![બાબરા પંથકમાં સાવજોના આંટાફેરા બાબરા પંથકમાં સાવજોના આંટાફેરા](http://i6.dainikbhaskar.com/thumbnail/300x259/web2images/www.divyabhaskar.co.in/2013/11/21/0336_singh.jpg)
Bhaskar News, Rajula
| Nov 21, 2013, 04:57AM IST
- વનવિભાગ દ્વારા સાવજોને પકડવા કવાયત હાથ ધરવામાં આવી
બાબરા પંથકમાં પાછલા ત્રણ ચાર દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોના આંટાફેરાથી ખેડુતોમાં ફફડાટ ફેલાયો છે. અહીના ચરખા, ઘુઘરાળા અને કણુર્કી ગામની સીમમાં સાવજો આંટા મારી રહ્યાં હોય ખેડુતો અને મજુરો વાડી ખેતરોમાં જતા ભય અનુભવી રહ્યાં છે. ત્યારે વનવિભાગ દ્વારા આ સાવજોને પકડવા કવાયત હાથ ધરવામા આવી છે. ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા નજરે પડી રહ્યાં છે. ત્યારે પાછલા ત્રણ ચાર દિવસથી બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સાવજો
નજરે પડતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
હજુ બે દિવસ પહેલા અહીના ચરખા ગામે રાત્રીના સાવજોએ એક વાછરડીનુ મારણ કર્યુ હતુ. ત્યારબાદ ગઇકાલે વહેલી સવારે આ સાવજો ઘુઘરાળા ગામની સીમમાં પહોંચી ગયા હતા. અહી મોટી સંખ્યામાં ખેડુતો એકઠા થઇ જતા આ સાવજો અહીથી ભાગી છુટયા હતા. બાદમાં આ સાવજોએ કણુર્કી ગામની સીમમાં ધામા નાખ્યા હતા. અહી મનુભાઇ વાળાની વાડીએ બાંધેલ એક વાછરડીનુ આ સાવજોએ મારણ કર્યુ હતુ. બાદમાં આ સાવજો અહીથી અન્ય સ્થળે જતા રહ્યાં છે.
સાવજો બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં આંટાફેરા મારી રહ્યાં હોય રાત્રીના ખેડુતો અને મજુરો વાડી ખેતરોમાં કામ કરવા જતા ભય અનુભવી રહ્યાં છે. એકતરફ હાલ ખેતીની સિઝન ચાલી રહી હોય ખેડુતોને હાલાકી પડી રહી છે. વનવિભાગ દ્વારા પણ આ સાવજોને પકડવા કવાયત હાથ ધરવામા આવી છે. ફોરેસ્ટર પી.આર.મોરડીયાએ જણાવ્યુ હતુ કે ગામની સીમમાં સાવજોના સગડ મળી રહ્યાં છે. ત્યારે આ સાવજોને હાલ કયા વિસ્તારમાં પહોંચ્યા છે તેને શોધવા કામગીરી કરવામા આવી રહી છે. આ કામગીરીમાં અન્ય કર્મચારી ત્રિપાલસિંહ ગોહિલ, આર.વી.ચાવડા, યુ.એમ.રાઠોડ સહિત જહેમત ઉઠાવી રહ્યાં છે.
No comments:
Post a Comment