Thursday, November 28, 2013

દરિયાકાંઠે પ્રવાસી પક્ષીઓનો કલરવ ગુંજ્યો.


દરિયાકાંઠે પ્રવાસી પક્ષીઓનો કલરવ ગુંજ્યો
Bhaskar News, Amreli | Nov 25, 2013, 00:58AM IST
- સિઝનલ ટૂર : જિલ્લાના કાંઠા અને જળાશય વિસ્તારમાં ચાર મહિ‌ના સુધી મૂકામ કરે છે
-
વિકટર ચાંચબંદર ખેરા પટવા વિસ્તારમાં હજારોની સંખ્યામા પ્રવાસી પક્ષીઓનું આગમન

અમરેલી જિલ્લાનો સાગરકાંઠો પ્રવાસી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠયો છે. શિયાળાની શરૂઆત થતાની સાથે જ પ્રવાસી પક્ષીઓનુ આગમન શરૂ થઇ ચુકયુ છે. જો કે આવનારા દિવસોમા આ પક્ષીઓની સંખ્યામા ધરખમ વધારો થશે. હાલમા વિકટર, ચાંચ બંદર, ખેરા, પટવા વિગેરે વિસ્તારના દરિયાકાંઠામા ખુબ મોટી સંખ્યામા પ્રવાસી પક્ષીઓ આવ્યા છે. દર વર્ષે સાઇબીરીયા તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામા પ્રવાસી પક્ષીઓ અહી શિયાળો ગાળવા માટે આવે છે.

હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડી આ પક્ષીઓ અમરેલી જિલ્લાના દરિયાકાંઠા પર તથા અન્ય જળાશયો પર ચારેક માસ સુધી રોકાઇ છે. અને ઉનાળો શરૂ થાય તે પહેલા પોતાના પ્રદેશ તરફ પરત ઉડી જાય છે. વર્ષોથી ચાલતો આ સીલસીલો જળવાતો હોય તેમ ઓણસાલ પણ પ્રવાસી પક્ષીઓના આવવાની શરૂઆત થઇ ચુકી છે.

અમરેલી જિલ્લાના જુદાજુદા જળાશયો પર હજુ મોટી સંખ્યામા આ પ્રવાસીઓ નજરે નથી પડયા પરંતુ અહીના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ પક્ષીઓનુ મોટી સંખ્યામા આગમન થઇ ચુકયુ છે જેને પગલે દરિયાકાંઠા પર પક્ષીઓનો કોલાહલ મચ્યો છે. અહી કુંજ, કરકરા, સારસ સહિ‌તના પક્ષીઓ આવવાની શરૂઆત થઇ ગઇ છે.
પક્ષીઓને અહીના દરિયાકાંઠે ભરપુર ખોરાક મળી રહે છે. વિકટર, ચાંચ, ખેરા પટવા અને આસપાસના દરિયાકાંઠે માછલી અને અન્ય દરિયાઇ જીવોનો ખોરાક તેમને સરળતાથી મળી રહે છે. એવુ નથી કે આ વિસ્તારમાં આ પ્રવાસી પક્ષીઓ માત્ર દરિયાકાંઠે આવે છે. બલકે અમરેલી જિલ્લાના અનેક જળાશયો પર પણ તેનુ દર વર્ષે નિયમિત આગમન થાય છે. ખોડીયાર ડેમ ઉપરાંત ધાતરવડી, મુંજીયાસર ડેમ સહિ‌ત મોટી સંખ્યામા આ પક્ષીઓ આવે છે. અનેક નાના મોટા તળાવો પર પણ તેમનો પડાવ જોઇ શકાય છે.

No comments: