Thursday, November 28, 2013

વન તંત્ર નિદ્રામાં: બાબર કોટમાં પ્રવાસી પક્ષીઓનો શિકાર.

વન તંત્ર નિદ્રામાં: બાબર કોટમાં પ્રવાસી પક્ષીઓનો શિકાર
Bhaskar News, Amreli   |  Nov 24, 2013, 03:00AM IST
- વન તંત્ર નિદ્રામાં : ૨પથી વધુ પક્ષીઓનો શિકાર કરાયાની રજૂઆત પછી તંત્ર દોડતુ થયું
-
લાયન નેચર ફાઉન્ડેશને કરી વિસ્તૃત રજૂઆત : વન તંત્ર દોડયુ પણ શિકારીઓ હાથમાં ન આવ્યા

દર શીયાળામાં સાયબેરીયા સહિ‌ત દુર દુરના પ્રદેશમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ સૌરાષ્ટ્રમાં આવે છે. અમરેલી જીલ્લાના દરીયાકાંઠો પણ પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠયો છે. શિકારીઓ દ્વારા આ પ્રવાસી પક્ષીઓનો અવાર નવાર શિકાર કરવામાં હોવાની ભુતકાળમાં ફરીયાદો ઉઠી હતી ત્યારે જાફરાબાદના બાબરકોટમાં પણ ૨પ થી વધુ પ્રવાસી પક્ષીઓનો શિકાર કરવામાં આવ્યો હોવાની લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વનતંત્રને ચોંકાવનારી રજુઆત કરાઇ છે. જો કે વનતંત્રનો સ્ટાફ અહિં દોડયો ત્યારે શિકારીઓ ગાયબ થઇ ગયા હતાં.
અમરેલી જીલ્લામાં વન્યપ્રાણીઓ અને પક્ષીઓના શિકારની ઘટનાઓ અવાર નવાર બહાર આવતી રહે છે. માંસભક્ષીઓ દ્વારા નિલગાયના શિકારની પણ ઘટનાઓ બની ચુકી છે. અહિંના માંસભક્ષીઓ દરીયાઇ કાચબાના ઇંડાને પણ બક્ષતા નથી. ત્યાં પ્રવાસી પક્ષીઓની શું વિસાત ? અમરેલી જીલ્લાના જળાશયો પર અને દરીયાકાંઠે આ પ્રવાસીપક્ષીઓ પર કોઇ ચોકી પહેરો હોતો નથી. જેને પગલે શીકારીઓને જાણે ખુલ્લુ મેદાન મળે છે. શીયાળાની શરુઆત થઇ ચુકી છે ત્યારે કેટલાક દિવસોથી પ્રવાસી પક્ષીઓ પણ આવવાની શરૂઆત થઇ ચુકી છે. રાજુલા અને જાફરાબાદ તાલુકાના દરીયાકાંઠા પર મોટી સંખ્યામાં પ્રવાસીપક્ષીઓ આવી ચુક્યા છે.

દરમીયાન લાયન નેચર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા આ પ્રવાસી પક્ષીઓનો શિકાર કરવામાં આવ્યો હોવાની વન વિભાગને રજુઆત કરાઇ છે. ગત ૧૮મી તારીખે જાફરાબાદ તાલુકાના બાબરકોટની સીમમાં ૨પ થી વધુ પ્રવાસી પક્ષીઓનો શીકાર કરાયો હતો. ભીખુભાઇ બાટાવાળા દ્વારા એવી પણ રજુઆત કરાઇ હતી કે અહિં પાંચ શિકારીઓએ ધામા નાખ્યા હતાં અને પ્રવાસી પક્ષીઓનો શિકાર કર્યો હતો.

લાયન નેચર ફાઉન્ડેશનની રજુઆત બાદ આરએફઓ દ્વારા વન કર્મચારીઓને અહિં દોડાવવામાં આવ્યા હતાં. જો કે વન વિભાગના હાથમાં આ શિકારીઓ આવ્યા ન હતાં. ભીખુભાઇ બાટાવાળાએ જણાવ્યુ હતું કે પશુ-પક્ષીઓની રક્ષા માટે આમ જનતામાં જાગૃતિ આવી રહી છે. પ્રાણી અને પક્ષીના રક્ષણ માટે અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે. ત્યારે શિકારની આવી ઘટના બને તો લોકો દ્વારા પણ હવે તુરંત જાણ કરવામાં આવે છે. ગ્રામીણ પ્રજા પણ શિકારની પ્રવૃતિ અટકાવવા માટે આગળ આવી રહી છે. આવા સમયે ડેમ, નદીઓ, તળાવ અને સમુદ્ર કિનારે આવતા કુંજ, કરકરા, સારસ સહિ‌તના પ્રવાસી પક્ષીઓના શિકારને અટકાવવા તંત્ર દ્વારા નક્કર પગલા લેવાની જરૂર છે.

મુખ્ય મંત્રી સુધી કરાઇ રજૂઆત
લાયન નેચર ફાઉન્ડેશન વતી ભીખુભાઇ બાટાવાળા દ્વારા શિકારની આ પ્રવૃતિ અંગે આજે રાજ્યના મુખ્યમંત્રીને ફેક્સ દ્વારા રજુઆત કરાઇ હતી. તેમણે એવી માંગ ઉઠાવી હતી કે પ્રવાસી પક્ષીઓના રક્ષણ માટે ઉચીત કદમ ઉઠાવવામાં આવે.

એક પક્ષીના બે હજાર રૂપિયા
ભીખુભાઇ બાટાવાળાએ એવી ચોંકાવનારી વિગત આપી હતી કે રાજુલા-જાફરાબાદ પંથકમાં પરપ્રાંતિયોની વસ્તી વધારે છે અને આવા પરપ્રાંતિય શખ્સો પોતાની માંસભક્ષીતા પોંશવા માટે એક એક પક્ષીના રૂા. બે - બે હજાર ચુકવતા હોવાનું કહેવાય છે. આ અંગે તપાસ થવી જોઇએ.

No comments: