Thursday, January 17, 2013

પ્રકૃતિના ખોળે જંગલમાં સિંહણનો સનબાથ.

Bhaskar News, Amreli | Dec 30, 2012, 02:32AM IST
- ઠંડીમાં પ્રાણીઓ કુદરતી સૂઝથી મેળવે છે ગરમાવો

કડકડતી ટાઢ પડતી હોય ટાઢોબોળ પવન શરીર સોસરવો નિકળી જતો હોય ત્યારે માણસ પોતાનું શરીર તપાવવા તડકામાં બેસી જાય તેવા દ્રશ્યો તો ગમે ત્યાં નઝરે પડે છે. પરંતુ જંગલના રાજા ગણાતા સાવજને પણ ઠંડીની આ મોસમમાં ગરમાવાની જરૂર પડે છે. મીતીયાળા નજીક એક સિંહણ આજે સવારે સનબાથ લેવા ખુલ્લા ખેતરમાં ગોઠવાઇ ગઇ હતી.

ખુલ્લા વન વગડામાં વસતા પ્રાણીઓ માટે ઠંડીથી બચવા માટે કાંઇ ધાબળાની વ્યવસ્થા હોતી નથી તેઓ ગરમ વસ્ત્રોમાં વિંટળાઇને બેસતા કે નથી તાપણુ કરતા. પરંતુ ઠંડીથી બચવા માટેના ઉપાયો અંગે કુદરતે તેમને અજીબ સુઝ આપી છે. કુદરતની આ સુઝનું અજીબ ઉદાહરણ મીતીયાળામાં એક સિંહણે રજુ કર્યું હતું.

અમરેલી પંથકમાં ઠંડી સતત વધી રહી છે ત્યારે વન વગડાના પ્રાણીઓ પણ સ્વાભાવિક રીતે જ ઠંડીની હડફેટે આવી રહ્યા છે. સાવરકુંડલા તાલુકાના અભરામપરા, મીતીયાળા આસપાસ રહેતા સાવજો આ ઠંડીમાં જાણે સુસ્ત બની ગયા છે. આજે સવારે મીતીયાળા નજીક એક ખેતરના શેઢે સિંહણ કુમળા તડકામાં બેસી ગઇ હતી.

આ સિંહણ જાણે સનબાથ લઇ રહી હતી. સિંહણ વાડીમાં બેઠી હોય તે આમ તો સામાન્ય ઘટના હોય ખેડૂતે ધ્યાન આપ્યુ ન હતું. પરંતુ વાડ પાસે બેઠેલી આ સિંહણ જેમ જેમ તડકો ચડતો ગયો તેમ તેમ પોતાની બેઠક ફેરવી તડકે બેસતી હતી. દિવસ ચડ્યા બાદ શરીરમાં ગરમાવો આવતા જંગલની આ રાણીએ અહિંથી ચાલતી પકડી હતી.

No comments: