
- બે ભાગીયાઓએ જ ફાંસલો ગોઠવ્યો 'તો- ભેદ ઉકેલાયો : બે દિવસ પૂર્વે ફિફાદની સીમમાં વાડીનાં કુવામાંથી હત્યા કરાયેલી હાલતમાં મળેલ સિંહણના મૃતદેહનું રહસ્ય ખુલ્યું
-આ પ્રકરણમાં બેની ધરપકડ : હજુ વધુ નામ ખૂલે તેવી વન વિભાગે દર્શાવી શકયતા
સાવરકુંડલા તાલુકાના ફિફાદ ગામની સીમમા બે દિવસ પહેલા એક વાડીના કુવામાંથી ગળામા ફાંસલા સાથે સિંહણનો મૃતદેહ મળી આવ્યા બાદ વનવિભાગની તપાસમા વાડીમા કામ કરનાર બે ભાગીયાઓએ જ ફાંસલો મુકયો હોવાનુ ખુલતા આજે વનતંત્ર દ્વારા બંનેની ધરપકડ કરવામા આવી હતી. આ કેસમા હજુ વધુ કેટલાક શખ્સોની સંડોવણી ખુલી શકે તેવી શકયતા વનવિભાગે દર્શાવી હતી. ફિફાદની સીમમા જે વાડીના કુવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો હતો તે વાડીના ભાગીયાઓએ જ મુકેલા ફાંસલામા ફસાવાથી સિંહણનુ મોત થયાનુ વનવિભાગની તપાસમા બહાર આવ્યુ છે.

આ સિંહણના ગળામા વનવિભાગને ફાંસલો પણ મળ્યો હતો. વન્યપ્રાણીઓથી પાકના રક્ષણ માટે ગોઠવવામા આવેલા ફાંસલામા ફસાઇ જવાથી આ સિંહણનુ મોત થયુ હતુ. સિંહણના ગળામા ફાંસલોએટલો મજબુત ખેંચાઇ ગયો હતો કે શ્વાસ રૂંધાઇ જવાથી તે મોતને ભેટી હતી. બાદમા આ ઘટના છુપાવવા ગળામા ફાંસલા સાથે પતરાનો ડબ્બો બાંધી લાશને કુવામા નાખી દેવામા આવી હતી.
પાપ છાપરે ચઢીને પોકારતા સમગ્ર ઘટનાનો ભાંડો ફુટયો હતો. દરમિયાન આ કૃત્ય કોણે આચર્યુ તે જાણવા વનવિભાગ દ્વારા અનેક શંકાસ્પદ લોકોની પુછપરછ કરવામા આવી હતી. દરમિયાન આજે આ વાડી ભાગવી વાવવા રાખનાર મુકેશ નાથા કથીરીયા અને ભીમા લાખા વાઘેલાએ આ ફાંસલો પોતે મુકયો હોવાની કબુલાત આપી હતી. જેને પગલે વનતંત્ર દ્વારા તેની ધરપકડ કરવામા આવી હતી. સમગ્ર ઘટના કઇ રીતે બની અને તેને કઇ રીતે છુપાવવા પ્રયાસ થયો તેનો તાગ મેળવવા એસીએફ મુની અને આરએફઓ ભાલોડીયા દ્વારા વધુ પુછપરછ કરાઇ રહી છે.

એસીએફ મુનીએ જણાવ્યુ હતુ કે આ કેસમા બે શખ્સોની ધરપકડ કરાઇ છે. ઉપરાંત સિંહણની લાશને ઉંચકીને કુવામા નાખવામા કોઇએ મદદ કરી છે કે કેમ તે દિશામા પણ તપાસ ચાલુ છે. તેમણે એમપણ જણાવ્યુ હતુ કે બંનેની પુછપરછ બાદ વધુ વિગતો ખુલશે.
No comments:
Post a Comment