Thursday, January 17, 2013

‘રામ કી ચીડીયા, રામ કા ખેત..., ખાઓ ચીડીયા ભરપેટ’.

‘રામ કી ચીડીયા, રામ કા ખેત..., ખાઓ ચીડીયા ભરપેટ’
Dhirubhai Nimavat, Bagavdar  |  Jan 11, 2013, 00:45AM IST
- પાનનાં કુંડામાં બિન્દાસ્ત પાણી પીવે છે

લુપ્ત થતી ચકલીની જાતને બચાવવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે અને તા. ૨૦ મી માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે આ ચકલીને બચાવવાનું એક અભિયાન આંબારામાના એક યુવાને હાથ ધર્યું છે. પોતાની પાનની દુકાનમાં ચકલીના માળા બનાવ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ચકલીઓ વસવાટ કરે છે.

બગવદરના આંબારામા ગામે પાનની દુકાન ધરાવતા માલદેભાઈ ઓડેદરાને ચકલી પ્રત્યે અનોખો પ્રેમ છે અને આ ચકલી બચાવો અભિયાન પણ શરૂ કર્યું છે. માલદેભાઈની દુકાનમાં એક-બે ચકલી નિયમીત આવતી હોય આથી તેમણે તેમના માટે દુકાનની ફરતે ૧૮ જેટલા માળાઓ બનાવ્યા. ધીરે-ધીરે ચકલીઓની સંખ્યા વધતી ગઈ. અને ચકલીને પણ માલદેભાઈ સાથે લગાવ થઈ ગયો હોય તેમ માલદેભાઈ પાન બનાવતા હોય ત્યારે તેમના પાનના કુંડામાં પાણી પીએ છે.

આ ઉપરાંત બાજુમાં રહેલા ફ્રીજ ઉપર બાજરો, જુવાર નાખતા જ ચકલીઓ આવી પહોંચે છે. છેલ્લા ૧૧ વર્ષથી આ ક્રમ ચાલ્યો આવે છે.  માલદેભાઈની દુકાન સવાર-સાંજ ચકલીઓના ચી-ચી થી ગાજી ઉઠે છે. માલદેભાઈના ચકલી પ્રત્યેનો આ પ્રેમ જોઈને અન્ય લોકોએ પણ પોતાના ઘરમાં ચકલીઓના માળા બનાવ્યા છે. ત્યારે આ તકે ગુરૂ નાનકની પંક્તિ ચોક્કસપણે યાદ આવે ‘રામ કી ચીડીયા, રામ કા ખેત..., ખાઓ ચીડીયા ભરપેટ.’

- દુકાન બંધ હોય તો પણ ચકલીઓ માટે ખાસ વ્યવસ્થા

માલદેભાઈની દુકાનમાં કાયમી ચકલીઓ વસવાટ કરતી હોય, માલદેભાઈને ક્યારેક બહારગામ જવાનું હોય ત્યારે ચકલીઓને કોઈ તકલીફ ન પડે  તે માટે તેમણે પોતાની દુકાનના બારણામાં આવક-જાવકની ખાસ વ્યવસ્થા પણ રાખી છે. આ ઉપરાંત પાનના કુંડામાં પાણી અને ચણની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

- ફોરેસ્ટર દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું

બગવદરમાં ભૂતકાળમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા વી.ડી. બાલાએ ચકલી બચાવવાનું ખાસ અભિયાન હાથ ધર્યું હતું અને તેઓએ બરડા પંથકના ખેડૂતોને ચકલી માટે પોતાના વાડી-ખેતરોમાં જુવારની બે લાઈનનું વાવેતર કરવા જણાવ્યું હતું. આજે પણ ખેડૂતો આ ચકલીઓ માટે અનાજ વાવે છે. આ ઉપરાંત ફોરેસ્ટર વી.ડી. બાલા પોરબંદર પંથકમાં દર વર્ષે સૌરાષ્ટ્રમાં ૫૦ હજાર જેટલા ચકલીઓના માળાનું ટોકન દરથી વિતરણ કરે છે

No comments: