનાં લામધાર ગામનાં નરશી રામભાઇ બાંભણીયાએ ૬૧.૧૫ મીનીટમાં અંબાજી સુધીનું અંતર કાપી પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે જૂનિયર બહેનોમાં વેરાવળની લક્ષ્મી લક્ષ્મણભાઇ સોલંકીએ ૪૧.૩૭ મીનીટમાં પોતાનું લક્ષ્ય પાર કર્યું હતુ.
ચારેય વિભાગમાં પ્રથમ આવનાર સ્પર્ધકને રાજ્ય સરકાર તરફથી પાંચ હજાર કોર્પોરેશન તરફથી અગિયાર હજાર અને કલેક્ટર કચેરી તરફથી દસ હજારનું રોકડ ઇનામ તેમજ શીલ્ડ- ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં રાજ્યનાં ૧૪ જિલ્લાઓમાંથી સ્પર્ધકો ભાગ લેવા આવી પહોંચ્યા હતા. ઇનામ વિતરણ સમારોહમાં કલેક્ટર મનિષ ભારદ્વાજ, ડીડીઓ અને ઇન્ચાર્જ કમશિ્નર દિલીપ રાણા, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ, ડે.મેયર ગીરીશ કોટેચા, પ્રદીપ ખીમાણી, કોર્પોરેટર સંજય કોરડીયા, અલ્પાબેન ઉનડકટ, ચંદ્રિકાબેન રાખશીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
No comments:
Post a Comment