Thursday, January 31, 2013

તુલસીશ્યામમાં ચોરીનું પગેરૂં શોધવા કવાયત, કરાઇ ચર્ચા-વિચારણા.


Bhaskar News, Rajula | Jan 29, 2013, 23:52PM IST
- મહંત અને ટ્રસ્ટીઓ સાથે એસપીની ચર્ચા-વિચારણા : જુની ચોકી ફરી કાર્યરત કરો

મધ્ય ગીરમાં તુલસીશ્યામ ધામમાં ગઇકાલે અજાણ્યા તસ્કરો રૂ. ૫ લાખની કિમતના દાગીના ચોરી જતા ચકચાર મચી છે ત્યારે આજે આ ઘટનાને પગલે જુનાગઢ જિલ્લા પોલીસવડા દિપાંકર ત્રિવેદી તુલસીશ્યામ દોડી ગયા હતા. તેમણે આવી ઘટના ભવિષ્યમાં ફરી ક્યારેય ન બને તે માટે જરૂરી પગલા અંગે ટ્રસ્ટીઓ અને મહંત સાથે ચર્ચા વિચારણા કરી હતી.

લોકોની આસ્થાનુ કેન્દ્ર અને ગૌરવવંતી ગીરમાં જ્યાં ધર્મની ધજા ફરકે છે તે પવિત્ર યાત્રાધામ તુલશીશ્યામમાં તસ્કરોએ પગરણ કરતા ભાવિકો ચિંતાતુર બન્યા છે. જે સ્થળે ભાવિકોને મનની શાંતી, ભુખ્યાને ભોજન અને ભકતોને સંતોનો સંગાથ મળે છે તે સ્થળને પણ તસ્કરોએ છોડયુ નથી. ભગવાન તુલશીશ્યામની મુર્તિ પરથી દાગીના ચોરનાર તસ્કરો પર ચારે તરફથી ફિટકાર છે ત્યારે આજે જુનાગઢ જિલ્લા પોલીસવડા દિપાંકર ત્રિવેદી, ડીવાયએસપી તથા સ્ટાફ સાથે ઘટના સ્થળનુ નિરીક્ષણ કરવા તુલશીશ્યામ દોડી ગયા હતા.

જિલ્લા પોલીસવડાએ મંદિરના મહંત ભોળાદાસબાપુ, ટ્રસ્ટી પ્રતાપભાઇ વરૂ તથા અન્ય સાથે જરૂરી ચર્ચા વિચારણા કરી માહિતી મેળવી હતી. અને ભવિષ્યમા ક્યારેય આવો બનાવ ફરી ન બને તે માટે સુચનો અને ચર્ચા વિચારણા કરી હતી. વેરાવળના ડીવાયએસપી પણ બનાવની તપાસ ચલાવી રહ્યાં છે ત્યારે પોલીસ ઝડપથી તસ્કરો સુધી પહોંચશે તેવી ભકતોને આશા બંધાણી છે.

- તુલસીશ્યામની ચોકી પણ બંધ જેવી સ્થિતિમાં

તુલશીશ્યામમાં પોલીસ ચોકી તો છે પરંતુ અગાઉ તેમા એક પોલીસ કર્મી ફરજ બજાવતા હતા. હાલ આ પોલીસ ચોકી બંધ જેવી સ્થિતિમાં છે. અહી પોલીસ ચોકી કાર્યરત થઇ જાય અને સીસી ટીવી કેમેરા ચાલુ થઇ જાય તો આવી ઘટના નિવારી શકાય તેવુ ભકતોનુ કહેવુ છે. બીજી તરફ અહી ચોરીની ઘટના બાદ આજે ભકતોનો ધસારો પ્રમાણમાં વધુ જોવા મળ્યો હતો.

No comments: